એકાત્મ માનવદર્શનના પ્રણેતા પં. દીનદયાળ ઉપાધ્યાયની સદાઈ: “બે ધોતી, બે ઝભ્ભા અને બે વખતનું ભોજન જ મારી જરૂરિયાત છે”
- 25 સપ્ટેમ્બર, 1916ના રોજ મથુરામાં થયો હતો દીનદયાળ ઉપાધ્યાયનો જન્મ
- ભાજપ જે દર્શનને પોતાનું માને છે, તેના પ્રણેતા છે પં. દીનદયાળ ઉપાધ્યાય
ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી સાથે મળીને ભારતીય જનસંઘના રૂપમાં દેશને રાજકીય વિકલ્પ આપનારા અને એકાત્મ માનવવાદના પ્રણેતા પં. દીનદયાલ ઉપાધ્યાયની જયંતી પર બુધવારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તેમને દેશના મહાનત્તમ પ્રતીકોમાંથી એક ગણાવ્યા હતા. ત્યારે ભાજપના રાષ્ટ્રીય અધ્યક્ષ અમિત શાહે કહ્યુ છે કે દીનદયાલ ઉપાધ્યાય એક એવા યુગદ્રષ્ટા હતા, જેમણે વાવેલા વિચારો અને સિદ્ધાંતોના બીજે દેશને એક વૈકલ્પિક વિચારધારા આપવાનું કામ કર્યું. તેમની વિચારધારા સત્તાપ્રાપ્તિ માટે નહીં, પરંતુ રાષ્ટ્રના પુનર્નિર્માણ માટે હતી.
પંડિત દીનદયાલ ઉપાધ્યાય સંદર્ભે કહેવામાં આવે છે કે તેઓ કાર્યકર્તાઓને સાદા જીવન અને ઉચ્ચ વિચાર માટે પ્રેરીત કરતા હતા. ખુદને લઈને અવારનવાર કહેતા હતા કે બે ધોથી, બે ઝભ્ભા અને બે સમયનું ભોજન જ મારી સંપૂર્ણ આવશ્યકતા છે. આનાથી વધારે મારે શું જોઈએ. તેમની જન્મજયંતી પ્રસંગે આવો જાણીએ ભાજપની વિચારધારાના પ્રણેતા પંડિત દીનદયાળ ઉપાધ્યાયને.
સંઘર્ષમય બાળપણ
પંડિત દીનદયાલ ઉપાધ્યાયનું બાળપણ સંઘર્ષોમાં વીત્યું હતું. યુપીના મથુરા જિલ્લાના નગલા ચંદ્રભાન ગામમાં 25 સપ્ટેમ્બરે, 1916ના રોજ જ્યોતિષી પં. હરિરામ ઉપાધ્યાયના પૌત્ર ભગવતી પ્રસાદ અને રામપ્યારીના ઘરે તેમનો જન્મ થયો હતો. બાળપણમાં જ તેઓ માતાપિતાની છત્રછાયાથી વંચિત થઈ ગયા હતા. ત્રણ વર્ષની ઉંમરે તેમના પિતા અને સાત વર્ષની વયે તેમના માતાનું નિધન થઈ ગયું હતું. જેને કારણે ગંગાપુર અને કોટા (રાજસ્થાન)માં નાના ચુન્નીલાલ અને મામા રાધારમણને ત્યાં તેમનું પાલન-પોષણ થયું હતું.
દીનદયાલનું પ્રાથમિક શિક્ષણ ગંગાપુરમાં થયું હતું. કોટાથી તેમણે પાંચમા ધોરણ સુધીનો અભ્યાસ કર્યો હતો. અલવરના રાજગઢમાં આઠમા અને નવમા ધોરણનો અભ્યાસ કર્યો હતો. રાજગઢથી સીકર જઈને તેમણે હાઈસ્કૂલમાં પ્રવેશ મેળવ્યો હતો. બીમારીમાં પરીક્ષા આપવા છતાં તેઓ ફર્સ્ટ ક્લાસમાં પાસ થયા હતા. તેમની બુદ્ધિ-પ્રતિભાને જોઈને સીકરના મહારાજેએ તેમને સુવર્ણ ચંદ્રકથી નવાજ્યા અને પુસ્તકો માટે અઢીસો રૂપિયા પણ આપ્યા હતા. સીકરના મહારાજાએ દશ રૂપિયા માસિક શિષ્યવૃત્તિ પણ મંજૂર કરી હતી. તેના દ્વારા દીનદયાલ ઉપાધ્યાયે પોતાનો અભ્યાસ ચાલુ રાખ્યો હતો. 1937માં પિલાનીથી તેઓ ઈન્ટરમીડિયેટની પરીક્ષા ફર્સ્ટ ક્લાસમાં પાસ થયા હતા. તમામ વિષયોમાં વિશેષ યોગ્યતા સાથે તેઓ સફળ રહ્યા હતા..
