ફની અતિશય ગંભીર ચક્રવાતી તોફાનમાં પલટાઈ ગયું છે. શુક્રવારે બપોર સુધી ઓડિશાના તટ ગોપાલપુર અને ચાંદબલીની વચ્ચેથી પસાર થવાની આશંકા છે. હવામાન વિભાગે આખા રાજ્યમાં યલો વોર્નિંગ જાહેર કરી છે. બીજી બાજુ, ચૂંટણીપંચે અહીંના 11 જિલ્લાઓમાં રાહત અને બચાવકાર્યમાં તેજી લાવવાના ઉદ્દેશથી આચારસંહિતા હટાવી દીધી છે.
ઓડિશા તટની સાથે અથડાતી વખતે ફનીની ઝડપ 175થી 185 કિલોમીટર પ્રતિ કલાકની આસપાસ હશે જે 205 કિલોમીટર પ્રતિ કલાક સુધી પહોંચી શકે છે. બૌધ, કાલાહાંડી, સંબલપુર, દેવગઢ અને સુંદરગઢ સહિત કેટલાક સ્થાનો પર મૂશળધાર વરસાદ થવાની આશંકા છે. આ દરમિયાન ઓડિશામાં એલર્ટ જાહેર કરતી વખતે સ્કૂલ કોલેજીસમાં 2 મે સુધી રજા આવી દેવામાં આવી છે.
હવામાન વિભાગે આ રાજ્યોના કિનારાના વિસ્તારોને ખાલી કરવાનું સૂચન કર્યું છે. હવામાન વિભાગે માછીમારોને સમુદ્રમાં ઊંડે સુધી ન જવાની સલાહ આપી છે. ખાસ કરીને 2 મેથી 4 મે દરમિયાન.
ચૂંટણીપંચે ઓડિશાના પુરી, જગતસિંહપુર, કેન્દ્રપાડા, બાલાસોર, મયૂરભંજ, ગજપતિ, ગંજમ, ખોરધા, કટક અને જાજપુર જિલ્લાઓમાંથી આચારસંહિતા હટાવી લીધી છે, જેથી રાહત અને બચાવકાર્યમાં કોઈપણ પ્રકારનું વિઘ્ન ન આવે. રાજ્ય સરકારે ચૂંટણીપંચને આ સંબંધે પ્રસ્તાવ મૂક્યો હતો. હવામાન વિભાગના વાવાઝોડાં ચેતવણી ડિવિઝનનું કહેવું છે કે હાલ ફની પુરીથી 760 કિમી દક્ષિણ-પશ્ચિમ અને આંધ્રપ્રદેશના વિશાખાપટ્ટનમથી 560 કિમી દક્ષિણ-પૂર્વમાં છે.
ફનીથી થનારા નુકસાનની આશંકાને ધ્યાનમાં રાખીને કેન્દ્રે ચાર રાજ્યોને 1086 કરોડ રૂપિયાનું એડવાન્સ ફંડ જાહેર કર્યું છે, જેથી કટોકટીની પરિસ્થિતિઓને પહોંચી વળાય. નૌસેના પણ હાઇ એલર્ટ પર છે. ફનીને ગયા વર્ષે આવેલા તિતલી તોફાનથી પણ વધુ ખતરનાક માનવામાં આવી રહ્યું છે. તિતલી તોફાનમાં 60 લોકોનાં મોત થયાં હતાં.