અમદાવાદઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાના કેસ સતત વધી રહ્યાં છે. જેથી આ વર્ષે મોટાભાગના તહેવારો ઉપર કોરોનાની અસર પડશે. જો કે, હિન્દુઓના સૌથી મોટા તહેવાર દિવાળી પર્વ ઉપર કોરોના મહામારીની અસર જોવા નહીં મળે. આ વર્ષે દિવાળીના તહેવારમાં સમગ્ર દેશમાં ગૌવંશના છાણમાંથી બનેલા 33 કરોડ દિવાઓથી દેશમાં રોશની ફેલાશે. આત્મનિર્ભર ભારતમાં આ આયોજનથી અનેક પરિવારને રોજગારી મળશે. એટલું જ નહીં 11 કરોડ પરિવારને આ ખાસ દિવાઓ આપવામાં આવશે.
દિવાળીના તહેવારમાં ગણતરીના દિવસો બાકી રહ્યાં છે. જો કે, કોરોના મહામારીને કારણે લોકો આર્થિક મુશ્કેલીનો સામનો કરી રહ્યાં છે. જેથી આ વર્ષે ઘરે-ઘરે ગૌવંશના છાણમાંથી બનેલા દિવાઓથી દિવાઓ પ્રજવલિત કરવાનું રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે. જેના માટે તૈયારીઓ પણ શરૂ કરવામાં આવી છે. ગાય માતાને સમર્પિત આ દિવાળીમાં ગૌવંશના છાણમાંથી દિવાઓ બનાવવા માટે અલગ-અલગ રાજ્યોમાં કાર્યરત ગૌવંસર્ધન આયોગ, સ્વયંસેવી સંસ્થાઓ, મંદિર, આશ્રમ, ગૌશાલાઓ અને મહિલા કો-ઓપરેટિવ સોસાયટીનો સંપર્ક કરવામાં આવી રહ્યો છે.
રાષ્ટ્રીય કામધેનું આયોગ દ્વારા આ પ્રોજેકટને ગોમય દિપક કામધેનુ દિવાળી નામ આપવામાં આવ્યું છે. જેમાં ગાયના છાણમાંથી દિપક, લાભ-શુભ, લક્ષ્મી-ગણેશ મુર્તીઓ અને ઝાલર-બેનરો પણ બનાવવામાં આવ્યા છે. તો બીજી તરફ રાષ્ટ્રીય કામધેનુ અયોગ ગાયમાં છાણમાંથી દિવાઓ બનાવીને 11 કરોડ પરિવાર સુધી પહોંચાડશે. આશરે 35થી 40 કરોડ લોકો સુધી આ દિવાઓ આપવામાં આવશે. ભારતીય સંસ્કૃતિમાં ગાયને માતા માનવામાં આવે છે. ત્યારે આ વર્ષની દિવાળી દેશવાસીઓ માટે ખાસ રહેશે. ભારત અભિયાનથી દિવાળીમાં ઉપયોગી ચાઈનીઝ વસ્તુઓને બદલે સ્વદેશી વસ્તુઓ અપનાવવા લોકોને અપીલ કરવામાં આવી છે.
અત્રે ઉલ્લેખનીય છે, ભારત અને ચીન વચ્ચે છેલ્લા કેટલાક સમયથી સીમાને લઈને વિવાદ ચાલી રહ્યો છે. તેમજ દેશના મોટાભાગના વેપારીઓ ચાઈનીઝ વસ્તુઓના વેચાણથી દૂર થઈ રહ્યાં છે. એટલું જ નહીં દેશવાસીઓ પણ હવે ચાઈનીઝ વસ્તુઓનો ઓછો વપરાશ કરી રહ્યાં છે.