પ્રચંડ ગરમીમાં સળગી રહ્યું છે અડધું ભારત, રેડ એલર્ટ જાહેર, શ્રીગંગાનગરમાં પારો 50ની નજીક
રાષ્ટ્રીય રાજધાની દિલ્હી સહિત દેશના ઘણા રાજ્યોમાં પ્રચંડ ગરમી અને લૂનો પ્રકોપ ચાલુ છે. હાલના દિવસોમાં લગભગ અડધું ભારત ભયંકર ગરમીમાં તડપી રહ્યું છે. જમ્મુ-કાશ્મીર, દિલ્હી, હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં શુક્રવારે સૌથી વધુ તાપમાન નોંધવામાં આવ્યું. શ્રીગંગાનગરમાં પારો 50 ડિગ્રી સેલ્સિયસની નજીક પહોંચી ગયો.
દિલ્હીમાં ભીષણ ગરમી અને લૂની થપાટોથી ઉપર ચડી રહેલો પારો શુક્રવારે 47 ડિગ્રી પહોંચ્યો. નોએડા, ગાઝિયાબાદ, ગુરૂગ્રામ અને ફરીદાબાદમાં પણ તાપમાન 45થી 46 ડિગ્રીની વચ્ચે નોંધવામાં આવ્યું. હવામાન વિભાગનું અનુમાન છે કે આ વખતે પારો છેલ્લાં તમામ રેકોર્ડ તોડી શકે છે. હવામાન વિભાગનું માનીએ તો આગામી એક અઠવાડિયા સુધી ગરમીથી રાહત મળવાની અપેક્ષા નથી.
શ્રીગંગાનગરમાં તૂટ્યો 75 વર્ષનો રેકોર્ડ
રાજસ્થાનના શ્રીગંગાનગરમાં પારો 49.6
ડિગ્રી સુધી પહોંચી ગયો, જે અત્યાર સુધીનું સૌથી મહત્તમ તાપમાન રહ્યું છે. ગરમીએ
75 વર્ષનો રેકોર્ડ તોડી નાખ્યો. આ પહેલા શ્રીગંગાનગરમાં 30 મે 1944ના રોજ મહત્તમ
તાપમાન 49.4 ડિગ્રી સેલ્સિયસ નોંધવામાં આવ્યું હતું. રાજસ્થાનના જ ચુરૂમાં મહત્તમ
તાપમાન 48.5 અને બિકાનેરમાં 46.6 ડિગ્રી સેલ્સિયસ નોંધાયું. ફક્ત રાજસ્થાન જ નહીં
પરંતુ શિમલામાં શુક્રવારે દિવસે મહત્તમ તાપમાન 30 ડિગ્રી નોંધવામાં આવ્યું જે
સામાન્ય કરતા પાંચ ડિગ્રી વધુ છે. ઉનામાં તાપમાન 46 ડિગ્રી અને હરિયાણાના
નારનૌલમાં 47 ડિગ્રી સુધી પહોંચી ગયું.
ઉત્તરપ્રદેશમાં પણ લૂ અને ગરમીથી લોકો બેહાલ છે. પ્રયાગરાજમાં અત્યારે આકાશમાં આગ વરસી
રહી છે. શુક્રવારે પારો 48ને પાર પહોંચી ગયો. જ્યારે કાનપુરમાં તાપમાન 46.2 ડિગ્રી
નોંધવામાં આવ્યું. વારાણસીમાં 46 ડિગ્રી તાપમાનને પાર કરીને ગરમીએ ઘણા વર્ષોનો
રેકોર્ડ તોડી નાખ્યો. હવામાન વિભાગે લૂનો
પ્રકોપ 2-3 જૂન સુધી રહેશે તેવી સંભાવના દર્શાવી છે. વિભાગે કહ્યું કે જ્યાં સુધી
બંગાળની ખાડીથી વહેતી પૂર્વી હવાઓ ઉત્તરપ્રદેશ થઈને દિલ્હી ન પહોંચે ત્યાં સુધી લૂ
અને ગરમ હવાઓનો કહેર ચાલુ રહેશે.
દક્ષિણ ભારતના તેલંગણાના ઘણા હિસ્સાઓમાં એક મહિનાથી લૂ વરસી રહી છે. તેલંગણામાં લૂ અને ભયાનક ગરમીથી 22 દિવસોમાં 17 લોકોના મોત થઈ ચૂકી છે. ભારતીય હવામાન વિભાગે તેલંગણામાં આગામી ત્રણ દિવસો સુધી ભયાનક લૂની ચેતવણી અને લોકોને ગરમીથી બચવાની સલાહ આપી છે.
હવામાન વિભાગે જાહેર કર્યું રેડ એલર્ટ
ઉત્તર-પશ્ચિમ ભારતમાં પંજાબ-હરિયાણા, દિલ્હી, ઉત્તરપ્રદેશ અને રાજશ્તાનમાં ભયંકર ગરમીથી લોકો પરેશાન છે. હવામાન વિભાગે આ તમામ વિસ્તારોમાં જબરદસ્ત ગરમીના કારણે હીટવેવ માટે રેડ એલર્ટ જાહેર કરી દીધું છે. હવામાન વિભાગ કહે છે કે આવી ગરમી હજુ આગામી અઠવાડિયા સુધી ચાલુ રહેશે. હવામાન વિભાગ જણાવે છે કે દિલ્હીમાં 3 જૂન સુધી તાપમાન 44-45 ડિગ્રી સેલ્સિયસની આસપાસ રહેશે એટલે કે આ દરમિયાન હીટવેવ ચાલુ રહેશે. ત્યારબાદ ચાર જૂનની રાતથી વાદળોના આવાગમનની વચ્ચે આંધી-તોફાનની સંભાવનાઓ દર્શાવવામાં આવી રહી છે.