મોટો ખુલાસો: એનસીપી નેતા પ્રફુલ્લ પટેલ દાઉદ ગેંગની કંપનીમાં રોકાણકાર, ઈકબાલ મિર્ચી સાથે જોડાયેલા છે તાર
- પ્રફુલ્લ પટેલ સામે વધુ ગંભીર આરોપ
- ઈકબાલ મિર્ચીના નજીકના બે લોકોને કર્યા એરેસ્ટ
- ઈડી દ્વારા કરવામાં આવી છે કાર્યવાહી
એનસીપીના નેતા પ્રફુલ્લ પટેલને લઈને મોટો ખુલાસો થયો છે. આતંકવાદી દાઉદ ઈબ્રાહીમ સાથે તેમના તાર જોડાયેલા હોવાની વાત સામે આવી છે. શુક્રવારે (11 ઓક્ટોબર, 2019ના રોજ) ઈડીએ દાઉદ ઈબ્રાહીમ અને તેના નજીકના ઈકબાલ મિર્ચીની સાથે જોડાયેલા 2 લોકોની ધરપકડ કરી હતી. મુંબઈમાં આવી ઘણી મિલ્કતોને ચિન્હિત કરવામાં આવી છે, કે જે ઈકબાલ મિર્ચી અને તેના પરિવારની માલિકીની છે.
આમાથી બે મિલ્કતો સબલિંક રેલટર્સ અને મિલેનિયમ ડેવલોપર્સને વેચવામાં આવી હતી. વર્લીના પોશ વિસ્તારમાં આવેલી મિલ્કત સબલિંકને 2010-11માં વેચવામાં આવી હતી. 2006-07માં મિલેનિયમ ડેવલોપર્સ અને ઈકબાલ મિર્ચીએ મળીને જે 15 માળની કોમર્શિયલ બિલ્ડિંગ બનાવી હતી, તેને હવા સીજે હાઉસના નામથી ઓળખવામા આવે છે.
જે મિલેનિયમ ડેવલોપર્સ સાથે દાઉદ ઈબ્રાહીમના નજીકના ગુર્ગા ઈકબાલ મિર્ચીના કારોબારી સંબંધ રહ્યા, તેના શેરહોલ્ડર્સમાં એનસીપી નેતા પ્રફુલ્લ પટેલનું પણ નામ સામેલ છે. યુપીએના શાસનમાં કેન્દ્રીય પ્રધાન રહી ચુકેલા પ્રફુલ્લ પટેલે ઈકબાલ મિર્ચી સાથે જોડાયેલી મિલેનિયમ ડેવલોપર્સ પ્રાઈવેટ લિમિટેડમાં રોકાણ કરી રાખ્યું છે. એવિએશન સ્કેમ કેસમાં તેમની ઈડીએ આઠ કલાક પૂછપરછ પણ કરી હતી.
તેના સિવાય ખંડાલામાં 6 એકરની જમીન પર આવેલો બંગ્લો વાઈટવોટર લિમિટેડ નામ પર નોંધાયેલો છે, તે ઈકબાલ મિર્ચીના બંને પુત્રોની માલિકીમાં છે. આ સિવાય વર્લીમાં એક બંગ્લો ઈકબાલ મિર્ચીની પત્ની અને તેના પુત્રોની માલિકીનો છે. વર્લીમાં જ આવેલ સમંદર મહલ ઈકાબલની બહેન અને તેના પરિવારના નામ પર છે. પંચગનીમાં પણ તેનો એક બંગ્લો છે. આ બધાં સિવાય તેના નામ પર બાઈકુલા રોડમાં એક સિનેમા હોલ, ક્રોફૂડ માર્કેટમાં ત્રણ દુકાનો અને જુહૂ તારા રોડમાં એક હોટલ પણ છે.
