અમદાવાદઃ ગુજરાતના સરહદી જિલ્લા કચ્છ અને જામનગરમાં છેલ્લા કેટલાક મહિનાઓથી ભૂકંપના હળવા આંચકા આવી રહ્યાં છે. દરમિયાન હવે દક્ષિણ ગુજરાતના વલસાડમાં ભૂકંપનો 4.1ની તીવ્રતાનો આંચકો આવતા લોકોમાં ભય ફેલાયો હતો. ભૂકંપનું કેન્દ્રબિંદુ મહારાષ્ટ્રના પાલઘર નજીક નોંધાયું હોવાનું જાણવા મળે છે.
દક્ષિણ ગુજરાતના વલસાડમાં મોડી રાતે ભૂકંપનો આંચકો આવ્યો હતો. જેથી લોકોમાં ભય ફેલાયો હતો. તેમજ ભયના માર્યા લોકો ઘરની બહાર દોડી ગયા હતા. ભૂકંપનો આંચકો નજીકમાં આવેલા સંઘપ્રદેશ સેલવાસમાં પણ લોકોએ અનુભવ્યો હોવાનું જાણવા મળે છે. આ ભૂકંપની તીવ્રતા 4.1ની નોંધાઈ હતી. તેમજ એપીસેન્ટર મહારાષ્ટ્રના પાલઘર નજીક હોવાનું જાણવા મળ્યું છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કચ્છમાં વર્ષ 2001માં આવેલા ગોઝારા ભૂકંપ બાદ અવાર-નવાર ધરતીકંપના હળવા આંચકા આવે છે. તાજેતરમાં કચ્છમાં ભૂકંપના 24 કલાકમાં પાંચ જેટલા આંચકા નોંધાયાં હતા. આ ઉપરાંત જામનગરમાં પણ છેલ્લા કેટલાક દિવસોથી ભૂકંપના હળવા આંચકા આવતા હોવાથી જામનગરવાસીઓમાં ભય ફેલાયો છે.