- એક જ દિવસમાં રૂ. 6.51 લાખનો દંડ વસુલાયો
- રેસ્ટોરન્ટ, મોલ અને ફેકટરીઓમાં તપાસનો ધમધમાટ
અમદાવાદઃ શહેર અને જિલ્લામાં કોરોના વાયરસના કેસ સતત ઘટી રહ્યાં છે. અમદાવાદમાં દરરોજ સરારેશ 150 જેટલા કેસ અત્યારે સામે આવી રહ્યાં છે. બીજી તરફ મનપા તંત્ર દ્વારા કોરોના ગાઈડલાઈનના અમલવારી માટે આકરી કાર્યવાહી કરવામાં આવી રહી છે. શહેરમાં એ જ દિવસમાં માસ્ક નહીં પહેરવા, જાહેરમાં થુંકવા અને સામાજીક અંતર નહીં રાખવા મુદ્દે 1303 કેસ કરીને રૂ. 6.51 લાખનો દંડ વસુલવામાં આવ્યો છે. એટલું જ નહીં મોલ, ફેકટરી સહિત 8 સ્થલોને સીલ કરવામાં આવ્યાં છે.
પ્રાપ્ત માહિતી અનુસાર અમદાવાદ શહેરમાં કોરોના ગાઈડલાઈનનું પાલન નહીં કરનારા શહેરીજનોને ઝડપી લેવા માટે મનપા દ્વારા ઝુંબેશ શરૂ કરવામાં આવી છે. શહેરના વિવિધ વિસ્તારમાં આવેલી ઓફિસ, રેસ્ટોરન્ટ, મોલી અને ફેકટરીઓમાં તપાસ શરૂ કરવામાં આવી છે. દરમિયાન સરકારની કોરોના ગાઈડલાઈનનો ભંગ કરવા બદલ આઠ એકમોને સીલ કરવામાં આવ્યાં છે.
આવી જ રીતે માસ્ક નહીં પહેરવા બદલ, જાહેરમાં થુંકવા મુદ્દે અને સોશિયલ ડિસ્ટન્સીંગનું પાલન નહીં કરવા મુદ્દે પૂર્વ વિસ્તારમાં અનેક લોકોને ઝડપી લઈને રૂ. 87 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો. આવી જ રીતે પશ્ચિમ ઝોનમાંથી રૂ. 1.03 લાખ, દક્ષિણ ઝોનમાં 95 હજાર, મધ્ય ઝોનમાંથી 58 હજાર, ઉત્તર-પશ્ચિમ ઝોનમાં 66 હજાર અને દક્ષિણ-પશ્ચિમ ઝોનમાંથી રૂ. 75 હજારનો દંડ વસુલવામાં આવ્યો હતો.