કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને શશી થરૂરનું મહત્વનું નિવેદન
અમદાવાદ: કોંગ્રેસ નેતા રાહુલ ગાંધીને લઈને શશી થરૂરે મહત્વનું નિવેદન આપ્યું છે. શશી થરૂરે જણાવ્યું કે જો રાહુલ ગાંધી ફરી અધ્યક્ષ ન બનવા માગતા હોય તો કોંગ્રેસે નવા અધ્યક્ષ શોધવાની પ્રક્રિયા શરૂ કરી દેવી જોઈએ. શશી થરૂર દ્વારા 2024ની સામાન્ય ચૂંટણીને લઈને આ પ્રકારનું નિવેદન આપ્યું હોય તેવુ લાગી રહ્યું છે અને તેમણે ફરી એકવાર ફુલટાઈમ અધ્યક્ષની પસંદગી કરવા પર ભાર મૂક્યો છે.
શશી થરૂરે કોંગ્રેસ પાર્ટીને લઈને પોતાનો મંતવ્ય રજૂ કર્યો છે અને તેમાં જણાવ્યું કે લોકોના મગજમાં કોંગ્રેસ દિશાહિન અને ડામાડોળ પાર્ટી હોવાની ધારણા બંધાઈ ગઈ છે. આ ધારણા બદલીને પાર્ટીએ ફુલટાઈમ અધ્યક્ષ શોધવાની પ્રક્રિયા ઝડપી કરવાની જરૂર છે.
કોંગ્રેસના વચગાળાના અધ્યક્ષ તરીકે સોનિયા ગાંધીને પણ આજે એક વર્ષ પૂર્ણ થયું છે અને તેમને લઈને પણ શશી થરૂરે નિવેદન આપ્યું છે. શશી થરૂરે જણાવ્યું કે તેમનાથી અનિશ્ચિતકાળ માટે વચગાળાના અધ્યક્ષ પદનો બોજો સહન કરવાની આશા રાખવી યોગ્ય નથી. થરુરે કહ્યું કે રાહુલ ગાંધીમાં એ તાકાત અને કાબેલિયત છે કે તે પાર્ટીને ફરી લીડ કરી શકે.
રાહુલ ગાંધીની ટીમના એક મુખ્ય સભ્યએ મીડિયા સાથે વાત કરતા જણાવ્યું કે રાહુલ ગાંધીએ પાર્ટીમાં સુધારા-વધારા અંગે સૂચન કર્યા હતા પરંતુ તેના પર અમલ કરવામાં આવ્યું નથી. સૂચનમાં જણાવવામાં આવ્યું હતું કે પાર્ટીની હાર માટે કોણ કોણ જવાબદાર છે અને તે માટે જે તે નેતાની જવાબદારી નકકી થવી જોઈએ. આ બાબતે રાહુલ ગાંધીએ તો જવાબદારી સ્વીકારી હતી પણ યુપીએ-2ના કેટલાક મંત્રીઓએ આ જવાબદારી સ્વીકારવાનો ઈનકાર કર્યો છે.
_VINAYAK