- અરજી નામંજૂર કરાયા બાદ ખેડૂત સુપ્રીમ કોર્ટ જવાની તૈયારીમાં
- 1.08 લાખ કરોડ રૂપિયાના પ્રોજેક્ટનું શિલારોપણ થઈ ચુક્યુ છે
વડાપ્રધાન નરેન્દ્ર મોદીના મહત્વકાંક્ષી બુલેટ ટ્રેન પ્રોજેક્ટનો માર્ગ પ્રશસ્ત થઈ ગયો છે. ગુજરાત હાઈકોર્ટે ગુરુવારે ખેડૂતોની અરજીને ફગાવી દીધી છે. ખેડૂતોની માગણી છે કે તેમની જમીનનું માર્કેટના હિસાબથી વળતર આપવામાં આવે, આ વળતર સરકારી દર પ્રમાણે આપવામાં આવે નહીં. ખેડૂતોની આ માગણીને હાઈકોર્ટે નામંજૂર કરી છે. હવે ખેડૂત સુપ્રીમ કોર્ટ જવાની તૈયારી કરી રહ્યા છે.
ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને જાપાનના વડાપ્રધાન શિંજો આબેએ 14 સપ્ટેમ્બર-2017ના રોજ 1.08 લાખ કરોડ રૂપિયાની મહત્વાકાંક્ષી હાઈસ્પીડ રેલવે યોજનાનો શિલાન્યાસ કર્યો હતો.
રેલવેએ ટનલ બોરિંગ મશીન (ટીબીએમ) અને ન્યૂ ઓસ્ટ્રિયન ટનલિંગ મેથડ (એનએટીએમ)નો ઉપયોગ કરીને મુંબઈના બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સ અને મહારાષ્ટ્રમાં શિલ્ફાટાની વચ્ચે ડબલ લાઈન હાઈસ્પીડ રેલવેની ટેસ્ટિંગ અને કમિશનિંગ સહીત ટનલિંગ કાર્યો માટે ટેન્ડરો મંગાવ્યા છે.
મહારાષ્ટ્રમાં બોઈસર અને
બાંદ્રા-કુર્લા કોમ્પ્લેક્સની વચ્ચે 21 કિલોમીટર લાંબી સુરંગ ખોદવામાં આવશે, જેનો
સાત કિલોમીટરનો હિસ્સો સમુદ્રની અંદર હશે. મહારાષ્ટ્ર-ગુજરાત સીમા પર આવેલા જરોલી
ગામ અને ગુજરાતમાં વડોદરાની વચ્ચે 237 કિલોમીટર લાંબા રેલવે લાઈન કોરિડોરની
ટેસ્ટિંગ અને કમિશનિંગ સહીત સિવિલ અને બિલ્ડિંગ કાર્યોની ડિઝાઈન અને નિર્માણ માટે
પણ ટેન્ડરો આમંત્રિત કરવામાં આવ્યા છે.
ગુજરાતના વાપી, બિલીમોરા, સૂરત અને ભરૂચમાં પણ સ્ટેશનોના નિર્માણ માટે ટેન્ડરો
મંગાવવામાં આવે છે. અમદાવાદમાં બુલેટ ટ્રેન સ્ટેશનથી સંબંધિત સાબરમતી હબનું
નિર્માણ શરૂ થઈ ચુક્યું છે.