સ્વદેશી ધનુષ તોપને સોમવારે સેનામાં સામેલ કરવામાં આવી છે. ભારતીય સેનાને દેશી બોફોર્સ તોપ મળવાને કારણે તેના તોપખાનાની ક્ષમતામાં વધારો થયો છે. દેસી બોફોર્સ તોપથી ઓળખાતી બહુપ્રતિક્ષિત ધનુષ 155/45 કેલિબર ગન પ્રણાલી નિશ્ચિતપણે સેનાની મારક ક્ષમતામાં વધારો કરશે. ધનુષ બંદૂક પ્રણાલી 90ના દાયકામાં પ્રાપ્ત કરવામાં આવેલી બોફોર્સ તોપ પર આધારીત છે. બોફોર્સ તોપના સોદામાં કથિત કટકી કાંડથી તેની ખરીદીમાં ભારે વિવાદ થયો હતો. જો કે 1999ના કારગીલ યુદ્ધમાં બોફોર્સ તોપની કામગીરીની ચોતરફી પ્રશંસા કરવામાં આવી હતી.
કે-9 વજ્ર અને એમ-777 અલ્ટ્રા-લાઈટ હોવિત્ઝર તોપ પછી ધનુષના સેનામાં સામેલ થવાને કારણે એક અંતરાલ પછી મોદી સરકારના કાર્યકાળમાં તોપખાનામાં હથિયારો સામેલ કરવાની પ્રક્રિયામાં વધારો થયો છે. તેના કારણે તોપનો દુકાળ પણ સમાપ્ત થયો છે. કે-9 વજ્ર એક સ્વયંસંચાલિત દક્ષિણ કોરિયન હોવિત્ઝર અને એમ-777 અમેરિકાથી મળેલી અલ્ટ્રા લાઈટ હોવિત્ઝર તોપ છે.
ધનુષને બોફોર્સની તર્જ પર જબલપુર ખાતે ગન કેરેજ ફેક્ટરીમાં ઓર્ડિનન્સ ફેક્ટરી બોર્ડ દ્વારા ડિઝાઈન કરીને વિકસિત કરવામાં આવી છે. સેના સ્વદેશી બંદૂક ઉત્પાદન યોજનાનું સક્રિયપણે સમર્થન કરે છે અને 110થી વધુ ધનુષ તોપોનો ઓર્ડર આપ્યો છે.
ધનુષ તોપના સેનામાં પ્રવેશને સીમાચિન્હરૂપ માનવામાં આવે છે, કારણ કે તે ભારતમાં નિર્મિત થનારી લાંબી રેન્જની પહેલી તોપ છે. ધનુષની સેનાને સોંપણીનો સમારંભ સોમવારે આયોજીત કરવામાં આવ્યો હતો. ગન કેરેજ ફેકટરીમાં છ બંદૂક પ્રણાલી રજૂ કરવામાં આવી હતી.