સંઘના સંપર્કમાં આવી રીતે આવ્યા પં. દીનદયાળ
દીનદયાળ ઉપાધ્યાય સંદર્ભે જાણકારી આપવા માટે ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જી રિસર્ચ ફાઉન્ડેશન તરફથી તૈયાર કરવામાં આવેલી વેબસાઈટ deendayalupadhyay.org પ્રમાણે, કાનપુરમાં ઉચ્ચશિક્ષણ પ્રાપ્ત કરતી વખતે તેઓ આરએસએસથી પ્રેરીત થયા હતા. કાનપુરની શાખામાં સંઘની જે પ્રતિજ્ઞા થઈ, તેમા પહેલા સ્વયંસેવક પં. દીનદયાળ ઉપાધ્યાય હતા. અભ્યાસ પૂર્ણ કર્યા બાદ તેઓ સંઘના પદાધિકારી ભાઉરાવ દેવરસ પાસે ગયા અને સંઘની સાથે જોડાવાની ઈચ્છા વ્યક્ત કર હતી. આમ તેઓ ઉત્તરપ્રદેશના પ્રથમ પ્રચારક બન્યા હતા.
1943થી લગભગ પાંચ વર્ષો સુધી હરદોઈના સંડીલામાં તેઓ આરએસએસના પ્રચારક રહ્યા હતા. શાહજહાંપુર, સીતાપુર, લખીમપુર ખીરીમાં શાખાઓ શરૂ કરાવી હતી. લખનૌ આવ્યા બાદ દીનદયાળ ઉપાધ્યાયે રાષ્ટ્રધર્મ માસિક અને પાંચજન્ય સાપ્તાહીકનું પ્રકાશન કરાવ્યું હતું. દીનદયાળ ઉપાધ્યાયનું મનવું હતું કે રાજનીતિક ક્રાંતિની સાથે વૈચારીક ક્રાંતિ પણ જરૂરી છે. આ દ્રષ્ટિથી 197માં રાષ્ટ્રધર્મ માસિક પત્રિકાનું પ્રકાશન કર્યું હતું.
દીનદયાલ ઉપાધ્યાયે રાષ્ટ્રધર્મ-માસિક, પાંચજન્ય-સાપ્તાહીક, સ્વદેશ- દૈનિકની સાથે સાહિત્ય સર્જન પણ કર્યું. તેમની મુખ્ય રચનાઓમાં સમ્રાટ ચંદ્રગુપ્ત, જગતગુરુ શંકરાચાર્ય, ભારીય અર્થનીતિ-વિકાસ કી એક દિશા, રાષ્ટ્રચિંતન રાષ્ટ્રજીવન કી દિશા, ઈન્ટિગ્રલ હ્યુમાનિઝ્મનો સમાવેશ થાય છે. તેઓ ઓર્ગેનાઈઝર દ્વારા પણ વિચાર વ્યક્ત કરતા હતા. 17 મે – 1968ના રોજ દીનદયાળ ઉપાધ્યાયના લેખોનો સંગ્રહ પોલિટિકલ ડાયરીના નામથી પ્રકાશિત થયો હતો. તેની પ્રસ્તાવના સંપૂર્ણાનંદે લખી છે.
જ્યારે દીનદયાળજી બોલ્યા-મને શા માટે કીચડમાં નાખવામાં આવી રહ્યો છે?
21 ઓક્ટોબર – 1951ના રોજ દિલ્હીમાં ભારતીય જનસંઘની સ્થાપનાના સમયે તેની કમાન ડૉ. શ્યામાપ્રસાદ મુખર્જીએ સંભાળી હતી. તેમને ત્યારે એક ઊર્જાવાન સહયોગીની તલાશ હતી. આ તલાશ દીનદયાલ ઉપાધ્યાય પર આવીને અટકી હતી. ત્યારે દીનદયાલ ઉપાધ્યાયે કહ્યુ હતુ કે મને શા માટે કીચડમાં નાખવામાં આવી રહ્યો છે ? ત્યારે તત્કાલિન સરસંઘચાલક શ્રીગુરુએ કહ્યુ હતુ કે જે કીચડમાં રહીને પણ કમલપત્રની જેમ અલિપ્ત રહી શકતું હોય, તે રાજનીતિના ક્ષેત્રમાં કાર્ય કરવા માટે યોગ્ય છે, અને માટે તમારી પસંદગી કરવામાં આવી છે.
