દિલ્હીઃ ગુજરાત સહિત સમગ્ર દેશમાં કોરોનાની બીજી લહેર શાંત પડતાની સાથે હવે જનજીવન પાટે ચડી રહ્યું છે. તેમજ હવે ધીમે-ધીમે વેપાર-ધંધાઓ પણ શરૂ થયાં છે. જો કે, લોકડાઉન અને અન્ય નિયંત્રણોના કારણે રોજગારી નહીં મળતા મોટી સંખ્યામાં કામદારો પોતાના ચાલ્યાં ગયા હતા. જે હજુ સુધી પરત નહીં ફર્યા હોવાથી ઉદ્યોગ ઘંઘાને અસર પડી રહી છે. ઉદ્યોગોને અસર થતા કામદારોને પરત લાવવા માટે ઉદ્યોગકારો પ્રયાસ કરી રહ્યાં છે.
સુત્રોના જણાવ્યા અનુસાર શ્રમજીવીઓની અછત ના કારણે ગુજરાત, મહારાષ્ટ્ર અને દિલ્હી સહિતના રાજ્યોમાં ઔદ્યોગીક વિસ્તારોમાં હજુ પહેલાની જેમ એકમો શરૂ થયા નથી. શ્રમિકોની અછતના પરીણામે ઉદ્યોગોમાં ઉત્પાદન પ્રભાવિત થઈ રહ્યું છે. કોરોનાની ત્રીજી લહેરના ભયના કારણે વતન ગયેલા શ્રમજીવીઓ પરત આવતા ડરી રહ્યાં હોવાનું ઉદ્યોગકારો માની રહ્યાં છે.
ભારતીય કપડા ઉદ્યોગ સંગઠનનાં અધ્યક્ષના જણાવ્યા અનુસાર કુશળ કારીગરોની અછતથી કપડા ઉદ્યોગ પ્રભાવિત થયો છે. ઉત્પાદન પૂર્ણ ક્ષમતાએ શકય ન બનતા નુકશાન થઈ રહ્યું છે. આ સ્થિતિ ન સુધરે તો તહેવારોની સીઝનમાં મોટી ખોટનો સામનો પડે તેવી શકયતા છે.
એક અંદાજ પ્રમાણે રીયલ એસ્ટેટ સહિતના ક્ષેત્રોમાં 20 થી 40 ટકા કામદારોની અછત છે અને તેના કારણે મોટાભાગની ફેકટરીઓમાં 70 થી 80 ટકાની ક્ષમતાએ જ ઉત્પાદન શકય બની રહ્યું છે. હવે લોકડાઉન- નિયંત્રણો હળવા થતા આવતા મહિનાથી ડીમાન્ડ સરેરાશ 30 ટકા વધવાનો અંદાજ મુકવામાં આવી રહ્યો છે તે સંજોગોમાં ઉત્પાદન વધારવુ જરૂરી છે.
ફેડરેશન ઓફ ઈન્ડીયન માઈક્રો, સ્મોલ એન્ડ મીડીયમ એન્ટરપ્રાઈઝના બોર્ડ મેમ્બરના જણાવ્યા અનુસાર ઓટો અને ઓટો એન્સીલરી ઉદ્યોગોમાં કુશળ કામદારોની ઘટ છે. અત્યારની ડીમાંડ મુજબ વાંધો નથી પરંતુ હવે તહેવારોની સીઝન આવી રહી છે તે પુર્વે એકાએક માંગ વધવાનાં સંજોગોમાં ઉત્પાદન વધારવુ પડે તો કુશળ કામદારોની અછત સર્જાશે.