અમદાવાદઃ ગુજરાતમાં કોરોના વાયરસના કેસ સતત વધી રહ્યાં છે. બીજી તરફ લગ્ન સિઝન ચાલતી હોવાથી લગ્ન પ્રસંગમાં કોરોના ગાઈડલાઈનનું યોગ્ય પાલન નહીં થતું હોવાની ફરિયાદો ઉઠી છે. દરમિયાન સુરત મનપા દ્વારા કોરોના ટેસ્ટ માટે નવતર પ્રયોગ હાથ ધર્યો છે. હવે લગ્ન સ્થળે જ શરદી-ખાંસી સહિતની બીમારી ધરાવતા લોકો કોરોનાનો ટેસ્ટ કરાવી શકશે. સુરત મનપા દ્વારા લગ્ન સ્થળ પાસે જ ધન્વંતરી રથ ઉભો રાખવામાં આવશે.
સુત્રોના જણાવ્યા અનુસાર કોરોના મહામારી વચ્ચે સરકારે કેટલાક નિયમો અનુસાર લગ્ન પ્રસંગની મંજૂરી આપી છે. લગ્ન પ્રસંગમાં 100 જેટલા મહેમાનો જ ઉપસ્થિત રહી શકે છે. ત્યારે આવા લગ્ન પ્રસંગમાં કેટલીક વખત સામાજીક અંતરનું પાલન થતું નથી. એટલું જ નહીં કેટલાક લોકો માસ્ક પણ નહીં પહેરતા હોવાની ફરિયાદો ઉઠી છે. જેથી કોરોનાનું સંક્રમણ ફેલવાની શકયતાઓ છે. દરમિયાન સુરત પાલિકાએ સંક્રમણ વધારે ફેલતું અટકે તે દિશામાં વધુ એક પગલું ભર્યું છે. હવે લગ્ન પ્રસંગમાં શરદી-ખાંસી તથા અન્ય લક્ષણો ધરાવતા દર્દીઓ સરળતાથી કોરોના ટેસ્ટ કરાવી શકે તે માટે ધન્વંતરી રથ ઉભા રાખવાનું આયોજન કરવામાં આવ્યું છે. ધન્વંતરી રથ પર શરદી-ખાંસી તથા અન્ય લક્ષણ ધરાવતા દર્દી તથા અન્ય લોકો પણ કોરોના ટેસ્ટ કરાવી શકશે. એટલું જ નહીં જરૂરીયાત અનુસાર દવાઓ પણ આપવામાં આવશે.