રોહિત શેખર મર્ડર કેસમાં રડાર પર પરિવાર, પત્ની અપૂર્વાના ફોન રેકોર્ડ્સની થઈ રહી છે તપાસ
પૂર્વ મુખ્યમંત્રી નારાયણ દત્ત તિવારીના દીકરા રોહિત શેખર તિવારીની મોતમાં હત્યાનો ખુલાસો થયા પછી પોલીસ તપાસ રોહિતના પરિવાર સુધી પહોંચી ગઈ છે. દિલ્હી પોલીસ ક્રાઇમ બ્રાંચની ટીમ ડિફેન્સ કોલોની સ્થિત રોહિતના ઘરે પહોંચી છે, જ્યાં રોહિતની માતા ઉજ્જવલા તિવારી, પત્ની અને તેમના સસરાની પૂછપરછ થઈ રહી છે. આ ઉપરાંત રોહિતના ભાઈ અને નોકરોને પણ સવાલ-જવાબ કરવામાં આવી રહ્યા છે. ટીમમાં પૂછપરછ માટે મહિલા પોલીસકર્મી પણ હાજર છે. શુક્રવારે રોહિતના પોસ્ટમોર્ટમ રિપોર્ટમાં ખુલાસો થયો હતો કે તેનું મોત મોઢું દબાવવાથી થયું છે, જે પછી હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે.
સૂત્રો પાસેથી મળેલી જાણકારી પ્રમાણે રોહિત શેખરની પત્ની પર પહેલી શંકા છે. શેખરનો ભાઈ સિદ્ધાર્થ જે ઘરે જ રહેતો હતો, તે હત્યાના સમયે ઘરમાં હાજર હતો. તેની કડકાઈથી પૂછપરછ થઈ રહી છે. આ ઉપરાંત ઘરના નોકરોની પણ કડકાઈથી પૂછપરછ કરવામાં આવી રહી છે. શેખરની માતાને તેના પત્ની સાથેના સંબંધોને લઈને સવાલો કરવામાં આવી રહ્યા છે. પત્ની અપૂર્વાના કોલ રેકોર્ડ્સ પણ ચેક કરવામાં આવી રહ્યા છે. અપૂર્વાએ 15-16 એપ્રિલની રાતે જે-જે લોકોને ફોન કર્યો તેમની તપાસ કરવામાં આવી રહી છે. ઘરના તમામ લોકો જે હત્યા સમયે ઘરમાં હાજર હતા, તમામની કોલ ડિટેઇલ્સ ચેક કરવામાં આવી રહી છે.
રોહિતની માતા ઉજ્જવલાએ કહ્યું કે લગ્નના પહેલા દિવસથી જ રોહિત અને તેની પત્ની વચ્ચે તણાવ હતો. આ એક પ્રેમલગ્ન હતા. હાલ દિલ્હી ક્રાઇમ બ્રાંચ રોહિત શેખર તિવારીની પત્નીની પૂછપરછ કરી રહી છે. રોહિતના સસરાએ ક્રાઇમ બ્રાંચને જણાવ્યું છે કે તેમની દીકરી નિર્દોષ છે. તેમણે કહ્યું કે તેમની દીકરીએ કંઇ ખોટું નથી કર્યું અને તે કોઈની હત્યા ન કરી શકે.