કેબિનેટ બેઠક પહેલા બીજી ટર્મમાં પીએમ મોદીનો પહેલો નિર્ણય, શહીદોના બાળકોની શિષ્યવૃત્તિ વધારી
નવી દિલ્હી: વડાપ્રધાન કાર્યાલયમાં કાર્યભાર સંભાળતા જ નરેન્દ્ર મોદીએ પહેલો મોટો નિર્ણય કર્યો છે. રાષ્ટ્રીય સુરક્ષા ફંડ હેઠળ પ્રધાનમંત્રી છાત્રવૃત્તિ યોજનામાં મોટા પરિવર્તનોને મંજૂરી આપવામાં આવી છે. શહીદોના બાળકોને મળનારી શિષ્યવૃત્તિમાં વધારો કરવામાં આવ્યો છે. હવે આતંકવાદીઓ અને નક્સલીઓના હુમલામાં શહીદ થનારા પોલીસકર્મીઓના બાળકોને પણ આનો ફાયદો મળશે. એક વર્ષમાં રાજ્ય પોલીસકર્મીઓના બાળકોનો સ્કોલરશિપ કોટા રહેશે.
છાત્રવૃત્તિ યોજના હેઠળ હવે વિદ્યાર્થીઓ માટે બે હજારના સ્થાને અઢી હજાર રૂપિયા પ્રતિ માસ અને વિદ્યાર્થિનીઓ માટે 2250ના સ્થાને ત્રણ હજાર રૂપિયા પ્રતિ માસ આપવામાં આવશે. વડાપ્રધાન મોદીએ પોતાની નવી સરકારનો પહેલો નિર્ણય દેશની સુરક્ષા કરનારાઓને સમર્પિત ગણાવ્યો છે.
સંસદના સાઉથ બ્લોકમાં મોદી પ્રધાનમંડળની પહેલી બેઠક શરૂ થઈ ચુકી છે. ગૃહ પ્રધાન અમિત શાહ, સંરક્ષણ પ્રધાન રાજનાથસિંહ, નાણાં પ્રધાન નિર્મલા સીતારમણ, વિદેશ પ્રધાન એસ. જયશંકર સહીત કેબિનેટના અન્ય સદસ્ય બેઠકમાં હાજર છે. આગામી સંસદીય સત્રની તારીખોની ઘોષણા કરવા સિવાય બેઠકમાં ખેડૂતોની સ્થિતિ પર પણ ચર્ચા થવાની સંભાવના છે.
માનવામાં આવે છે કે 2014ની જેમ જ આ બેઠકમાં પણ કોઈ મોટો નિર્ણય લેવામાં આવે તેવી શક્યતા છે. 2014માં પહેલી કેબિનેટ બેઠકમાં કાળાધનની વિરુદ્ધ એસઆઈટીની રચનાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.