મુંબઈ: દેશમાં ઈન્ટરનેટ યૂઝર્સની સંખ્યા વધવાની સાથે ડિજિટલ મીડિયા 2019માં ફિલ્મ મનોરંજન અને 2021માં પ્રિન્ટ મીડિયા ઉદ્યોગને પછાડી દેશે. ડિજિટલ મીડિયા 2021માં વધીને 5.1 અબજ ડોલર પર પહોંચી જશે. ફિક્કી-ઈવાઈએ પોતાના રિપોર્ટમાં આ વાત કહી છે.
ફિલ્મ ક્ષેત્રનો આકાર 2018માં 2.5 અબજ ડોલર હતો અને 2019માં વધીને 2.8 અબજ ડોલર થવાનું અનુમાન છે. તો પ્રિન્ટ મીડિયાનો આકાર 2018માં 4.4 અબજ ડોલર હતો અને તે 2019માં વધીને 4.8 અબજ ડોલર રહેવાનું અનુમાન છે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ડિજિટલ મીડિયા 2018માં 42 ટકા વધીને 2.4 અબજ ડોલર પર પહોંચી ગયો છે. ભારતીયોએ ફોન પર ખર્ચ કરેલા સમયમાં 30 ટકા સમય મનોરંજન પર વાપર્યો છે. આશા છે કે ડિજિટલ મીડિયા 2019માં વધીને 3.2 અબજ ડોલરનો થઈ જશે.
ચીન બાદ ભારતમાં સૌથી વધારે ઈન્ટરનેટ યૂઝર્સ છે. અહીં લગભગ 57 કરોડ લોકો ઈન્ટરનેટનો ઉપયોગ કરી રહ્યા છે અને તે વર્ષના 13 ટકાના દરથી વધી રહ્યા છે. દેશમાં 2018માં 32.5 કરોડ ઓનલાઈન વીડિયો જોનારા છે અને 15 કરોડ ઓડિયો સ્ટ્રીમિંગ યૂઝર્સ હતા.
ભારતીય મીડિયા અને મનોરંજન ક્ષેત્ર કુલ મળીને 2017થી 13.4 ટકા વધીને 23.9 અબજ ડોલર પર પહોંચી ગયા છે. તેના 2021 સુધીમાં વધીને 33.6 અબજ ડોલર પર પહોંચવાનું અનુમાન છે.