કેન્દ્રીય મંત્રી અમિત શાહના પશ્ચિમ બંગાળ પ્રવાસને પગલે સુરક્ષામાં કરાયો વધારો
કોલકત્તાઃ ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ જે.પી.નડ્ડીના કાફલા ઉપર થયેલા હુમલાને પગલે રાજકારણ ગરમાયું છે. દરમિયાન આગામી તા. 19 અને 20મી ડિસેમ્બરના રોજ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. જેથી તેમની સુરક્ષાને ધ્યાનમાં રાખીને બંદોબસ્ત વધારે તૈનાત કરવામાં આવ્યો છે. અમિત શાહના પ્રવાસને લઈને ક્લોઝ પ્રોટેક્શન ટીમ અને આઉટર પ્રોટેક્શન ટીમને તૈનાત કરવામાં આવી છે. આ ઉપરાંત કેન્દ્રીય સુરક્ષા દળ અને પોલીસ પણ બંદોબસ્તમાં તૈનાત રહેશે.
પ્રાપ્ત માહિતી અનુસાર તા. 19મી ડિસેમ્બરના રોજ અમિત શાહ પશ્ચિમ બંગાળના પ્રવાસે જશે. આ દરમિયાન તેમનો વિશાળ રોડ-શો પણ યોજાશે. અમિત શાહના રોડ-શોમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત તૈનાત કરવામાં આવ્યો છે. જેમાં મોટી સંખ્યામાં પોલીસ જવાનો સાદા વેશમાં ફરજ બજાવશે. તેમજ લોકોનું સ્ક્રીનીંગ પણ કરવામાં આવશે. આમ જે.પી.નડ્ડાના કાફલા ઉપર થયેલા હુમલા બાદ બંગાળ સરકાર અમિત શાહની સુરક્ષામાં કોઈ કચાસ ન રહી જાય તેની વિશેષ તકેદારી રાખી રહી છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, જે.પી.નડ્ડાના કાફલા ઉપર થયેલાની ઘટનામાં તૃણમૂલ કોંગ્રેસના કાર્યકરોની સંડોવણી હોવાના આક્ષેપ થઈ રહ્યાં છે. બીજી તરફ મમતા બેનર્જીએ આ હુમલાને નાટક ગણાવ્યું હતું. તેમજ હુમલાની ઘટનાને કેન્દ્ર સરકારે પણ ગંભીરતાથી લીધી હતી. તેમજ રાજ્ય સરકાર પાસે રિપોર્ટ માંગ્યો હતો.
