1. Home
  2. revoinews
  3. આધુનિક ભારતના નિર્માતા રાષ્ટ્રસમર્પિત એન્જીનીયર ભારતરત્ન શ્રી મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા
આધુનિક ભારતના નિર્માતા રાષ્ટ્રસમર્પિત એન્જીનીયર ભારતરત્ન શ્રી મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા

આધુનિક ભારતના નિર્માતા રાષ્ટ્રસમર્પિત એન્જીનીયર ભારતરત્ન શ્રી મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયા

0
Social Share

પ્રો. યજ્ઞાંગ રસજ્ઞ પંડ્યા

એવી જનસેવા અને રાષ્ટ્રસેવા કરીએ એમાં એવું કંઈક હકારાત્મક અને સર્જનાત્મક ઉમેરીએ કે જેની કિંમત અમૂલ્ય હોય એને કોઈ પૈસા સાથે તોલી ના શકે કે કોઈ તમારી સેવાને ખરીદી ના શકે..!! માનવમૂલ્યોને અને જનકલ્યાણ થી રાષ્ટ્રકલ્યાણ માટે આવું અદ્દભુત વિચારબીજ ભારતભૂમિમાં જેમણે રોપ્યું અને આ બીજમાંથી વિરાટ સેવાવૃક્ષ જેવું સુદીર્ઘ જીવન જેમણે જીવ્યું એવા વિરલ વ્યક્તિત્વનો આજે જન્મદિવસ ..!! ૧૫ સપ્ટેમ્બર વિશેષ વાત એ કે એમનો જન્મ દિવસ આખો દેશ ઉજવે “નેશનલ એન્જીનીયર્સ ડે” તરીકે !! જી હા આપણે વાત કરી રહ્યા છે સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાજી ની ..!!

સર મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાજી આપણા આધુનિક ભારતના ભારતરત્નથી સન્માનિત શ્રેષ્ઠ સિવિલ એન્જીનીયર એમના જીવન વિકાસ સાથે અનેક ના જીવનનો એમણે વિકાસ કર્યો ! કર્ણાટકના મૈસુરના કોલાર જિલ્લામાં એમનો જન્મ ! તેલુગુ પરિવારમાં  પિતા સંસ્કૃતના વિદ્વાન શ્રીનિવાસ શાસ્ત્રી તથા માતા વેંકાચમ્માના ખોળે આવા પુત્રરત્ન જન્મ્યા ! સર વિશ્વેશ્વરૈયાજી નું પ્રાથમિક શિક્ષણ એમના વતનમાં થયું. આગળ ભણતર માટે બંગલુરની સેન્ટ્રલ કોલેજમાં પ્રવેશ મેળવ્યો પણ ખુબ જ નબળી આર્થિક પરિસ્થિતિના કારણે ભણતરની સાથે સાથે ટ્યુશનો કરીને પોતાનો ખર્ચ કાઢ્યો. શ્રેષ્ઠ અને સફળ વ્યક્તિત્વોના જીવન ની આજ વિશેષતા હોય છે કે તેઓ ક્યારેય પોતાના જીવન નિર્માણમાં આવતા પડકારો ને પોતાના જીવન ની શરૂઆતમાં જ આથાગ પરિશ્રમ અને મક્કમ મનોબળ સાથે કર્મયોગથી ઝીલી લે છે અને એ પડકારોને સહજતાથી જીતી ને સફળતાનો માર્ગ કાઢે છે. ૧૮૮૧ની સાલમાં બી.એ ની પરીક્ષામાં પ્રથમ ક્રમે આવ્યા.મૈસુર સરકારની સહાયથી એન્જીનીયરીંગ ક્ષેત્રમાં અભ્યાસ કરવા પુનાની સાયન્સ કોલેજમાં દાખલ થયા .૧૮૮૩ માં એલ .સી .ઈ ની પરીક્ષા હાલમાં જે બેચલર્સ ઈન એન્જીનીયરીંગ તરીકે ઓળખાય છે એમાં પ્રથમ સ્થાન મેળવી એમની ટેક્નિકલ તેજસ્વીતાનો પરચો આપ્યો આ જ શૈક્ષણિક યોગ્યતા અને કૌશલ્યને  લીધે તેમને મહારાષ્ટ્ર સરકાર દ્વારા નાસિકમાં સહાયક એન્જીનીયર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા.

