- દિલ્હીના બાબર રોડનું નામ બદલવા માગણી
- હિંદુ સેનાએ બાબર રોડના બોર્ડ પર લગાવ્યો કાળો રંગ
- નવી દિલ્હીમાં બંગાળી માર્કેટ નજીક આવેલો બાબર રોડ
નવી દિલ્હી : હિંદુ સેનાએ શનિવારે બંગાળી માર્કેટ ખાતે બાબર રોડના બોર્ડ પર કાળો રંગ લગાવ્યો હતો. હિંદુ સેનાએ સરકાર સમક્ષ માગણી કરી છે કે વિદેશી આક્રાંતા બાબર રોડનું નામ બદલીને ભારતના કોઈ મહાપુરુષના નામ પર કરવામાં આવે. હિંદુ સેના પ્રમાણે, આ શ્રીરામ, શ્રીકૃષ્ણ અને મહાઋષિ વાલ્મીકિ તથા સંત રવિદાસનો દેશ છે, બાબર જેવા અત્યાચારીનો નથી.
હિંદુ સેનાએ પહેલા જ સરકારને બાબર રોડનું નામ બદલીને ભારતના કોઈ મહાપુરુષના નામ પર કરવાની માગણી કરી છે. હજી સુધી નામ બદલવામાં આવ્યું નથી. માટે હિંદુ સેનાએ રોડ પર લગાવવામાં આવેલા બોર્ડ પર જ કાળો રંગ લગાવીને પોતાનો વિરોધ નોંધાવ્યો છે.
2017માં પણ ભાજપના પ્રવક્તા તેજિન્દરસિંહ બગ્ગાએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખીને વિનંતી કરી હતી કે બાબર રોડનું નામ બદલીને ભારતીય સેનાના શહીદ લેફ્ટિનેન્ટ ઉમર ફયાઝના નામ પર કરવામાં આવે.
મહત્વપૂર્ણ છે કે ઉમર ફયાઝની કાશ્મીરના શોપિયાંમાં એક લગ્ન સમારંભ દરમિયાન હત્યા કરીને તેમને શહીદ કરવામાં આવ્યા હતા.
લશ્કરે તૈયબા અને હિઝબુલ મુજાહિદ્દીનના આતંકવાદીઓએ 9મી મેના રોજ ફૈયાઝનું અપહરણ કરવામાં આવ્યું હતું અને 10મી મેના રોજ તેમની લાશ મળી આવી હતી. તેમની યાદમાં જમ્મુ-કાશ્મીરમાં એક આર્મી સ્કૂલનું નામ બદલીને શહીદ લેફ્ટિનેન્ટ ઉમર ફયાઝ ગુડવિલ સ્કૂલ કરવામાં આવ્યું હતું.