દિલ્હીના શાહદરાના વિવેક વિહાર વિસ્તારમાં દિલ્હી પોલીસના સબ-ઇન્સ્પેક્ટર (એસઆઇ)ની મારી-મારીને હત્યા કરી દેવાનો આરોપ છે. આરોપીએ એસઆઇને માર્યો અને પછી ઘાયલ અવસ્થામાં જ તેને રસ્તા પર મૂકીને ફરાર થઈ ગયો. ત્યારબાદ તેની ધરપકડ કરવામાં આવી.
ગેરકાયદે દારૂના વેચાણને લઈને થયો ઝઘડો
શાહદરાની ડીસીપી મેઘના યાદવે જણાવ્યું કે પોલીસને રવિવારે રાતે મામલાની જાણકારી મળી, જે પછી આરોપીની ધરપકડ કરી લેવામાં આવી. આરોપી વિવેક વિહાર પોલીસ સ્ટેશનનું એક બેડ કેરેક્ટર છે, જેના વિરુદ્ધ આશરે 2 ડઝન એફઆઇઆર નોંધાયેલી છે. પોલીસના જણાવ્યા પ્રમાણે, આરોપી વિજય ઉર્ફ ભૂરી શાહદરાના કસ્તૂરબા નગરમાં રહે છે. એસઆઇ રાજકુમાર સાથે આરોપીને ઝઘડો થયો હતો કારણકે પોલીસે વિસ્તારમાં ગેરકાયદે દારૂના વેચાણને રોકવા માટે પોલીસ પિકેટ લગાવી હતી.
ઘટના બની તેનાથી થોડે દૂર જ પોલીસની પિકેટ લગાવવામાં આવી હતી, પરંતુ પિકેટ પર પોલીસકર્મીઓને પણ પીસીઆર કોલ થતા પહેલા સુધી ઝઘડાને લઇને કોઈ જાણકારી મળી નહીં. આખરે હોસ્પિટલ પહોંચે તે પહેલા પોલીસકર્મીનું મોત થઈ ગયું હતું. મૃતક પોલીસકર્મીની ઓળખ એસઆઇ રાજકુમાર (56 વર્ષ) તરીકે થઈ છે, જે દિલ્હી પોલીસના કોમ્યુનિકેશન યુનિટમાં તહેનાત હતો.
એસઆઇએ શરૂ કર્યું વીડિયો બનાવવાનું
આ જ વાતને લઇને આરોપી એસઆઇને ગમે તેમ બોલવા લાગ્યો, જેના પર એસઆઇએ તેનો વીડિયો બનાવવાનું શરૂ કરી દીધું. રાજકુમારને વીડિયો બનાવતો જોઈને આરોપી ભડકી ગયો અને બંને વચ્ચે ઝપાઝપી શરૂ થઈ ગઈ. આખી ઘટના રવિવારે રાતે લગભગ 9 વાગ્યે બની હોવાનું જણાવવામાં આવી રહ્યું છે. રાજકુમાર વર્દીમાં ન હોતો પરંતુ આરોપી સારી રીતે જાણતો હતો કે તે એક પોલીસકર્મીને મારી રહ્યો છે. તે પછી આરોપી ત્યાંથી ફરાર થઈ ગયો.
3 કલાક પછી પોલીસને મળી સૂચના
પોલીસના જણાવ્યા પ્રમાણે, મારપીટ દરમિયાન ત્યાં ભીડ જમા થઈ ગઈ હતી, પરંતુ ન તો કોઈએ પોલીસને કોલ કર્યો અને ન તો ઘાયલ રાજકુમારને હોસ્પિટલ પહોંચાડવાની કોશિશ કરવામાં આવી. ત્યારબાદ તેની દીકરી જ તેને લઇને એક પ્રાઇવેટ હોસ્પિટલમાં દઈ, જ્યાંથી તેમને મેક્સ હોસ્પિટલ રિફર કરવામાં આવ્યા. જોકે મેક્સ પહોંચે તે પહેલા જ તેમનું મોત થઈ ગયું. તે પછી હોસ્પિટલે જ મામલાની સૂચના પોલીસને આપી.
ઉલ્લેખનીય છે કે થોડા સમય પહેલા દિલ્હીમાં એક વ્યક્તિની ચપ્પુ મારીને હત્યા કરી દેવામાં આવી હતી. આ હત્યા એટલા માટે થઈ કારણકે તે વ્યક્તિ પોતાની દીકરીની છેડતી કરી રહેલા યુવાનોને અટકાવવાની કોશિશ કરી રહ્યો હતો. હવે દિલ્હી પોલીસના એસઆઇની આ રીતે હત્યા કરવામાં આવી. દિલ્હીમાં જે રીતે ગુના થઈ રહ્યા છે તો એને અટકાવશે કોણ.