- શકીલ અહમદે કોંગ્રેસ અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે કરી મુલાકાત
- શકીલ અહમદને છ વર્ષ માટે કોંગ્રેસમાંથી કરાયા છે સસ્પેન્ડ

ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન શકીલ અહમદે આજે કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ સોનિયા ગાંધી સાથે મુલાકાત કરી છે. માનવામાં આવે છે કે શકીલ અહમદ કોંગ્રેસમાં વાપસી કરે તેવી શક્યતા છે. લોકસભા ચૂંટણીમાં યુપીએના ઉમેદવાર સામે અપક્ષ ચૂંટણી લડયા બાદ શકીલ અહમદને કોંગ્રેસે સસ્પેન્ડ કરી દીધા હતા.
બિહારની મધુબની લોકસભા બેઠક પરથી અપક્ષ ચૂંટણી લડેલા શકીલ અહમદને કોંગ્રેસે છ વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કર્યા હતા. મહાગઠબંધનના ફોર્મ્યુલા હેઠળ મધુબની બેઠક વીઆઈપી એટલે કે વિકાસશીલ ઈન્સાન પાર્ટીના ખાતામાં ગઈ હતી. શકીલ અહમદે પાર્ટીના નિર્ણયની વિરુદ્ધ જઈને અપક્ષ ઉમેદવાર તરીકે ચૂંટણી મેદાનમાં ઉતરવાનો નિર્ણય કર્યો હતો.
Former Union Minister Shakeel Ahmed met Congress interim President Sonia Gandhi today at her residence. Ahmed was suspended from the Congress after he contested as an independent candidate against UPA candidate in Bihar, in Lok Sabha elections earlier this year. pic.twitter.com/HnDtiEcgak
— ANI (@ANI) September 5, 2019
શકીલ અહમદ મધુબની લોકસભા બેઠક પરથી 1998 અને 2004માં સાંસદ રહી ચુક્યા છે. તેઓ 1985,1990 અને 2000માં ધારાસભ્ય તરીકે પણ ચૂંટાયા હતા. અહમદ રાબડી દેવીની આગેવાનીવાળી બિહાર સરકારમાં આરોગ્ય પ્રધાન પણ રહી ચુક્યા છે. તેના પછી તેમણે 2004માં મનમોહનસિંહની સરકારમાં સંચાર, આઈટી અને ગૃહ રાજ્ય પ્રધાન તરીકેનો પદભાર પણ સંભાળ્યો હતો.
સોનિયા ગાંધી પાર્ટીના વચગાળાના અધ્યક્ષ બન્યા બાદ એવા નેતાઓ સાથે મુલાકાત કરી રહ્યા છે, કે જેમણે કોંગ્રેસ નારાજગીને કારણે છોડી દીધી છે અથવા કોંગ્રેસ હાઈકમાને જેમને હાંકી કાઢયા હતા. તાજેતરમાં સોનિયા ગાંધીએ અલકા લાંબા સાથે પણ મુલાકાત કરી હતી. અલકા લાંબા ચાંદની ચોક વિધાનસભા બેઠક દિલ્હીથી ધારાસભ્ય છે. તેઓ દિલ્હીના મુખ્યપ્રધાન અરવિંદ કેજરીવાલ સામે સતત ટ્વિટ કરીને બળવાના સંકેત આપતા રહ્યા છે. અલકા લાંબાએ રવિવારે આમ આદમી પાર્ટીમાંથી રાજીનામું આપવાની વાત કહી હતી. તેમણે ટ્વિટ કરીને પાર્ટીમાંતી રાજીનામું આપવાની વાત પણ કહી હતી.
