પૂર્વ કેપ્ટન કપિલ દેવને આવ્યો હાર્ટ એટેક, દિલ્હીની હોસ્પિટલમાં દાખલ
- કપિલ દેવને આવ્યો હાર્ટ એટેક
- હોસ્પિટલમાં કરાયા દાખલ – રીપોર્ટ
- તેઓની એન્જીયોપ્લાસ્ટી કરાઈ
મુંબઈ: ભારતના વર્લ્ડ કપના વિજેતા કેપ્ટન કપિલ દેવને હાર્ટ એટેક આવ્યા બાદ દિલ્હીની એક હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. રિપોર્ટ મુજબ કપિલ દેવની એન્જીયોપ્લાસ્ટી કરવામાં આવી છે. ડોકટરોના જણાવ્યા મુજબ, કપિલ દેવની તબિયત હજી ઠીક છે.
કપિલ દેવની આગેવાની હેઠળની ભારતીય ક્રિકેટ ટીમે વર્ષ 1983માં વેસ્ટ ઇન્ડીઝને હરાવીને પ્રથમ વખત વર્લ્ડ કપ જીત્યો હતો. કપિલ દેવની કપ્તાની હેઠળ વર્લ્ડ કપ જીત પર એક ફિલ્મ પણ બનાવવામાં આવી રહી છે, જેમાં અભિનેતા રણવીર સિંહ કપિલ દેવની ભૂમિકા નિભાવી રહ્યો છે.
કપિલ દેવ 61 વર્ષના છે, ક્રિકેટને અલવિદા કહ્યા પછી, તેઓ સતત કમેન્ટ્રી કરતા જોવા મળ્યા છે. આ સિવાય કપિલ દેવને ઘણા ટીવી શોમાં પણ જોઇ શકાય છે.
કપિલદેવને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યાના સમાચાર પછી ઘણા ભૂતપૂર્વ ક્રિકેટરોની પ્રતિક્રિયા આવવાનું શરૂ થયું છે. 1983 ની વિશ્વ વિજેતા ટીમના એક ભાગ મદનલાલે ટ્વિટ કરીને લખ્યું કે કપિલદેવને જ્યારે થોડી મુશ્કેલી અનુભવાઈ ત્યારે તેમને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા. ડોકટરો તેની દેખરેખ રાખી રહ્યા છે અને ટૂંક સમયમાં તે ઘરે પાછા ફરશે. અમે બધા તેને સારા સ્વાસ્થ્યની પ્રાર્થના કરીએ છીએ.
કોંગ્રેસના સાંસદ શશિ થરૂરે પણ કપિલ દેવના સ્વાસ્થ્ય માટે ચિંતા વ્યકત કરીને ટ્વિટ કર્યું હતું અને તેમની ઝડપથી સ્વસ્થ થવાની શુભેચ્છા પાઠવી હતી.
ભારતમાં ક્રિકેટને ઘરે ઘરે લાવવામાં કપિલ દેવનો મોટો ફાળો છે. 1983 નો વર્લ્ડ કપ જીત્યા પછી જ દેશમાં ક્રિકેટરોની નવી બેચ બનાવવામાં આવી હતી. હરિયાણાથી આવનાર કપિલ દેવ એ 1978 થી લઈને 1994 સુધી ભારતીય ટીમ માટે ક્રિકેટ રમ્યું હતું અને તે વિશ્વના સર્વશ્રેષ્ઠ ઓલરાઉન્ડરોમાં ગણાય છે.
_Devanshi