વિશ્વેશ્વરૈયાજી નો એક યુવાનીનો પ્રસંગ યાદ કરીએ. ” એ સમયમાં આઝાદી પહેલા કેટલાક ચુનંદા ભારતીય એન્જીનીયરોની એક ટુકડીને અમેરિકાની ફેકટરીઓ કઈ રીતે કામ કરે છે એ જાણવા માટે અમેરિકા મોકલવામાં આવી . અમેરિકામાં ફેકટરીના એક ઓફિસર કંપની બતાવવા આ ટુકડી લઈને નીકળ્યા.  ઓફિસરે એક મશીન તરફ ઈશારો કર્યો અને જણાવ્યું કે જો તમારે આ મશીનનો અભ્યાસ કરવો હોય તો તમારે આ મશીનને ૭૫ ફૂટ ઊંચી સીડી પર ચઢીને જોવું પડશે! મશીન ખુબ ઊંચાઈએ હતું ! ભારતીય એન્જીનીયરોની ટુકડી માંથી એક નવયુવાન આવ્યો અને એણે આ ઊંચાઈને સર કરવાની ઈચ્છા વ્યક્ત કરી અને હું હમણાં જ આ સીડી ચઢું છું એમ કહી સડસડાટ સીડી ચઢવા લાગ્યો એ જોઈ ભારતીય ટુકડી માંથી બીજા ચારપાંચ એન્જીનીયરોએ ચઢવાની શરૂઆત કરી પણ કેટલાક વળી આટલી ઊંચાઈના કારણે અધવચ્ચેથી પાછા ફર્યા તો કેટલાક ચઢ્યા જ નહીં !! થોડોક સમય વીત્યો ૭૫ ફૂટ ની ઊંચે જઈ મશીનનું નિરીક્ષણ કરી ને ઝડપ ભેર એક બે અને ત્રણ એમ માત્ર ત્રણ એન્જીનીયરો પાછા આવ્યા!! અને આ ટુકડી માં સૌ પ્રથમ જે નવયુવાન ભારતીય એન્જીનીયર સીડી ચઢયા એ બીજું કોઈ નહિ પણ આપણા દેશનું ગૌરવ એમ . વિશ્વેશ્વરૈયાજી એમની યુવાની સાહસ અને નિતનવું જાણવા શીખવાની એમની ઈચ્છાઓ માં ઉજળી થઇ અને એમની સર્જનશીલતાને અવનવા ઘાટ ઘડાયા !

 

