હવે 2.18% મુસ્લિમ ધરાવતા હિમાચલમાં જાહેરસ્થાન પર નમાજ, હિંદુ સંગઠનોએ વિરોધમાં કરી હનુમાનચાલીસા
શિમલા : હિમાચલ પ્રદેશના ઉનામાં નગરપંચાયતની સરકારી જમીન પર મુસ્લિમ સમુદાયના લોકો દ્વારા નમાજ પઢવાને લઈને વિવાદ પેદા થઈ ગયો છે. શુક્રવારે વિભિન્ન હિંદુ સંગઠનોના લોકોએ સ્થાનિક લોકની સાથે મળીને જે સરકારી જમીન પર નમાજ પઢવામાં આવી હતી, ત્યાં હનુમાન ચાલીસાના પાઠ કર્યા હતા. તો બીજી તરફ પોલીસ અને સ્થાનિક નેતાઓ દ્વારા મુસ્લિમ સમુદાયને વિવાદીત સ્થાન પર નમાજ નહીં પઢવાની અપીલ કરવામાં આવી હતી. જેને મુસ્લિમ સમુદાયે માની લીધી હતી. જેને કારણે સ્થિતિ શાંતિપૂર્ણ રહી હતી. હાલ ઘટનાસ્થળે મોટી સંખ્યામાં પોલીસ ફોર્સની તેનાતી કરવામાં આવી છે અને પ્રશાસન દ્વારા સ્થિતિ પર નજર રખાય રહી છે.
અહેવાલ છે કે ઉનામાં ટાહલીવાલ નગરપંચાયતની સરકારી જમીન છે, તેના પર મુસ્લિમો દ્વારા નમાજ અદા કરવામાં આવે છે. સ્થાનિક લોકોનો આરોપ છે કે સરકારી જમીન પર સ્થાનિક મુસ્લિમ વર્ગની સાથે જ પંજાબ, દિલ્હી, હરિયાણા અને હિમાચલના અન્ય વિસ્તારોમાંથી પણ મુસ્લિમો પહોંચી રહ્યા છે, જેને કારણે આ વિસ્તારનો માહોલ ખરાબ થઈ રહ્યો છે. ગ્રામીણોનું કહેવું છે કે તેમણે આના સંદર્ભે પ્રશાસન અને પંચાયતને પણ ફરિયાદ કરી હતી. પરંતુ કોઈએ પણ તેમની ફરિયાદ ધ્યાને લીધી નહીં. તેના પછી તેમને ખુદ વિરોધ કરવા માટે ઉતરવું પડયું છે.
હિંદુ સંગઠનોના નેતાઓનો આરોપ છે કે મુસ્લિમ સમુદાય દ્વારા નગરપંચાયતની જમીન પર બળજબરીથી કબજો કરીને નમાજ પઢવામાં આવે છે અને માર્ગ રોકવામાં આવે છે હિંદુ સંગઠનોના નેતાઓએ કહ્યુ છે કે હિમાચલને મેરઠ, કેરાના અથવા પ.બંગાળ બનવા દેવામાં આવશે નહીં.
હિંદુ સંગઠનોના નેતાઓએ સ્થાનિક લોકો સાથે મળીને ટાહલીવાલ બજારથી લઈને વિવાદીત સ્થાન સુધી આક્રોશ રેલી કાઢી હતી. ભીડ દ્વારા રેલી દરમિયાન જય શ્રીરામ, વીર બજરંગી, વંદે માતરમ અને ભારતમાતા કી જયના સૂત્રોચ્ચાર કરવામાં આવ્યા હતા.
આક્રોશિત ભીડે વિવાદીત સ્થાન પર મુસ્લિમ સમુદાય દ્વારા લગાવવામાં આવેલા ટેન્ટને પણ ઉખાડી નાખ્યો હતો અને બાદમાં અહીં હનુમાન ચાલીસાનો પાઠ કર્યો હતો.
તો બીજી તરફ મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે તેઓ 1984થી વિવાદીત જમીન પર ધાર્મિક કાર્યક્રમોનું આયોજન કરે છે. 1986માં વિભાગની ખામીઓને કારણે આ જમીનને નગરપંચાયતને આધિન કરવામાં આવી હતી, તેને યોગ્ય કરાવવા માટે મહેસૂલ વિભાગ ધર્મશાળામાં કેસ નાખવામાં આવ્યો છે. મુસ્લિમ સમુદાયનું કહેવું છે કે જે પણ કોર્ટનો નિર્ણય હશે તે માન્ય હશે.
મહત્વપૂર્ણ છે કે હિમાચલ પ્રદેશમાં 95.17 ટકા હિંદુ, 2.18 ટકા મુસ્લિમ, 1.16 ટકા શીખ, 1.15 ટકા બૌદ્ધ, 0.18 ટકા ખ્રિસ્તી, 0.03 ટકા જૈન અને 0.2 ટકા અન્ય માન્યતા ધરાવતા લોકોનો સમાવેશ થાય છે. મુસ્લિમો હિમચાલ પ્રદેશના સિરમૌર, ચમ્બા, ઉના અને સોલાન જિલ્લામાં મોટાભાગે વસવાટ કરે છે અને તેમની અહીં 2.53 ટકાથી 6.27 ટકા જેટલી વસ્તી છે.