
કોરોનાના કહેરના કારણે દરવર્ષે જૂનાગઢમાં યોજાતી લીલી પરિક્રમા રદ કરાઈ
- લીલી પરિક્રમાને લાગ્યું કોરોનાનું ગ્રહણ
- જુનાગઢમાં લીલી પરિક્રમા નહીં યોજાય
- જુનાગઢ જિલ્લા કલેકટરે કરી જાહેરાત
તમામ તહેવારોને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે. ગુજરાતના મોટા-મોટા તહેવારોને પણ છૂટ આપવામાં આવી ન હતી. કોરોનાને કારણે તમામ તહેવારોની સાદગીપૂર્વક ઉજવણી કરવામાં આવી છે. ત્યારે દિવાળીના તહેવાર માટે પણ સરકારે ગાઈડલાઈન્સ બહાર પાડી હતી. અને થોડા સમય માટે કોરોનાના કેસમાં ઘટાડો પણ જોવા મળ્યો હતો.. પરંતુ દિવાળીના તહેવાર બાદ કોરોનાએ ફરી માથું ઉચક્યું છે. રાજ્યમાં કોરોનાના સતત કેસ વધી રહ્યા છે. ત્યારે તંત્રએ કોરોનાને નિયંત્રણમાં લેવા માટેના પ્રયાસો શરૂ કરી દીધા છે.
હવે દર વર્ષે દિવાળી પછી યોજાતી ગિરનારની લીલી પરિક્રમાને લઈને સરકારે એક મોટો નિર્ણય લીધો છે. ગિરનારની લીલી પરિક્રમા આ વર્ષે યોજાશે નહીં. કોરોનાના વધતા સંક્રમણને લઈને આ નિર્ણય લેવામાં આવ્યો છે. જુનાગઢ જિલ્લાના કલેકટરે આ અંગેની જાહેરાત કરી હતી.
દર વર્ષે દેવદિવાળીના દિવસથી જ લીલી પરીક્રમા શરૂ થઇ જતી હોય છે.અને ગિરનારની તળેટીમાં 4 દિવસનો મેળો યોજાતો હોય છે તથા 10 લાખથી વધુ શ્રદ્ધાળુઓ જંગલમાં પરિક્રમા કરે છે. બહોળી સંખ્યામાં લોકો ઉમટી પડતાં હોવાથી તેમજ જંગલ વિસ્તારમાં સોશિયલ ડિસ્ટન્સિંગ જાળવવું શક્ય ન હોવાથી તંત્ર દ્વારા આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજવાનો નિર્ણય કરવામાં આવ્યો છે.
હાલમાં જ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતના લોકોને ગિરનારમાં રોપ-વેની ભેટ આપી હતી. ત્યારબાદ મુલાકાત લેનાર લોકોની સંખ્યામાં ઘસારો જોવા મળ્યો હતો. અને ઘણા લોકોએ રોપ-વેના ખાસ આકર્ષણને કારણે લીલી પરિક્રમામાં જવાનું નક્કી કર્યું હતું. જો કે, તંત્રની આ જાહેરાત બાદ હવે આ વર્ષે લીલી પરિક્રમા નહીં યોજાય.
દેવાંશી-