કેરળના સિસ્ટર લૂસી કલપુરાને કોન્વેન્ટમાં બંધક બનાવવાનો અને પ્રાર્થના કરવાથી રોકવાનો મામલો સામે આવ્યો છે. ઘટના સોમવારની છે. કલપુરાને બંધક બનાવવાના આરોપમાં કોન્વેન્ટની વિરુદ્ધ પોલીસે મામલો નોંધ્યો છે.
રેપના આરોપી બિશપ ફ્રેંકો મુલક્કલની વિરુદ્ધ કોચ્ચિમાં થયેલા દેખાવોમાં સામેલ થવાને કારણે સિસ્ટર લૂસીને તાજેતરમાં ચર્ચની ગતિવિધિઓથી દૂર કરીને કુરાવિલંગદ કોન્વેન્ટ સ્કૂલ છોડવા માટે તાકીદ કરવામાં આવી હતી. તેમણે આની વિરુદ્ધ રોમના કેથોલિક ચર્ચમાં અપીલ કરી છે.
લુસીએ કહ્યું છે કે તે ગત બે દિવસથી કોન્વેન્ટમાં ન હતી. રવિવારે તે પાછા ફર્યા. સોમવારે સવારે જ્યારે પ્રાર્થના માટે તૈયાર થયા તો કોન્વેન્ટમાંથી નીકળી શક્યા નહીં. તેમને બહારથી બંધ કરી દેવામાં આવ્યા હતા. તેના પછી તેમણે સ્થાનિક પોલીસને આની જાણકારી આપી હતી. પોલીસની દખલ બાદ કોન્વેન્ટનો દરવાજો ખોલવામાં આવ્યો હતો.
કેથોલિક ખ્રિશ્ચિયન સોસાયટી ફ્રાસિસ્કન ક્લેરિસ્ટ કોન્ગ્રિગેશન એટલે કે એફસીસીના વરિષ્ઠ અધિકારીનું કહેવું છે કે સંગઠનમાંથી બરખાસ્તગી બાદ તેમને 17 ઓગસ્ટે કોન્વેન્ટ છોડી દેવી જોઈતી હતી. એફસીસીના અધિકારીઓએ કલપુરાના 85 વર્ષીય માતાને પણ નિર્ણયથી અવગત કરાવતા તેમને પાછા લઈ જવા માટે જણાવ્યું છે.
લુસીનું કહેવું છે કે સંગઠન તેમને કાયદાકીય રીતે કોન્વેન્ટ છોડવા માટે કહી શકે નહીં, કારણ કે તેમણે બરતરફીના નિર્ણયની વિરુદ્ધ વેટિકનમાં અપીલ દાખલ કરી રાખી છે.
મહત્વપૂર્ણ છે કે સિસ્ટર લુસીએ દુષ્કર્મના આરોપી બિશપની વિરુદ્ધ કાર્યવાહીની માગણીને લઈને વિરોધ-પ્રદર્શનમાં ભાગ લીધો હતો. તેના પછી એફસીસીની ઉચ્ચસ્તરીય સમિતિએ 11 મેના રોજ લુસીની બરખાસ્તગી કરી હતી. 7 ઓગસ્ટે તેમને 10 દિવસની અંદર કોન્વેન્ટ ખાલી કરવાનું ફરમાન પણ કરવામાં આવ્યું હતું.