Site icon Revoi.in

બનાસકાંઠામાં નકલી સેનિટાઈઝર બનાવવાના કૌભાંડનો થયો પર્દાફાશ

Social Share

અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ કોરોનાના સંક્રમણથી બચવા માટે માસ્ક અને હેન્ડ સેનિટાઈઝર સહિતની આરોગ્યલક્ષી વસ્તુઓનો ઉપયોગ કરી રહ્યાં છે. માસ્ક અને હેન્ડ સેનિટાઈઝરનો વપરાશ વધતા તેની ડિમાન્ડ પણ વધી છે. જેથી કેટલાક ભેળસેળીયા તત્વો કમાવી લેવાની લ્હાયમાં નકલી સેનેટાઈઝર બનાવતા હોવાની ફરિયાદો ઉઠી છે.

પ્રાપ્ત માહિતી અનુસાર બનાસકાંઠાના પાલનપુરમાં જીવણ મંગલસિંહ પુરોહિત નામની વ્યક્તિ કોઈ પણ પરવાના વગર વિવિધ બ્રાન્ટના હેન્ડ સેનિટાઈઝરનું ઉત્પાદન કરતી હતી. આ અંગેની માહિતીના આધારે ખોરાક ઔષધ નિયમન તંત્ર દ્વારા પેઢી ઉપર દરોડા પાડવામાં આવ્યાં હતા. દરોડા દરમિયાન વિવિધ બ્રાન્ટના સેનિટાઈઝરનો જથ્થો મળી આવતા અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યાં હતા. તંત્ર દ્વારા નકલી સેનિટાઈઝરના જથ્થા સાથે રૂ. 9 લાખનો મુદ્દામાલ જપ્ત કરીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી. જીવણ પુરોહિત છેલ્લા એક મહિનાથી રહેણાક વિસ્તારમાં આ વેપલો ચલાવતો હતો તેમજ કોઈ પણ પ્રકારના ટેસ્ટીંગ વગર તેનું ઉત્પાદન કરીને વેચાણ કરતો હોવાનું પ્રાથમિક તપાસમાં ખુલ્યું છે.

કોરોના મહામારીમાં નકલી સેનિટાઈઝરનું ઉત્પાદન કરતા તત્વો સક્રિય થયા હોવાની વ્યપાક ફરિયાદો ઉઠી છે. આવા તત્વોને ઝડપી લેવા માટે તંત્ર દ્વારા કવાયત શરૂ કરવામાં આવી છે.