ગૂગલ દ્વારા કાર્બન ઉત્સર્જનને લઈને એક મોટી જાહેરાત
- ગૂગલે તેના સમગ્ર કાર્બન ઉત્સર્જનને કર્યો નાબૂદ
- 2025 સુધીમાં કાર્બન મુક્ત ઉર્જા ક્ષેત્રે મળશે 12,000 નોકરી
- અન્ય ટેક કંપનીઓ પણ કાર્બન મુક્ત ઉર્જા તરફ
દિલ્લી: ગૂગલ દ્વારા કાર્બન ઉત્સર્જનને લઈને એક મોટી જાહેરાત કરવામાં આવી છે. આલ્ફાબેટ અને ગુગલના સીઈઓ સુંદર પિચાઇએ સોમવારે જણાવ્યું હતું કે કંપનીએ અત્યાર સુધીમાં તેના તમામ કાર્બન ઉત્સર્જનને ખત્મ કરી દીધું છે. કંપનીના જણાવ્યા મુજબ, આવું કરનારી તે પહેલી કંપની બની છે.
સુંદર પિચાઇએ તેની બ્લોગ પોસ્ટમાં કહ્યું છે કે કંપનીએ વર્ષ 1998ની શરૂઆત પછીથી ઉત્સર્જિત થતાં તમામ કાર્બનને સંપૂર્ણપણે નાબૂદ કરી દીધા છે. ગૂગલે કહ્યું છે કે તેની વતી તેના તમામ કેમ્પસ અને ડેટા સેંટર વર્ષ 2030 સુધીમાં સંપૂર્ણપણે કાર્બન-મુક્ત થઈ જશે.
સુંદર પિચાઈના મતે મલ્ટિનેશનલ ઇન્ટરનેટ કંપની ગ્રીન એનર્જી માટે હવા અને સોલર પાવરનો ઉપયોગ કરશે. ઉપરાંત, બેટરી સ્ટોરેજ ક્ષમતામાં વધારો કરશે. આ સિવાય આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સની મદદથી વીજ વપરાશ બંધ થશે.
કંપનીનું માનવું છે કે ગૂગલ 2025 સુધીમાં ગ્રીન એનર્જીના ક્ષેત્રમાં 12,000 નોકરીઓ ઉત્પન્ન કરશે. આ સિવાય ગૂગલે દુનિયાભરના 500 જેટલા શહેરોમાં 2030 સુધીમાં 1 ગિગાટન કાર્બન ઉત્સર્જન ઘટાડવાનું લક્ષ્ય નક્કી કર્યું છે. સાથે 5 ગીગાવોટ કાર્બન મુક્ત એનર્જી ઉત્પન્ન કરવાનો દાવો પણ કર્યો છે.
ગૂગલની સાથો-સાથે અન્ય ટેક કંપનીઓ પણ કાર્બન મુક્ત ઉર્જા તરફ આગળ વધી શકે છે. તેમાં એપલ અને માઇક્રોસોફ્ટ જેવી કંપનીઓ શામેલ છે. આ કંપનીઓએ વર્ષ 2030 સુધીમાં કાર્બન મુક્ત થવાનું લક્ષ્ય રાખ્યું છે, જ્યારે એમેઝોન 2040 સુધીમાં આ લક્ષ્યાંકને પહોંચી વળશે તેમ જણાવ્યું છે.
_Devanshi