અમદાવાદઃ ઉત્તરપ્રદેશમાંથી ઝડપાયેલા પાકિસ્તાનની ગુપ્તચર સંસ્થા ISIના એજન્ટની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં છે. આ પ્રકરણમાં ગુજરાત કનેકશન સામે આવતા NIAએ કચ્છ સુધી તપાસ લંબાવી હતી. એક શંકાસ્પદ વ્યક્તિના ઘરે તપાસ કરી હતી. ISI એજન્ટના ખાતાના આ શખ્સે નાણા ટ્રાન્સફર કર્યાં હોવાનું જાણવા મળે છે.
ઉત્તરપ્રદેશના ચંદૌલી જિલ્લામાંથી પાકિસ્તાનની જાસૂસી સંસ્થા ISI માટે કામ કરતા મહંમદ રશિદ નામની વ્યક્તિને ઝડપી લેવામાં આવ્યો હતો. NIAની તપાસમાં ચોંકાવનારા ખુલાસા થયાં હતા. આરોપી રાશિદ પાકિસ્તાની ગુપ્તચર એજન્સી ISI ના અધિકારીઓના સંપર્કમાં હતો અને તે બે વખત પાકિસ્તાનની મુલાકાત લઇ ચૂક્યો છે. આરોપી રાશિદે ભારતમાં કેટલાક સંવેદનશીલ અને રાજકીય દ્રષ્ટિએ મહત્વપૂર્ણ સ્થળોની તસવીરો અને સશસ્ત્ર બળોના અવરજવરની ગુપ્ત જાણકારી ISI સાથે શેર કરી હતી.
આ પ્રકરણમાં ગુજરાત કનેકશન સામે આવતા NIAએ ગુજરાત સુધી તપાસ લંબાવી હતી. તેમજ કચ્છમાં રજક કુંભાર નામની વ્યક્તિના ઘરે તપાસ કરી હતી. NIAના અધિકારીએ જણાવ્યું હતું કે, તપાસ દ્વારા જાણવા મળ્યું છે રજકભાઇ કુંભારે રિઝવાનના ખાતામાં 5,000 રૂપિયા ટ્રાંસફર કર્યા હતા. ત્યારબાદ રશિદને મોકલવામાં આવ્યો. આરોપી રાશિદ અને રજકભાઇ કુંભાર ISI એજન્ટોના નિર્દેશ પર તેમને જાણકારી આપતા હતા. રજકભાઇ કુંભારના ઘરે તલાશી દરમિયાન એનઆઇએના હાથ સંદિગ્ધ કાગળિયા પણ મળી આવ્યા હતા, જેને અત્યારે જપ્ત કરવામાં આવ્યા છે. NIAએ દ્વારા સમગ્ર પ્રકરણમાં ઉંડાણપૂર્વકની તપાસ કરવામાં આવી રહી છે. તેમજ આગામી દિવસોમાં આ કેસમાં વધારે ધરપકડ થાય તેવી શકયતા છે.