નવી દિલ્હી : ભારતમાં રોજગારની સમસ્યા ચિંતાજનક છે. તેની અસર દેશની અર્થવ્યવસ્થા પર પણ જોવા મળી રહી છે. આ કારણ છે કે કેન્દ્રની મોદી સરકારે બજેટ-2019માં ઘણી એવી જોગવાઈ કરી છે, જેનાથી દેશમાં મોટી સંખ્યામાં રોજગારનું સર્જન થવાની સંભાવના છે. જો કે એક રિપોર્ટ પ્રમાણે, દેશમાં માત્ર રોજગારની સમસ્યા જ નથી, તેનાથી પણ મોટી સમસ્યા દેશમાં ઘણી મોટી સંખ્યામાં લોકો અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા છે. સ્થિતિ એ છે કે આ મામલામાં આપણે આપણા ઓછા વિકસિત પાડોશી દેશોથી પણ પાછળ છીએ.
ટાઈમ્સ ઓફ ઈન્ડિયાના એક અહેવાલ પ્રમાણે, દેશની મોટી વસ્તી આકરા શ્રમ કાયદાવાળા અસંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહી છે. તેનો ફાયદો દેશની અર્થવ્યવસ્થાને મળી શક્યો નથી. રિપોર્ટ પ્રમાણે, અમેરિકામાં 93.8 ટકા લોકો સંગઠિત ક્ષેત્રોમાં નોકરીઓ કરી રહ્યા છે . બ્રાઝિલમાં આ આંકડો 67.7 ટકા છે. ચીનમાં, જેણે ગત કેટલાક દશકાઓમાં ઝડપી આર્થિક વિકાસ કર્યો છે, ત્યાં આ આંકડો 53.1 ટકા છે. તેની સરખામણીએ દુનિયાના સૌથી મોટા લોકતંત્ર અને દુનિયાની સૌથી ઝડપથી આગળ વધતી અર્થવ્યવસ્થામાં સામેલ ભારતમાં સંગઠિત ક્ષેત્રમાં કામ કરનારા લોકો માત્ર 21.7 ટકા છે. ખાસ વાત એ છે કે આ મામલામાં આપણે ભૂટાનથી પણ પાછળ છીએ. ભૂટાનમાં 28.5 ટકા લોકો સંગઠિત ક્ષેત્રમાં નોકરી કરી રહ્યા છે.
આ મામલામાં પાકિસ્તાન અને બાંગ્લાદેશની સ્થિતિ પણ ભારતથી સારી છે. પાકિસ્તાનમાં આ આંકડો 39.4 ટકા અને બાંગ્લાદેશમાં 40.1 ટકા છે. ઈન્ટરનેશનલ લેબર ઓર્ગેનાઈઝેશન પ્રમાણે, સંગઠિત ક્ષેત્રમાં તે નોકરીઓ આવે છે, જેમાં કર્મચારીઓની ગરિમા, સમાનતા, યોગ્ય કમાણી અને સુરક્ષિત નોકરીઓ જેવા અધિકાર પ્રાપ્ત થાય છે. તેમાં પગારદાર નોકરીઓ સામેલ કરવામાં આવે છે. સંગઠિત ક્ષેત્રની નોકરીઓમાં કર્મચારીઓને કોન્ટ્રાક્ટ મળે છે, જેમાં તેમને વેતન, ભથ્થા અને અન્ય અધિકારીઓની જાણકારી આપવામાં આવે છે. રેકડી-ટ્રેકવાળા અને તેના જેવા નાના-મોટા રોજગાર અસંગઠિત ક્ષેત્રમાં ગણવામાં આવે છે.
2010માં ભારતમાં માત્ર 16.7 ટકા લોકો સંગઠિત ક્ષેત્રમાં કામ કરી રહ્યા હતા. તે ચીનમાં તે સમયે આ આંકડો 31 ટકા હતો. હવે જે રિપોર્ટ સામે આવ્યો છે, તેના પ્રમાણે 2018માં ભારતમાં સંગઠિત ક્ષેત્રમાં માત્ર 21.7 ટકા લોકો કામ કરી રહ્યા છે. તો ચીનમાં આ સમયગાળા દરમિયાન આ આંકડો વધીને 53 ટકા થઈ ગયો છે. દેશમાં રોજગાર મુખ્તત્વે ઈન્ડસ્ટ્રી, સર્વિસ અને કૃષિ ક્ષેત્રમાં છે.
2018માં દેશની જીડીપીમાં ઈન્ડસ્ટ્રી સેક્ટરની ભાગીદારી 27 ટકા રહી હતી, જ્યારે ઈન્ડસ્ટ્રી સેક્ટરમાં નોકરીઓની ટકાવારી 2.7 ટકા હતી. તેવી રીતે સર્વિસ સેક્ટરની જીડીપીમાં ભાગીદારી 9 ટકા છે, જ્યારે રોજગારની ટકારવારી 31.5 ટકા છે. કૃષિ ક્ષેત્રની 2018ના વર્ષમાં જીડીપીમાં ભાગીદારી 14.5 ટકા છે, જ્યારે આ ક્ષેત્રમાંથી 43.9 ટકા લોકોને રોજગારી મળી રહી છે.