વડોદરામાં ભારે વરસાદને કારણે વિશ્વામિત્રી નદીની અંદરના મગરમચ્છો શહેરમાં જોવા મળ્યા હતા. આને મળતો આવતો એક નજારો કર્ણાટકમાં જોવા મળ્યો છે. અહીં એક મગરમચ્છ પૂરના પાણીમાં વહીને એક મકાનની છત પર અટવાયો હતો. આ ઘટના કર્ણાટકના બેલગામમાં આવેલા પૂરગ્રસ્ત વિસ્તાર રાયબાગ તાલુકાની છે. મગરમચ્છને આમ છત પર બેઠેલો જોઈને લોકોમાં દોડધામ મચી ગઈ હતી. મહત્વપૂર્ણ છે કે કર્ણાટક સહીત ભારતના ઘણાં રાજ્યો હાલ પૂરના કેરનો સામનો કરી રહ્યા છે.
મહત્વપૂર્ણ છે કે કર્ણાટકના પૂર પ્રભાવિત જિલ્લામાં બચાવ અને રાહત અભિયાન ઝડપથી ચલાવાય રહ્યું છે. વરસાદના થોડા વિરાને કારણે પ્રભાવિત વિસ્તારોમાં પાણીના સ્તર ઘટયા છે. અધિકારીઓએ સોમવારે કહ્યુ છે કે સ્થિતિ સારી થવાની સાથે જ ગુમ થયેલા લોકોની તલાશ અને ફસાયેલા લોકોને કાઢવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી છે. અધિકારીઓએ જણાવ્યુ છે કે વિભિન્ન જળાશયોમાં પાણીનું સ્તર વધ્યું છે અને ત્યાંથી પાણી છોડવાને કારણે, બંધની આસપાસના વિસ્તારોમાં સાવધાની રાખવામાં આવી રહી છે. પૂર અથવા ભૂસ્ખલનને કારણે બાધિત થયેલા માર્ગોને સાફ કરવાનું કામ શરૂ કરવામાં આવ્યું છે.
કર્ણાટકમાં 17 જિલ્લાના 80 તાલુકા વરસાદ અને પૂરથી પ્રભાવિત છે. રાજ્ય સરકારે રવિવારે સાંજે મૃત્યુઆંક 40 અને ગાયબ થયેલા લોકોની સંખ્યા 14ની હોવાનું જણાવ્યુ હતુ. રવિવારે સાંજે કુલ 581702 ફસાયેલા લોકોને કાઢવામાં આવ્યા છે. ત્યાં 1168 રાહત શિબિરોમાં 327354 લોકોએ આશ્રય લીધો છે. 50 હજારથી વધારે પશુઓને પણ બચાવવામાં આવ્યા છે.
કર્ણાટકના મુખ્યપ્રધાન બી. એસ. યેદિયુરપ્પાએ રવિવારે કહ્યુ હતું કે પ્રાથમિક આકલન પ્રમાણે રાજ્યને પૂરને કારણે લગભગ 10 હજાર કરોડ રૂપિયાનું નુકસાન થયું છે અને રાજ્ય સરકારે કેન્દ્ર પાસેથી તાત્કાલિક 3000 કરોડ રૂપિયાની સહાયતા રાશિ આપવાની માગણી કરી છે.