નવી દિલ્હી: કાશ્મીર મુદ્દા પર અમેરિકાની મધ્યસ્થતાને લઈને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની ટીપ્પણી પર વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યુ છે કે વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પને ક્યારેય મધ્યસ્થતાનો આગ્રહ કર્યો નથી.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે મંગળવારે રાજ્યસભામાં આ નિવેદન આપ્યું છે. કોંગ્રેસે સરકાર સમક્ષ માગણી કરી હતી, કે તેઓ ટ્રમ્પના નિવેદન પર સ્પષ્ટીકરણ આપે અને જણાવે કે શું ક્યારેય વડાપ્રધાન મોદીએ અમેરિકાના રાષ્ટ્રપ્રમુખને કાશ્મીર પર મધ્યસ્થતા માટે જણાવ્યું હતું. કોંગ્રેસની આ માગણીને જોતા વિદેશ પ્રધાન એસ. જયશંકરે સરકાર તરફથી રાજ્યસભામાં સ્પષ્ટીકરણ આપ્યું છે.
વિદેશ પ્રધાન એસ. જયશંકરે કહ્યુ છે કે હું ગૃહને સ્પષ્ટપણે આશ્વાસન આપવા માંગુ છું કે વડાપ્રધાન મોદી તરફથી ક્યારેય આવા પ્રકારનો આગ્રહ કરવામાં આવ્યો નથી. વિદેશ પ્રધાને કહ્યુ છે કે પાકિસ્તાન સાથે ત્યાં સુધી કોઈ વાત નહીં થાય, જ્યાં સુધી પાકિસ્તાન આતંકવાદની વિરુદ્ધ કડક પગલા નહીં ઉઠાવે.
વિદેશ પ્રધાનના નિવેદન પહેલા ખુદ કોંગ્રેસના નેતા અને ભૂતપૂર્વ વિદેશ રાજ્ય પ્રધાન શશી થરુર પણ કહી ચુક્યા છે કે વડાપ્રધાન મોદી કાશ્મીર મુદ્દે કોઈ ત્રીજા પક્ષને મધ્યસ્થતા માટે કહેશે તેવી વાત અશક્ય છે.
પાકિસ્તાનના વડાપ્રધાન ઈમરાન ખાને અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની સાથેની મુલાકાતમાં સોમવારે કાશ્મીરનો મુદ્દો ઉઠાવ્યો હતો. અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ટ્રમ્પે દાવો કર્યો હતો કે વડાપ્રધાન મોદી પણ તેમને આ મામલામાં મધ્યસ્થતા માટે કહી ચુક્યા છે. જો કે બાદમાં બંને નેતાઓના નિવેદનના સત્તાવાર દસ્તાવેજમાં કાશ્મીર મામલાનો કોઈ ઉલ્લેખ કરવામાં આવ્યો ન હતો. તો ટ્રમ્પના દાવા બાબતે વ્હાઈટ હાઉસે પણ સ્પષ્ટીકરણ જાહેર કર્યું છે.