અમદાવાદઃ ગુજરાતમાં અમદાવાદ સહિત છ મહાનગરપાલિકા, નગરપાલિકા, જિલ્લા પંચાયત અને તાલુકા પંચાયતની આગામી દિવોસમાં ટર્મ પૂર્ણ થતી હોવાથી ચૂંટણી યોજાવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આગામી ફેબ્રુઆરી મહિનામાં ચૂંટણી યોજાય તેવી શકયતાઓ છે. જે માટે જાન્યુઆરી મહિનામાં જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી સંભાવના છે. બીજી તરફ ભાજપ અને કોંગ્રેસ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે.
ગુજરાતમાં કોરોના મહામારીને પગલે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી મુદ્દે રાજ્ય ચૂંટણીપંચે દરેક જિલ્લા કલેકટર પાસે કોવિડ ગાઇડલાઇન્સ હેઠળની વ્યવસ્થાઓનો રિપોર્ટ માગ્યો છે, હાલની સ્થિતિને ધ્યાનમાં રાખીને જાન્યુઆરીના અંતમાં ચૂંટણી જાહેરનામું બહાર પાડવામાં આવે તેવી શકયતા છે. તેમજ ફેબ્રુઆરીના અંતમાં ચૂંટણી યોજાવ તેવી શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. આમ કોર્પોરેશન, પાલિકાઓ અને પંચાયતોમાં બે-બે મહિના માટે વહીવટદાર રહે એવી શક્યતા પણ વધી છે તેમ છતાં આવતા સપ્તાહે સરકાર અંતિમ નિર્ણય કરશે.
વિધાનસભાની પેટાચૂંટણીમાં તમામ આઠ બેઠક ઉપર ભાજપનો વિજ્ય થતા કાર્યકરોમાં ઉત્સાહનો સંચાર થયો છે. ભાજપ દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. તેમજ તાજેતરમાં અમદાવાદના તમામ વોર્ડ પ્રમુખ પાસેથી નગરસેવકોની કામગીરી અંગેનો રિપોર્ટ માંગવામાં આવ્યો હતો. દરમિયાન કોંગ્રેસ દ્વારા સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને બેઠકનો દોર શરૂ થયો છે. કોંગ્રેસના પ્રભારી ગુજરાતની મુલાકાતે આવ્યાં હતા. તેમજ કોંગ્રેસના સિનિયર નેતાઓ સાથે ચૂંટણી મુદ્દે ચર્ચા કરી હતી. કોંગ્રેસ દ્વારા રણનીતિ પણ તૈયાર કરવામાં આવી હોવાનું જાણવા મળે છે.