લખનૌ: સંસ્કૃત ભાષાને પ્રોત્સાહન માટે ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાન જ્ઞાની પુરોહિત તૈયાર કરવાની રણનીતિ બનાવી રહ્યું છે. ઉત્તરપ્રદેશ સંસ્કૃત સંસ્થાનના અધ્યક્ષ ડૉ. વાચસ્પતિ મિશ્રે આઈએએનએસને કહ્યુ છે કે દેવવાણી સંસ્કૃતને જન-જન સુધી પહોંચાડવા માટે સંસ્કૃતનું શિક્ષણ લેનારા સ્ટૂડન્ટ્સને પ્રશિક્ષિત કરવા તેમને સારું પુરોહિતીનું જ્ઞાન આપવામાં આવશે.
તેમણે કહ્યુ છે કે પુરોહિત ન માત્ર કર્મકાંડનો મર્મજ્ઞ હશે, પરંતુ જ્યોતિષ, વાસ્તુ અને યોગમાં પણ તેને પારંગત બનાવવામાં આવશે. હાલ શરૂઆતમાં લખનૌ, બસ્તી, ગોરખપુર, આઝમગઢ, વારાણસી, પ્રયાગરાજ, કાનપુર, બરેલી અને સહારનપુર મંડલમાં ત્રણ માસના પુરોહિત પ્રશિક્ષણ શિબિર માટે અરજી માંગવામાં આવી છે.
તેમણે કહ્યુ છે કે સંસ્થાને પાયલટ પ્રોજેક્ટ તરીકે પ્રશિક્ષણને હાલ દશ મંડલોમાંથી અરજી માંગી છે. તેના પછી કેન્દ્ર રાજ્યના દરેક જિલ્લામાં ખોલવામાં આવશે. કેન્દ્ર યુવાનોને સાત કર્મ કૌશલોમાં પ્રશિક્ષિત કરશે.
ડૉ. મિશ્રાએ કહ્યુ છે કે આ શિબિરમાં પ્રશિક્ષિત પુરોહિત આગળ ચાલીને શૈક્ષણિક કાર્ય કરશે. જ્યારે આ પુરોહિતોની સંખ્યા પુરતી થઈ જશે, તો ભવિષ્યમાં એક કેન્દ્ર ખોલવામાં આવશે. તેમા કર્મકાંડ, વાસ્તુ, જ્યોતિષ, યોગ, કોમ્પ્યુટર, અંગ્રેજી અને સંસ્કૃતની તાલીમ આપવામાં આવશે.
તેમણે કહ્યુ છે કે કેન્દ્રોમાં ભવિષ્યમાં એક, ત્રણ અને છ માસના કોર્સ પણ ચલાવવામાં આવશે. આનાથી વૈદિક સંસ્કાર, જ્યોતિષ અને વાસ્તુના મર્મજ્ઞ પુરોહિત તૈયાર થશે. કેન્દ્રોમાંથી પ્રશિક્ષિત અને નિર્ધારીત પરીક્ષામાં ઉત્તીર્ણ પુરોહિતોની સમગ્ર યાદી સાર્વજનિક રહેશે. આમ લોકો પણ આ પુરોહિતોને પોતાને ત્યાં બોલાવીને ધાર્મિક કાર્ય કરી શકશે. આનાથી આપણી ભાષા પણ મજબૂત થશે અને લોકોને રોજગાર પણ મળશે.