- નવેમ્બર મહિનામાં ચુંટણી યોજાય તેવી શકયતા
- કોર્પોરેશનને તૈયારીઓ શરૂ કરી
અમદાવાદઃ ગુજરાતની મેગાસિટી અમદાવાદમાં આગામી નવેમ્બર મહિનામાં મહાનગરપાલિકાની ચુંટણી યોજાશે. જેની મનપા દ્વારા તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. દરમિયાન શહેરમાં બોપલ અને ઘુમા સહિતના વિસ્તારોનો તાજેતરમાં સમાવેશ કરવામાં આવ્યો છે. જેથી મનપાની ચુંટણીને ધ્યાનમાં રાખીને સમાકંન અને મતદાર યાદી સહિતની કામગીરીનો આરંભ કરવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર નવેમ્બર મહિનામાં અમદાવાદ સહિત રાજ્યની છ જેટલી મહાનગરપાલિકામાં ચૂંટણી યોજાય તેવી શકયતાઓ છે. જેની તૈયારીઓ રાજકીય પક્ષો દ્વારા શરૂ કરી દેવામાં આવી છે. ત્યારે મહાનગરપાલિકાઓ દ્વારા પણ ચુંટણીની તૈયારીઓના શ્રી ગણેશ કરી દીધા છે. જો કે, કોરોના મહામારીને પગલે ચૂંટણીપંચ દ્વારા મહાનગરપાલિકાની ચૂંટણીમાં ફેરફાર કરવામાં આવે તેવી શકયતાઓ પણ વ્યક્ત થઈ રહી છે.
સરકાર દ્વારા અમદાવાદ શહેરના વિસ્તારમાં તાજેતરમાં અન્ય વિસ્તારોનો સમાવેશ કરવામાં આવ્યો છે. અમદાવાદ કોર્પોરેશનમાં ચિલોડા, કઠવાડા, બોપલ, ઘુમા સહિતનાં વિસ્તારોનો સમાવેશ કરાય છે. જેના કારણે સીમાંકનથી માંડીને મતદાર યાદી સુધીની તૈયારીઓ આરંભાઇ છે. દરમિયાન અમદાવાદ મનપાની સ્ટેન્ડિંગ કમિટીની મીટિંગ મળી હતી. જેમાં દશાનામી મુર્તિના વિસર્જન અંગે પણ ચર્ચા કરી હતી.