જાન્યુઆરી- 1953ના રોજ પં. દીનદયાળને ભારતીય જનસંઘના મહામંત્રી બનાવવામાં આવ્યા હતા. ત્યારે શ્યામાપ્રસાદ મુખર્જીએ કહ્યુ હતુ કે જો મને વધુ બે દીનદયાળ મળી જાય તો હું ભારતીય રંગમંચનો નક્શો જ બદલી નાખું. શ્યામાપ્રસાદ મુખર્જીના નિધન બાદ પાર્ટીની જવાબદારી સંપૂર્ણપણે દીનદયાળ ઉપાધ્યાય પર આવી ગઈ હતી. 1953થી 1967 સુધી ભારતીય જનસંઘના સંગઠન મહામંત્રી રહ્યા બાદ તેઓ 1968માં ભારતીય જનસંઘના અધ્યક્ષ બન્યા હતા. કાલીકટ અધિવેશનમાં તેઓ અધ્યક્ષ તરીકે ચૂંટાયા હતા. આના પહેલા 1952ની લોકસભાની ચૂંટણીમાં દીનદયાળ ઉપાધ્યાયે નાનાજી દેશમુખ સાથે ઉત્તરપ્રદેશમાં ચૂંટણીનું સંચાલન કર્યું હતું. ત્યારે જનસંઘને કેન્દ્રમાં ત્રણ બેઠકો મળી હતી. તેમની એક બેઠક ડૉ. મુખર્જીની હતી.
શંકાસ્પદ મોતનું રહસ્ય અકબંધ
ફેબ્રુઆરી- 1968માં બિહારમાં ભારતીય જનસંઘના પ્રદેશ કારોબારીની બેઠક હતી. બિહારના સંગઠન મંત્રી અશ્નની કુમારે તેમને આમંત્રિત કર્યા હતા. ત્યારે પટના જવા માટે તેઓ પઠાનકોટ-સિયાલદેહ એક્સપ્રેસમાં સવાર થયા હતા. 04348 ક્રમાંકની ટિકિટ લઈને તેઓ ટ્રેનની પ્રથમ શ્રેણીની બોગીમાં સવાર થયા હતા. ઉપાધ્યાયને છ વાગ્યે પટના પહોંચવાનું હતું. બે વાગ્યે અને 15 મિનિટે મુગલસરાય જંક્શનના પ્લેટફોર્મ નંબર-1 પર ગાડી પહોંચી હતી.
આ ગાડી સીધી પટના જતી ન હતી. મુગલસરાય જંક્શન પર તેના ડબ્બાને દિલ્હી-હાવડા એક્સપ્રેસ સાથે અડધો કલાકમાં જોડવામાં આવતા હતા. 11 ફેબ્રુઆરીએ સવારે પોણા ચાર વાગ્યે સહાયક સ્ટેશન માસ્ટરના પિલર નંબર 1276ની પાસે કાંકરા પર પડેલી લાશની જાણકારી મળી હતી. આ લાશની ઓળખ ત્યારે જનસંઘના દિગ્ગજ નેતા દીનદયાળ ઉપાધ્યાય તરીકે થઈ તો લોકો ચોંકી ગયા હતા.
આ મામલાની સીબીઆઈ તપાસ થઈ હતી. ત્યારે સીબીઆઈએ બે આરોપીઓને ટાંકીને દાવો કરવામાં આવ્યો હતો કે ચોરીનો વિરોધ કરી રહેલા દીનદયાળ ઉપાધ્યાયને ચાલતી ટ્રેને નીચે ફેંકી દેવામાં આવ્યા હતા. જો કે તમામ લોકોના ગળે આવી વાત ઉતરી ન હતી. 23 ઓક્ટોબર-1969ના રોજ 70 સાંસદોની માગણી પર જસ્ટિસ વાઈ. વી. ચંદ્રચૂડ પંચની રચના કરવામાં આવી હતી.
