બસપા ઉમેદવારે રાજ બબ્બરને આપી ગાળ, કહ્યું- ‘જ્યાં મળીશ, ત્યાં દોડાવી-દોડાવીને જૂતાથી મારીશ’
ચૂંટણીની સીઝનમાં નેતાઓ બેફામપણે જાહેરમાં બોલી રહ્યા છે. લોકસભા ચૂંટણીમાં પોતાના પ્રતિસ્પર્ધીઓ પર હુમલો કરતી વખતે નેતાઓ દ્વારા શબ્દોની મર્યાદા ઓળંગવાની અને અભદ્ર ભાષાનો ઉપયોગ કરવા જેવી ઘટનાઓ ચાલુ જ છે. ચૂંટણીપંચની અનેક કાર્યવાહીઓ પછી પણ કેટલાક નેતાઓ પોતાની જીભ પર કાબૂ નથી રાખી રહ્યા. આ વખતે ઉત્તરપ્રદેશના બસપા નેતાની જીભ કાબૂ બહાર જતી રહી. ફતેહપુર સીકરીથી માયાવતીની પાર્ટી બસપાના ઉમેદવાર ગુડ્ડુ પંડિતે કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ અને ઉમેદવાર રાજ બબ્બર વિરુદ્ધ અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો છે. બસપા ઉમેદવાર ગુડ્ડુ પંડિતે રાજ બબ્બરને ‘કૂતરો’ કહયા અને તેમને દોડાવી-દોડાવીને જૂતાથી મારવાની ધમકી આપી છે.
ગુડ્ડુ પંડિતે ભાષાની મર્યાદા ઓળંગીને ધમકીભર્યા અંદાજમાં રાજ બબ્બરને કહ્યું કે, ‘સાંભળી લે રાજ બબ્બરના કૂતરા, તને અને તારા નેતા નચનિયાને દોડાવી-દોડાવીને જૂતાથી મારીશ જો સમાજમાં જૂઠ્ઠાણું ફેલાવ્યું તો. જ્યાં પણ મળીશ, ગંગામાની સોગંદ તને જૂતાથી મારીશ, તને અને તારા દલાલોને.’ ગુડ્ડુ પંડિતની આ ટિપ્પણીના જવાબમાં રાજ બબ્બરે ન્યુઝ એજન્સીને જણાવ્યું કે, ‘તેમના માતા-પિતાએ તેમને આ સલાહ આપી હશે, તે તેમના સુધી ન પહોંચી તો રાજ બબ્બરની શું ઓકાત કે તેમને કંઇ કહે.’ આ પહેલા પણ ગુડ્ડુ પંડિત પર આચારસંહિતાના ઉલ્લંઘનનો કેસ નોંધાઈ ચૂક્યો છે. ઉલ્લેખનીય છે કે ફતેહપુર સીકરીમાં રાહુલ ગાંધી અને પ્રિયંકા ગાંધીની રેલી થઈ હતી.
આ પહેલા યુપીના જ રામપુરથી સમાજવાદી પાર્ટીના ઉમેદવાર આઝમ ખાને જયાપ્રદાને લઈને અભદ્ર ટિપ્પણી કરી હતી. આઝમ ખાને રવિવારે જનસભા દરમિયાન કહ્યું હતું, ‘જેને અમે આંગળી પકડીને રામપુર લાવ્યા, તમે જેની પાસે 10 વર્ષ પોતાનું પ્રતિનિધિત્વ કરાવ્યું, તેની અસલિયત સમજતા તમને 17 વર્ષ લાગ્યા. હું 17 દિવસમાં ઓળખી ગયો કે તેની નીચેની અંડરવેર ખાખી રંગની છે.’ જોકે તેમણે આ નિવેદનમાં જયાપ્રદાનું નામ નહોતું લીધું, પરંતુ તેમનો ઇશારો જયાપ્રદા તરફ જ સમજવામાં આવી રહ્યો છે. જોકે તેમણે સ્પષ્ટીકરણ આપતા કહેલું કે તેમણે જયાપ્રદા વિરુદ્ધ કોઈ વાંધાજનક ટિપ્પણી કરી નથી. પણ તેમના નિવેદન પર વિવાદ વધી ગયો અને ચૂંટણીપંચે તેમના ચૂંટણીપ્રચાર પર પ્રતિબંધ મૂકી દીધો.
આ પહેલા હિમાચલપ્રદેશના બીજેપી અધ્યક્ષ સતપાલસિંહ સત્તીએ કોંગ્રેસ અધ્યક્ષ રાહુલ ગાંધી પર નિશાન સાધીને અભદ્ર ભાષાનો પ્રયોગ કર્યો, જેનો વીડિયો વાયરલ થઈ ગયો. રવિવારે સોલનમાં પાર્ટીના ઉમેદવાર માટે પ્રચાર કરતી વખતે તેમણે અભદ્ર ભાષાનો ઉપયોગ કર્યો. સતપાલસિંહ સત્તીએ પહેલા તો રાહુલ ગાંધી અને તેમના પરિવારને જમાનતી ગણાવ્યા અને કહ્યું કે જે પોતે જામીન પર હોય તે વડાપ્રધાનને ચોર કેવી રીતે કહી શકે? ત્યારબાદ તેમણે સોશિયલ મીડિયા પર કથિત રીતે કોઈ વ્યક્તિની ટિપ્પણીને વાંચી જેમાં રાહુલ ગાંધી વિરુદ્ધ ગાળનો ઉપયોગ કરવામાં આવ્યો છે.