લોકસભા ચૂંટણી 2019: ‘જો આ વખતે મોદી PM બન્યા તો કોંગ્રેસ પાર્ટીનું બચવું મુશ્કેલ’- પૃથ્વીરાજ ચૌહાણ
લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને કોંગ્રેસ મહારાષ્ટ્રમાં ઘણું જોર લગાવી રહી છે, કોંગ્રેસ અને એનસીપીએ સાથે મળીને ચૂંટણી લડવાનો નિર્ણય કર્યો છે. જ્યારે મહારાષ્ટ્ર નવનિર્માણ સેના પ્રમુખ રાજ ઠાકરે આ ગઠબંધન માટે બીજેપી-શિવસેના ગઠબંધન વિરુદ્ધ પ્રચાર કરવા માટે મેદાનમાં ઉતરી ચૂક્યા છે. ભૂતકાળમાં કોંગ્રેસ અને એનસીપી વચ્ચે વિશ્વાસની ખોટ રહી છે. આ સ્થિતિમાં બંને પાર્ટીઓ મળીને કેવી રીતે એનડીએનો મુકાબલો કરશે? તેના જવાબમાં મહારાષ્ટ્રના પૂર્વ સીએમ અને કોંગ્રેસ નેતા પૃથ્વીરાજ ચૌહાણે કહ્યું કે, ભૂતકાળની વાતો સમાપ્થ થઈ ગયેલો અધ્યાય છે. ચૌહાણના જણાવ્યા પ્રમાણે, આ ચૂંટણી એક કટુ વૈચારિક લડાઈ છે અને બંને પાર્ટીઓ મળીને લડી રહી છે, જેથી બંધારણ અને લોકતંત્રને બચાવી શકાય. પૂર્વ સીએમએ કહ્યું, ‘બંને પાર્ટીઓ જમીન પર સાથે મળીને કામ કરી રહી છે. આ બંને પાર્ટીઓ માટે અસ્તિત્વનો સવાલ છે. જો અમે હાર્યા અને મોદી ફરીથી પીએમ બને તો કોંગ્રેસ પાર્ટીનું ટકવું અને સત્તા સુધી પહોંચવું મુશ્કેલ બની જશે.’
શું કોંગ્રેસ અને એનસીપી મોદી સરકાર વિરુદ્ધ સમાજના કેટલાક ક્ષેત્રના ગુસ્સાનો ઉપયોગ પોતાની તરફેણમાં કરી શકશે? આ વિશે પૂછતા ચૌહાણે જણાવ્યું કે ગ્રામ્ય વિસ્તારો અને ખાસ કરીને કૃષિ ક્ષેત્રમાં મોદી સરકાર વિરુદ્ધ સ્પષ્ટ ગુસ્સો જોવા મળે છે. ચૌહાણે કહ્યું કે એમપી, રાજસ્થાન અને છત્તીસગઢમાં થયેલી ચૂંટણી દરમિયાન પણ આ ગુસ્સો જોવા મળ્યો અને તે આજે પણ કાયમ છે. તેમણે કહ્યું, ‘શહેરોની મને બહુ જાણ નથી, પરંતુ ગ્રામ્ય વિસ્તારોમાં ઘણો અસંતોષ છે. 2014માં કોંગ્રેસ અને એનસીપીએ મહારાષ્ટ્રમાં ફક્ત 6 સીટ્સ જીતી હતી. પરંતુ આ વખતે અમે ઘણું સારું પ્રદર્શન કરીશું. મહારાષ્ટ્રમાં બીજેપીને ઘણો મોટો ઝાટકો લાગશે.’
ઉલ્લેખનીય છે કે શરદ પવારે કહ્યું હતું કે મોદી ફરીથી પીએમ નહીં બને પરંતુ બીજેપી સૌથી મોટી પાર્ટી બનીને સામે આવશે. શરદના નિવેદન અંગે અભિપ્રાય માંગવા પર ચૌહાણે કહ્યું, ‘નરેન્દ્ર મોદી કોઇપણ રીતે 2019માં ફરીથી પીએમ નહીં બની શકે. એ પણ શક્ય નથી કે કોઈ અન્ય બીજેપી નેતા અથવા તેમના સહયોગીએ એ હાલતમાં હોય કે આગામી સરકારનું નેતૃત્વ કરે. મારું પોતાનું આકલન છે કે કોઇપણ પાર્ટીને પૂર્ણ બહુમત નહીં મળે. મને લાગે છે કે 2014માં હિંદી હાર્ટલેન્ડમાં બીજેપીએ 100 સીટ્સ જીતી હતી, તેમાંથી આ વખતે 100 સીટ્સ ગુમાવશે. આ આંકડો આ વખથે 170 સીટ્સથી નીચે જશે. એવું માનવામાં આવી રહ્યુ હતું કે પુલવામા હુમલો અને તે પછી થયેલી જવાબી કાર્યવાહી પછી બીજેપી ઘણી આગળ નીકળી ગઈ છે, પરંતુ હવે તેની અસર ખતમ થઈ ગઈ છે. સવાલ એ છે કે હવાઈ હુમલાથી આપણને શું ફાયદો થયો? શું આતંકવાદનું નેટવર્ક ખતમ કરી શકવામાં આપણે સફળ થયા? મને નતી લાગતું. કોઈ જવાબ મળ્યો નથી. શું આપણે આતંકવાદથી સુરક્ષિત થયા છીએ? મને વિશ્વાસ નથી.’