અમદાવાદ: ભારત અને અમેરિકા વચ્ચે છેલ્લા કેટલાક વર્ષોથી સંબંધોમાં સુધાર આવી રહ્યો છે, ભારત અને અમેરિકા એક બીજાની શક્ય એટલી મદદ કરી રહ્યા છે. ત્યારે અમેરિકાના વ્હાઈટ હાઉસ દ્વારા દાવો કરવામાં આવ્યો છે કે ડોનાલ્ડ ટ્રંપ ભારત સાથે સંબંધ સારા કરવામાં અમેરિકાના અન્ય રાષ્ટ્રપતિઓની તુલનામાં ઘણા આગળ છે.
વ્હાઈટ હાઉસ દ્વારા તે પણ કહેવામાં આવ્યું કે ભારત અને અમેરિકાના સંબંધ આગામી સમયમાં પણ વધારે સારા બનશે. વ્હાઇટ હાઉસ સિક્યોરિટી કાઉન્સિલ અનુસાર ટ્રમ્પના શાસન દરમિયાન અમેરિકા ભારતને હથિયાર આપતો બીજો સૌથી મોટો દેશ બન્યો છે.
સૌથી મોટો ખુલાસો તો એ વાતનો થયો કે એક દાયકા પહેલા અમેરિકા ભારતને હથિયાર વેચતુ ન હતું, પણ ડોનાલ્ડ ટ્રંપના રાષ્ટ્રપતિ બન્યા બાદ ભારતને 1490 હજાર કરોડ રૂપિયાના હથિયાર વેચવામાં આવ્યા છે. વ્હાઇટ હાઉસના જણાવ્યા પ્રમાણે ભારત અને અમેરિકા કોરોના મહામારી પછી સાથે આવ્યા છે. બન્ને દેશની ફાર્મા કંપનીઓએ વિશ્વભરમાં દવાઓનો ગ્લોબલ સપ્લાય ચાલુ રાખ્યો. વેક્સિન તૈયાર કરવા માટે પણ બન્ને દેશની કંપનીઓ સાથે કામ કરી રહી છે. આ જાણકારી એક ખાનગી સમાચાર એજન્સી દ્વારા જાણવા મળી રહી છે.
મહત્વની વાત એ છે કે ડોનાલ્ડ ટ્રંપ અને ભારતના વડાપ્રધાન મોદીએ એકબીજાના દેશનો પ્રવાસ કર્યો છે અને તેનાથી બન્ને દેશ વચ્ચે મિત્રતા ગાઢ બની છે. ટ્રંપ રાષ્ટ્રપતિ બન્યા ત્યારબાદ 26 જૂન 2017ના રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદી વ્હાઇટ હાઉસ આવ્યા હતા. સપ્ટેમ્બર 2019માં મોદીએ હ્યૂસ્ટનમાં હાઉડી મોદી કાર્યક્રમમાં ભાગ લીધો હતો જેમાં 55 હજારથી વધુ લોકો સામેલ થયા હતા. ફેબ્રુઆરી 2020માં ગુજરાતમાં નમસ્તે ટ્રંપ કાર્યક્રમમાં આવ્યા હતા જ્યાં લગભગ 11 લાખ લોકોને સંબોધિત કર્યા હતા. આ કાર્યક્રમથી ભારત અને અમેરિકા વચ્ચેના સંબંધોમાં મજબૂતી આવી હતી.