ભારત હિંદુ રાષ્ટ્ર હોવાનું ઘોષિત કરનારા અને રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના આદ્ય સરસંઘચાલક ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવારનો જન્મ નાગપુરના એક બ્રાહ્મણ પરિવારમાં 1 એપ્રિલ, 1889ના રોજ થયો હતો. ડૉ. હેડગેવાર નાનપણથી જ ક્રાંતિકારી પ્રવૃત્તિના હતા અને અંગ્રેજોની ગુલામીની સ્થિતિથી ખૂબ જ ઘૃણા કરતા હતા. કેશવરાવ બલિરામ હેડગેવારના પિતાનું નામ પંડિત બલિરામ પંત હેડગેવાર હતું અને તેમના માતાનું નામ રેવતીબાઈ હતું. તેમનું બાળપણ ખૂબ લાડ-પ્રેમમાં પસાર થયું હતું. તેમના બે મોટા ભાઈ હતા. તેમના નામ મહાદેવ અને સીતારામ હતા.
ડૉ. હેડગેવાર પોતાના મોટાભાઈઓથી ખૂબ જ વધારે પ્રેરીત હતા. તેમના સૌથી મોટા ભાઈ મહાદેવ પણ શાસ્ત્રોના સારા જ્ઞાતા હતા અને તેની સાથે તેઓ મલ્લયુદ્ધની કળામાં પણ ઘણાં માહેર હતા. તે રોજ અખાડામાં જઈને ખુદ તો વ્યાયામ કરતા જ હતા, ગલી-મહોલ્લાના બાળકોને પણ એકઠા કરીને તેમને કુશ્તીના દાંવપેચ શિખવતા હતા.
કેશવરાવ બલિરામ હેડગેવારના માનસપટલ પર પણ મોટા ભાઈ મહાદેવના વિચારોનો ઊંડો પ્રભાવ રહ્યો હતો. પરંતુ તેઓ મોટાભાઈની સરખામણીએ બાળપણથી જ ક્રાંતિકારી વિચારોના હતા. તેનું પરિણામ એ આવ્યું કે તેઓ મેડિકલનો અભ્યાસ કરવા માટે કોલકત્તા ગયા અને ત્યાંથી તેમણે કોલકત્તા મેડિકલ કોલેજમાં પ્રથમ શ્રેણીમાં મેડિકલની પરીક્ષા ઉત્તીર્ણ કરી હતી.
1910માં જ્યારે મેડિકલના અભ્યાસ માટે કોલકત્તા ગયા તો તે સમયે દેશની મોટી ક્રાંતિકારી સંસ્થા અનુશીલન સમિતિમાં તેઓ જોડાયા હતા. 1915માં નાગપુર પાછા ફર્યા બાદ ડૉ. હેડગેવાર કોંગ્રેસમાં સક્રિય થઈ ગયા અને કેટલાક સમયમાં વિદર્ભની પ્રાંતીય કોંગ્રેસના સચિવ પણ બની ગયા હતા. 1920માં જ્યારે નાગપુરમાં કોંગ્રેસનું રાષ્ટ્રીય સ્તરનું અધિવેશન થયું, તો મણે કોંગ્રેસમાં પહેલીવાર પૂર્ણ સ્વતંત્રતાને લક્ષ્ય બનાવવાનો પ્રસ્તાવ રજૂ કર્યો હતો અને તે પારીત થઈ શક્યો નહીં.
1921માં કોંગ્રેસે અસહયોગ આંદોલનમાં સત્યાગ્રહ કરીને ધરપકડ વ્હોરી હતી અને તેમને એક વર્ષની જેલ પણ થઈ હતી. ડૉ. હેડગેવાર ત્યાં સુધીમાં તો ઘણાં લોકપ્રિય થઈ ચુક્યા હતા. હેડગેવારની મુક્તિ પર સ્વાગત માટે આયોજિત સભાને મોતીલાલ નહેરુ અને હકીમ અજકલ ખાન જેવા દિગ્ગજોએ સંબોધિત કરી હતી.
1916માં હેડગેવાર કોંગ્રેસ અધિવેશનમાં સામેલ થવા માટે લખનૌ ગયા હતા. તેઓ લખનૌની યુવા ટોળીના સંપર્કમાં આવ્યા. બાદમાં ડૉ. હેડગેવારનો કોંગ્રેસથી મોહભંગ થયો અને નાગપુરમાં સંઘની સ્થાપના કરી હતી. દુનિયામાં હજારો સંગઠનો રોજ બને છે. કેટલાક દશ વર્ષ જીવતા રહે છે, તો કેટલાક વીસ વર્ષ. કેટલીક સંસ્થાઓ તેનાથી આગળ પણ ચાલે છે. પરંતુ તેમ છતાં ખુરશી અને સંપત્તિ વિવાદમાં પોતાના ઉદેશ્યથી ભટકી જાય છે. ઘણીવાર તે કોઈની જાગીર બનીને રહી જાય છે. પરંતુ ડૉ. કેશવ બલિરામ હેડગેવારે 1925ના વિજયાદશમીના દિવસે રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘ નામના સંગઠનનો પાયો નાખ્યો હતો, તે એક તરફ ભારતના દરેક ખૂણે પહોંચી ચુક્યું છે અને બીજી તરફ દુનિયામાં જે દેશોમાં હિંદુઓની વસ્તી છે, ત્યાં પણ અસ્તિત્વમાં છે. દરેક વય અને વ્યવસાયમાં કામ કરનારા સ્વયંસેવકો વિભિન્ન સંગઠન અને સંસ્થાઓ બનાવીને કામ કરી રહ્યા છે. સામાજિક કાર્યકર્તાઓ હોય અથવા રાજકીય વ્યક્તિ, સચ્ચાઈ તો એ છે કે સંઘની અસર દરેક વ્યક્તિમાં છે. જેને કારણે આજે દુનિયાના દરેક ખૂણામાં સંઘની સાથે જોડાયેલા વ્યક્તિ મળી જાય છે, આ લોકો સંઘના વખાણ કરતા રહે છે અને વિરોધીઓ દિવસમાં એકવાર આ સંગઠનને ગાળ આપે નહીં ત્યાં સુધી તેમનું ખાવાનું પચતું નથી.
ડૉ. કેશવરાવ બલિરામ હેડગેવાર 1925થી 1940 એટલે કે પોતાના જીવનના આખરી શ્વાસ સુધી રાષ્ટ્રીય સ્વયંસેવક સંઘના સરસંઘચાલક પણ રહ્યા છે. 21 જૂન-1940ના રોજ ડૉ. હેડગેવારનું નાગપુરમાં નિધન થયું હતું. તેમની સમાધિ રેશમબાગ નાગપુરમાં આવેલી છે. જ્યાં તેમના અંતિમ સંસ્કાર થયા હતા. આરએસએસ આજે જે સ્થિતિમાં છે, તેના માટે ડૉ. હેડગેવારે પોતાના તન, મન અને ધન જ નહીં, પણ જીવનના ક્ષણ-ક્ષણ આપીને જે કિંમત ચુકાવી છે તેને સમાજનું આ મૂલ્ય સ્થાપિત થયું છે કે સંગઠક હોય તો ડૉ. હેડગેવાર જેવા હોય.