લોકસભા ચૂંટણીમાં મળેલી કારમી હાર બાદ કોંગ્રેસે ટેલિવિઝન ડિબેટમાં પોતાના પ્રવક્તાઓને નહીં મોકલવાનો નિર્ણય કર્યો હતો. એક માસ માટે જાહેર કરવામાં આવેલા આ આદેશની સમયમર્યાદા આજે મંગળવારે પૂર્ણ થઈ ચુકી છે. હવેપાર્ટીએ આગામી આદેશ સુધી આ નિર્ણયને લંબાવવાનો નિર્ણય કર્યો છે. એટલે કે ટેલિવિઝન ડિબેટમાં હજીપણ કોંગ્રેસના પ્રવક્તા ભાગ લેશે નહીં.
લોકસભા ચૂંટણીમાં કારમી હાર બાદથી કોંગ્રેસે પોતાના પ્રવક્તાઓને ટેલિવિઝન ડિબેટમાં જવાથી રોક્યા હતા. પાર્ટીએ પોતાના પ્રવક્તાઓને ટેલિવિઝન ડિબેટ્સથી દૂર રહેવાની સલાહ આપી છે. લોકસભાની ચૂંટણીના પરિણામો બાદ 29 મેએ કોંગ્રેસે પાર્ટીના પ્રવક્તાઓને ટેલિવિઝન ડિબેટમાં નહીં મોકલવાનો નિર્ણય કર્યો હતો. આની જાણકારી કોંગ્રેસના મીડિયા પ્રભારી રણદીપસિંહ સૂરજેવાલાએ એક ટ્વિટ દ્વારા આપી હતી.
કોંગ્રેસના નેતાએ તે સમયે જ જણાવ્યું હતું કે પ્રવક્તાઓને ટેલિવિઝન ડિબેટમાં મોકલવા પરની રોક એક મહીનો વધુ લંબાવાય તેવી શક્યતા છે. પરિસ્થિતિઓ પણ રોક વધારવાના સંકેત આપી રહી છે. આમ પણ કોંગ્રેસમાં સંગઠનાત્મક સ્તરે ફેરફારની શક્યતા છે, કારણ કે પાર્ટી અધ્યક્ષ રાહુલ ગાંધી રાજીનામાની પેશકશ કરી ચુક્યા છે અને તેઓ પોતાના નિર્ણય પર હાલ તો અડગ દેખાય છે. પાર્ટી નેતૃત્વના મામલાને ઉકેલવા સુધી પ્રવક્તાઓવાળા મામલા પર નિર્ણય થવાના આસાર દેખાઈ રહ્યા નથી.
કોંગ્રેસના પ્રવક્તા રાજીવ ત્યાગી પ્રમાણે જો આ કોંગ્રેસ પાર્ટી માટે આત્મમંથનનો તબક્કો છે, તો મીડિયા જૂથો માટે પણ આત્મમંથનનો તબક્કો છે. સવાલ પુછવા જોઈએ. પરંતુ વિપક્ષ જે સવાલ ઉઠાવી રહ્યું છે, સરકારની વિરુદ્ધ તેમને પણ મીડિયામાં સ્થાન મળવું જોઈએ. મીડિયાનું કાર્ય સરકારને સવાલ પુછવાનું છે, વિપક્ષને નહીં. સત્તાપક્ષને સવાલ પુછવાથી લોકશાહી મજબૂત થાય છે અને સવાલોથી લોકલાજ બચેલી રહે છે.
પાર્ટી માને છે કે તેમની છબીને મીડિયાના વર્ગની એક તરફી રજૂઆતોના કારણે નુકસાન પહોંચ્યું છે અને તેની અસર પરિણામો પર પણ પડી છે. જો કે પાર્ટીએ પાર્ટીએ પ્રિન્ટ મીડિયાનો કોઈ બહિષ્કાર કર્યો નથી. અખબારો અને મેગેઝીનો સાથે પાર્ટી પ્રવક્તા પહેલાની જેમ જ વાત કરી રહ્યા છે. પાર્ટીના નેતાઓ પણ માની રહ્યા છે કે રોક વધુ એક માસ લંબાવવી જોઈએ.