ગુરુગ્રામમાં મુસ્લિમ યુવકની પિટાઈના મામલે CCTV ફૂટેજથી ખુલાસો : ટોપી ફેંકવામાં આવી ન હતી અને શર્ટ પણ ફાડયો ન હતો
ગુરુગ્રામ: હરિયાણા ગુરુગ્રામમાં સદર બાજાર ખાતે જામા મસ્જિદ નજીક શનિવારે રાત્રે કથિતપણે એક મુસ્લિમ યુવકની ટોપી ફેંકવાની અને તેને બળજબરીથી જય શ્રીરામ બોલાવવાના મામલામાં નવો ખુલાસો થયો છે. પોલીસે તપાસમાં તારવ્યું છે કે મુસ્લિમ યુવક મોહમ્મદ બરકત અલી સાથે મારામારી જરૂરથી થઈ છે. પરંતુ તેની ટોપી ફેંકવામાં આવી ન હતી અને ન તો તેનું શર્ટ ફાડવામાં આવ્યું હતું.
પોલીસના પ્રારંભિક તપાસમાં જ મુસ્લિમ યુવકના આરોપ નિરાધાર હોવાનું જણાયું છે. સીસીટીવી ફૂટેજને જોતા સામે આવ્યું છે કે યુવકને આરોપીએ નહીં, પરંતુ એક અન્ય યુવકે રોક્યો હતો. ફૂટેજમાં ન તો ફરિયાદકર્તા યુવકની ટોપી ફેંકવામાં આવી હતી અને ન તો તેના કપડાં ફાડવાની કોઈ ઘટના બની છે.
પોલીસે જણાવ્યું છે કે બોલાચાલી બાદ બંનેમાં મારામારી થઈ હતી. જેમાં મુસ્લિમ યુવકની ટોપી પડી ગઈ હતી. ટોપીને તેણે ખુદ ઉઠાવીને ખિસ્સામાં મૂકી હતી. કોઈ અન્યએ તેને હાથ પણ લગાવ્યો નથી. જો કે સીસીટીવી ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે આરોપી બરકત અલીના હાથ પર દંડો મારતો દેખાઈ રહ્યો છે.
પોલીસે આ મામલામાં 15 લોકોને કસ્ટડીમાં લીધા હતા અને તેમની પૂછપરછ થઈ રહી છે. પોલીસે આ કેસને ઉકેલવા માટે 24 કલાકની અંદર 50થી વધારે સીસીટીવી કેમેરાના ફૂટેજની ચકાસણી કરી છે. ફૂટેજમાં દેખાઈ રહ્યું છે કે મારામારી બાદ મામલો શાંત થઈ ગયો હતો. ઝઘડો થતો જોઈને બાજૂમાં કચરો વાળવાનું કામ કરનારા વ્યક્તિએ બંને પક્ષોને અલગ પાડીને મામલો થાળે પાડયો હતો.
પોલીસ અધિકારીઓનું કહેવું છે કે કેટલાક અસામાજિક તત્વો નાનકડી મારામારીની ઘટનાને કોમવાદી રંગ આપવાની કોશિશ કરી રહ્યા છે. જ્યારે આ દારૂના નશામાં થયેલી એક મામૂલી મારામારીની ઘટના છે. ફૂટેજને લેબોરેટરીમાં મોકલવામાં આવ્યા છે અને આરોપીના ઓળખની કાર્યવાહી માટેની પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે.
શનિવારે રાત્રે બરકત અલી સદર બજારા ખાતેની જામા મસ્જિદથી પોતાના ઘરે જઈ રહ્યો હતો. તે વખતે છ યુવકોએ કથિતપણે તેને રોક્યો હતો. આરોપ છે કે તેમાના એક યુવકે તેને કથિતપણે ટોપી ઉતારવાનું કહીને કથિતપણે જયશ્રીરામ અને ભારતમાતા કી જયના સૂત્રોચ્ચાર કરવાનું જણાવ્યું હતું. ઈન્કાર કરવામાં આવતા તેની સાથે મારામારીની ઘટના બની હોવાનો ફરિયાદીનો દાવો છે.
મોહમ્મદ બરકત અલીએ સોમવારે પોલીસ કમિશનર મોહમ્મદ અકીલ સાથે મુલાકાત કરી હતી. તેણે જણાવ્યું છે કે તે ગુરુગ્રામમાં અસુરક્ષિત મહેસૂસ કરી રહ્યો છે. માટે તે પાછો બિહાર જવા ઈચ્છે છે. જો કે પોલીસ કમિશનરે તેને કેસની તપાસ પૂર્ણ થવા સુધી ગુરુગ્રામમાં જ રોકાવા માટે તાકીદ કરી છે અને સુરક્ષાનું આશ્વાસન આપ્યું છે.
બીજી તરફ પૂર્વ દિલ્હીના નવનિર્વાચિત સાંસદ ગૌતમ ગંભીરે સોશયલ મીડિયા પર ઘટનાની આકરા શબ્દોમાં ટીકા કરી ચુક્યા છે. તેમણે લખ્યુ હતુ કે એક મુસ્લિમ શખ્સની ટોપી ઉતારીને જય શ્રીરામ બોલવા પર જોર આપવું નિંદનીય છે. આપણે એક ધર્મનિરપેક્ષ રાષ્ટ્રમાં રહીએ છીએ. આપણે એ દેશના છીએ કે જ્યાં જાવેદે લખ્યુ હતુ ઓ પાલનહારે, નિરગુણ ઔર ન્યારે. તેમણે લખ્યું છે કે આવા પ્રકારની ઘટનાઓની નિંદા થવી જોઈએ. પોલીસે કડક પગલા ઉઠાવતા દોષિતો વિરુદ્ધ કાર્યવાહી કરવી જોઈએ. તેમણે સેક્યુલારિઝ્મને લઈને પોતાના વિચાર વ્યક્ત કરતા કહ્યુ છે કે પીએમ મોદીનો મંત્ર છે – સૌનો સાથ, સૌનો વિકાસ, સૌનો વિશ્વાસ. તે માત્ર ગુરુગ્રામ મામલાની વાત નથી કરી રહ્યા. સહિષ્ણુતા અને સમાવેશી વિકાસનો વિચાર જ ભારતનો આધાર છે.