અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસમાં સતત વધારો થઈ રહ્યો છે. ત્યારે માસ્ક પહેરવુ અને સોશિયલ ડિસ્ટન્સિંગ રાખવુ ફરજીયાત કરવામાં આવ્યું છે. તેમજ સરકારની ગાઈડલાઈનનું ઉલ્લંઘન કરનાર પાસેથી રૂ. 200નો દંડ વસુલવામાં આવે છે. ત્યારે સરકારે હવે દંડની રકમમાં વધારો કર્યો છે. હવે માસ્ક નહીં પહેરનાર લોકો પાસેથી તા. 1લી ઓગસ્ટથી રૂ. 500નો દંડ વસુલવામાં આવશે. તેમજ જાહેરમાં થુંકનાર પાસેથી પણ રૂ. 500નો દંડ વસુલવામાં આવશે.
પ્રાપ્ત માહિતી અનુસાર ગુજરાતમાં કોરોના મહામારીને પગલે સરકારની ગાઈડલાઈન અનુસાર વેપાર-ધંધા શરૂ કરવામાં આવ્યાં હતા. જેથી વેપાર-ધંધા શરૂ થતા લોકો ફરીથી રોજગારી તરફ વળ્યાં હતા. બીજી તરફ સરકારની ગાઈડલાઈનનું કેટલાક શખ્સો ભંગ કરતા હોવાની ફરિયાદો ઉઠી હતી. જેથી સરકાર દ્વારા રાજ્યભરમાં માસ્ક નહીં પહેરનાર અને જાહેરમાં થુંકનારા શખ્સોને પકડીને દંડાત્મક કાર્યવાહી શરૂ કરવામાં આવી હતી. રાજ્યભરમાં માસ્ક નહીં પહેરવા બદલ તથા જાહેરમાં થુંકવા બદલ રૂ. 200નો દંડ વસુલવામાં આવી રહ્યો છે. જ્યારે અમદાવાદ સહિતના શહેરી વિસ્તારોમાં તંત્ર દ્વારા સરકારના નિયમનો ભંગ કરવા બદલ રૂ. 500 જેટલો દંડ ફટકારવામાં આવી રહ્યો છે. દરમિયાન સરકારે દંડની રકમ રૂ. 200માં વધારો કરીને રૂ. 500 કરવાનો નિર્ણય કર્યો છે. આગામી તા. 1લી ઓગસ્ટથી હવે માસ્ક નહીં પહેરનાર પાસેથી રૂ. 500નો દંડ વસુલવામાં આવશે.
સરકાર દ્વારા કોરોના મહામારીમાં લોકોને સરળતાથી માસ્ક મળી રહે તેવી વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. એટલું જ નહીં ઓછી કિંમતમાં ઉચ્ચ ગુણવત્તાયુક્ત માસ્ક મળી રહે તેવા પ્રયાસો કરવામાં આવી રહ્યાં છે.