મોક્ષગુંડમ વિશ્વેશ્વરૈયાજીએ ઈશ્વરે આપેલી અને જાતમહેનતે કેળવેલી તેમની સર્જનશીલતાનો સદ્દઉપયોગ સમાજકલ્યાણ માટે કર્યો આઝાદી પહેલા દક્ષિણભારતના મૈસુર , કર્ણાટક ને વિકસિત અને સમૃદ્ધ રાજ્ય બનાવવા માટે એમનું યોગદાન અવિસ્મરણીય અને અવર્ણીય છે .દેશ જયારે અંગ્રેજોની ગુલામી માંથી સ્વતંત્ર થવા ઝઝૂમી રહ્યો હતો એ સમયમાં કૃષ્ણરાજ સાગર બંધ , ભદ્રાવતી એન્ડ સ્ટીલ વર્કસ , મૈસુર વિશ્વ વિદ્યાલય , મૈસુર સોપ ફેક્ટરી ,બેન્ક ઓફ મૈસુર જેવા અનેકવિધ પ્રજાલક્ષી કાર્યો એમના માર્ગદર્શન તથા તેમની કુનેહના કારણે શક્ય બન્યા .આ પ્રજાકીય  સદ્કાર્યો જોઈને  વિશ્વેશ્વરૈયાજી ને ૧૯૧૨માં મૈસુરના મહારાજાએ તેમને દીવાન તરીકે ની જવાબદારી આપી. દીવાનપદ શોભાવતા વિશ્વેશ્વરૈયાજીની સેવાકીય પ્રવૃત્તિઓ વધારે ખીલી એમણે રાજ્યમાં ગરીબી નિવારવા માટે અનેક લોકોને શિક્ષિત કરવાનું ભગીરથ કામ હાથમાં લીધું અને સફળતા પૂર્વક પર પાડ્યું. મૈસુર વિશ્વવિદ્યાલય ની સ્થાપના કરી તેજસ્વી વિદ્યાર્થીઓને વિદેશ અભ્યાસ માટે શિષ્યવૃત્તિઓ જાહેર કરી માત્ર શિક્ષણ પૂરતા સીમિત ના રહેતા તેમણે કૃષિ ,એન્જીનીયરીંગ અને ઔદ્યોગિક ક્ષેત્રોનો પણ વિકાસ થાય તે હેતુથી સંસ્થાઓ શરૂ કરી. તેઓ ઉદ્યોગોને રાષ્ટ્ર નું હ્ર્દય માનતા તેથી તેમણે ઉદ્યોગ ધંધાઓનો વિકાસ થાય અને આર્થિક સધ્ધરતા વધે તે હેતુ થી બેન્ક ઓફ મૈસુરની સ્થાપના કરી ૧૯૧૮માં સર વિશ્વેશ્વરૈયા દીવાનપદ પરથી સેવાનિવૃત્ત થયા. પણ તેઓએ સમાજસેવા અને રાષ્ટ્રસેવાનું કાર્ય જીવનપર્યંત ચાલુ રાખ્યું. નિવૃત્ત થવું એ તેમનો સ્વભાવ નોહતો. એમની સદ્પ્રવૃત્તિની પરાકાષ્ઠા જોઈએ તો દીવાનપદની જવાબદારી સક્ષમતા અને સફળતાથી પૂર્ણ કર્યા પછી પણ ૧૯૨૮માં રાજ્યના વિકાસ માટે પાંચ વર્ષીય યોજના તૈયાર કરી તેઓ આયોજન માં દ્ઢ વિશ્વાસ રાખતા ૧૯૩૫ માં “પ્લાન્ડ ઈકોનોમી ઓફ ઇન્ડિયા” જેવા વિષયો પર દળદાર ગ્રંથો લખ્યા જે આજે પણ ઉપયોગમાં લઈ શકાય એવા છે ૯૮ વર્ષની તપોવૃદ્ધ ઉંમરે પણ દેશના પ્લાનિંગ પર ના વિષયો ઉપર પણ તેમના પુસ્તકો માટે નું લેખન કાર્ય ચાલુ જ હતું .કોઈ પણ પ્રકારે રાષ્ટ્ર સેવાએ તેમને મન તપ હતું ..!! ૧૯૫૫ માં એમના અદ્દભુત અને જનકલ્યાણના કાર્યો માટે દેશના સર્વોચ્ચ સન્માન “ભારત રત્ન” થી તેમને નવાજવામાં આવ્યા . એમના ૧૦૦ વર્ષના જન્મપર્વે ભારત સરકાર દ્વારા  એમના સન્માન માં ટપાલ ટિકિટ જાહેર કરવામાં આવી. સર વિશ્વેશ્વરૈયા  ૧૦૧ વર્ષ સુધી પુરી ઉર્જા સાથે પ્રવૃત્ત રહ્યા અને ૧૦૧ માં વર્ષે ૧૪ એપ્રિલના રોજ એમનો રાષ્ટ્રસમર્પિત જીવનદીપ બુઝાયો. અને આજે પણ આખો દેશ એમના માનમાં એન્જિનિયર્સ ડે ઉજવે છે !!

LEAVE YOUR COMMENT

Your email address will not be published.

Join our WhatsApp Channel

And stay informed with the latest news and updates.

Join Now
revoi whats app qr code