આ તમામ મિલ્કતોની કિંમત 500 કરોડ રૂપિયાથી પણ વધારે છે. જે મિલ્કતોને વેચવામાં આવી અને તેને લઈને જે લેણદેણ થયું, તેના માટે ચેન્નઈની એક બેંકમાં ખોલવામા આવેલા ફેક એકાઉન્ટનો ઉપયોગ કરવામાં આવ્યો. ઈકબાલ મેનન ઉર્ફે મિર્ચી એક ડ્રગ ડીલર, સ્મગલર અને ખંડણીખોર હતો અને રાષ્ટ્રીય સુરક્ષાને નુકસાન પહોંચાડનારા ઘણાં અપરાધોમાં સંડોવાયેલો રહ્યો હતો. અમેરિકાના વિદેશ મંત્રાલયે 2004માં તેને 10 વિદેશી ડ્રગ માફિયાઓની યાદીમાં સામેલ કર્યો હતો. જો કે ભારતે તેના પ્રત્યાર્પણની કોશિશ કરી હતી, પંરતુ યુકે કોર્ટે તેને નકાર્યું હતું. ઈખબાલ મિર્ચીનું ઓગસ્ટ-2013માં મોત થયું હતું.
ઈકબાલ મિર્ચીએ મુંબઈમાં ગેરકાયદેસર લેણદેણના આધારે અખૂટ સંપત્તિ એકઠી કરી હતી. ગેરકાયદેસર રીતે મિલ્કતો એકઠી કર્યા બાદ તે 1995માં દેશ છોડીને ફરાર થયો હતો અને ત્યારથી તે દુબઈથી પોતાનો તમામ ગેરકાયદેસરનો કરોબાર ચલાવી રહ્યો છે. તેની ઘણી મિલ્કતોને જપ્ત પણ કરવામાં આવી હતી. પરંતુ તેણે ફેક ડોક્યુમેન્ટ્સ અને છેતરપિંડીનો એવો કારસો રચ્યો હતો કે ભારતીય એજન્સીઓ લાચાર થઈ ગઈ અને તેની મિલ્કતોને છોડવી પડી. હવે તેની મિલ્કતોને લઈને કાર્યવાહી તેજ થઈ ગઈ છે. આના સંદર્ભે 18 લોકોની પૂછપરછ થઈ ચુકી છે અને ઘણાં ઈમેલ કન્વર્સેશન પોલીસના હાથ લાગ્યા છે.
ઈકબાલ મિર્ચીના બે નિકટવર્તીઓની ધરપકડથી ઉકેલાશે ઘણાં રહસ્યો
મુંબઈ અને બેંગ્લોરમાં 11 ઠેકાણાઓ પર પોલીસે દરોડા પાડયા હતા. આ દરમિયાન હારુન યુસૂફના નામનો પણ ખુલાસો થયો, જે ઈકબાલ મેનનની તમામ નકલી લેણદેણ અને મિલ્કતોના ગેરકાયદેસર વેચાણમાં મદદ કરતો હતો. રંજીત બિંદ્રા નામના વ્યક્તિએ મિર્ચી અને સબલિંકની વચ્ચે દલાલની ભૂમિકા નિભાવી હતી. આ બંનેને શુક્રવારે એરેસ્ટ કરવામાં આવ્યા હતા. યુકેમાં ઈકબાલ મિર્ચીની ઘણી મિલ્કતોને ચિન્હિત કરવામાં આવી છે. લંડનમાં તેની કરોડોની મિલ્કતો છે.
એનસીપીએ પ્રફુલ્લ પટેલ પર લગાવવામાં આવેલા આરોપોનો જવાબ આપતા કહ્યુ છે કે સીજે હાઉસ જે જમીન પર બનાવવામાં આવ્યું છે, તેને ગ્વાલિયરના મહારાજા પાસેથી ખરીદવામાં આવી હતી. તેના માલિકો વચ્ચે વિવાદના કારણે 1978થી 2005 સુધી આ મિલ્કત કોર્ટની કાર્યવાહીમાં ફસાયેલી રહી હતી. તે દરમિયાન કેટલાક લોકો ગેરકાયદેસર રીતે ત્યાં રહેવા લાગ્યા હતા, જેના પછી ઈમારતના નિર્માણ બાદ ત્રીજા ફ્લોર પર તેમને શિફ્ટ કરવામાં આવ્યા હતા. એનસીપીએ કહ્યું છે કે અહેવાલોમાં જેમને ઘસડવામાં આવે છે, તેમની માલિકીનું સીજે હાઉસ નથી.