- મંદિરમાં ભગવાનની પુજા-અચર્ના નિયમિત થશે
- કોરોના વાયરસનું સંક્રમણ અટકાવવા લેવાયો નિર્ણય
અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસનું સંક્રમણ ઝડપથી ફેલાઈ રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ત્યારે બીજી તરફ પવિત્ર શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોવાથી મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ દરરોજ ભોળાનાથના દર્શન કરવા માટે શિવાલયોમાં જાય છે. ત્યારે વલસાડમાં કોરોના વાયરસનું સંક્રમણ વધારે ફેલતુ અટકાવવા માટે તમામ મંદિર ભક્તોના દર્શન માટે બંધ રાખવાનો નિર્ણય લેવામાં આવ્યો છે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના મહામારી વચ્ચે પવિત્ર શ્રાવણ મહિનામાં શિવાલયો હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠ્યાં છે. મંદિર દ્વારા સરકારની કોરોનાની ગાઈડલાઈનનું પાલન કરવામાં આવી રહ્યું છે. પરંતુ મોટી સંખ્યામાં ભક્તો દર્શન કરવા આવતા હોવાથી કોરોનાનું સંક્રમણ વધવાની શકયતાઓ વ્યક્ત થઈ રહી છે. દરમિયાન વલસાડમાં કોરોના વાયરસના વધતા કેસને ધ્યાનમાં રાખીને વલસાડ મંદિર સંચાલકો અને વહીવટી તંત્રની બેઠક મળી હતી. જેમાં કેટલાક મહત્વના નિર્ણય લેવામાં આવ્યાં છે.
વલસાડમાં શ્રાવણ મહિનામાં મંદિરમાં નિયમિત ભગવાનની સેવા પૂજા કરવામાં આવશે. જો કે, ભક્તોના દર્શન માટે મંદિર પ્રતિબંધ મુકવામાં આવ્યો હતો. આમ વલસાડમાં આવેલા તડકેશ્વર મંદિર, ભીડભંજન મંદિર,વૈષણોદેવી મંદિર, ગણપતિ મંદિર, તિથલનું સ્વામિનારાયણ મંદિર સહિતના તમામ મંદિરમાં ભક્તોને પ્રવેશ નહીં આપવામાં આવે.
અત્રે ઉલ્લેખનીય છે કે, કોરોના મહામારીને પગલે આપવામાં આવેલા લોકડાઉનમાં લગભગ બે મહિના સુધી તમામ મંદિર ભક્તોના દર્શન માટે બંધ રાખવામાં આવ્યાં હતા. જો કે, અનલોકમાં સરકારની ગાઈડલાઈન અનુસાર મંદિર ભક્તોના દર્શન માટે ખોલવામાં આવ્યાં હતા.