પંચે પણ સીબીઆઈની તપાસને યોગ્ય ઠેરવી હતી. જો કે આ તપાસને લઈને જનસંઘના તત્કાલિન કેટલાક નેતા પણ માનવા તૈયાર ન હતા. તે સમયે દીનદયાળ ઉપાધ્યાયની મોતને રાજકીય હત્યા પણ કહેવામાં આવતી હતી. જો કે પં. દીનદયાળ ઉપાધ્યાયના રહસ્યમય મોતના મામલે એવી કોઈ થિયરી સામે આવી નથી કે જેના પર કોઈ શંકા રહે નહીં.
અંત્યોદયનો સિદ્ધાંત
દીનદયાળ ઉપાધ્યાયે અંત્યોદયનો સિદ્ધાંત પણ આપ્યો હતો. તેમણે એક વખત કહ્યુ હતુ કે તે લોકો જેમની સામે રોજીરોટીનો સવાલ છે, જેમની પાસે ન રહેવા માટે મકાન છે અને ન તન ઢાંકવા માટે કપડા. પોતાના મેલાઘેલા બાળકોની વચ્ચે જે દમ તોડી રહ્યા છે અને શહેરોના આ કરોડો નિરાશ ભાઈબહેનોને સુખી તથા સંપન્ન બનાવવા આપણું લક્ષ્ય છે. વ્યક્તિવાદ અધર્મ છે. રાષ્ટ્ર માટે કામ કરવું ધર્મ છે.
ઉપાધ્યાયના ભાષણોની મુખ્ય પંચલાઈન
બે ધોતી, બે કુર્તા અને બે વખતનું ભોજન જ મારી સંપૂર્ણ જરૂરિયાત છે. આનાથી વધારે મારે બીજું શું જોઈએ.
જનસંઘમાં આવ્યા બાદ મારે મારા વિચાર સામાન્ય લોકોની સામે મૂકવાના હોય છે, માટે હવે જાણીજોઈને સાહિત્યિક ભાષાનો ઉપયોગ નહીં કરીને આમ આદમીની ભાષા બોલું છું.
મશીન માણસ માટે છે, માણસ મશીન માટે નથી. આપણા દેશમાં મશીનીકરણ એ હદ સુધી થવું જોઈએ, જ્યાં સુધી તે કામ કરનારાઓની ક્ષમતામાં વૃદ્ધિ કરી શકે અને તેની આવકને વધારી શકે.
જો હું પણ કોઈ મોટા નેતાની જેમ અંગત સચિવ અને અંગરક્ષક રાખું છું, તો શું હું હકીકતમાં ગરીબ જનતાનો પ્રતિનિધિ કહેવડાવાનો હકદાર હોઈશ? જ્યાં સુધી આ તમામ સુવિધાઓ પ્રદેશ સ્તરના કાર્યકર્તાઓને ઉપલબ્ધ થઈ જતી નથી, મારું મન મારા માટે આ સુવિધાઓને સ્વીકાર કરશે નહીં.
જેવી રીતે વ્યક્તિના શ્વાસ માટે પ્રાણાયામ આવશ્યક છે, તેવી જ રીતે સામાજીક સ્વાસ્થ્ય માટે અર્થાયામ જરૂરી છે. જો રક્ત કોઈક એક ખૂણામાં જઈને જામવા લાગે તો જીવન માટે ખતરો બની જાય છે. તેવી જ રીતે જો અર્થ એક જ વ્યક્તિની પાસે ઘણા વધારે પ્રમાણમાં એકઠું થઈ જાય છે તો તે પણ સામાજીક સ્વાસ્થ્ય માટે પ્રદૂષણ પેદા કરે છે.
આપણે કોઈ સંપ્રદાય અથવા વર્ગની સેવાનું નહીં, પરંતુ સંપૂર્ણ રાષ્ટ્રની સેવાનું વ્રત લીધું છે. હિંદ મહાસાગર અને હિમાલયથી પરિવેષ્ઠિત ભારત ખંડમાં જ્યાં સુધી આપણે એકરસતા, કર્મઠતા, સમાનતા, સંપન્નતા, જ્ઞાનવત્તા, સુખ અને શક્તિની સંપત્- જાહનવી (સાત ગંગા)નો પુણ્ય પ્રભાવ નથી લાવી શકતા, ત્યાં સુધી આપણું ભગીરથ તપ પુરું થશે નહીં.