કોંગ્રેસ-જેડીયુ દ્વારા બ્યૂરોક્રસીમાં લેટરલ એન્ટ્રીનો વિરોધ, એસસી-એસટી-ઓબીસી અનામતની અવગણનાનો આરોપ
નવી દિલ્હી: કેન્દ્ર સરકારમાં ઘણી સંયુક્ત સચિવોની સીધી નિયુક્તિની યોજનાને લઈને કોંગ્રેસે શુક્રવારે મોદી સરકાર પર નિશાન સાધ્યું છે અને દાવો કર્યો છે કે આ વ્યવસ્થાથી બંધારણની અવગણના કરવાની સાથે જ એસસી, એસટી અને ઓબીસી વર્ગોનું અનામત પણ સમાપ્ત થઈ જશે.
કોંગ્રેસના પ્રવક્તા રણદીપ સૂરજેવાલાએ ટ્વિટ કરીને કહ્યુ છે કે દેશની સરકારમા 40 ટકા નિયુક્તિમાં એસસી, એસટી અને ઓબીસીનું અનામત સમાપ્ત થશે. શાસનમાં નવા ટેલેન્ટની ભરતી કરવી યોગ્ય છે. પરંતુ શું આની આડમાં બંધારણને હાંસિયામાં ધકેલવું યોગ્ય છે?
તેમણે કહ્યુ છે કે પહેલા સિંગલ પોસ્ટ કેડરના આ તર્કથી યુનિવર્સિટીઓમાં એસસી, એસટી અને ઓબીસી અનામત સમાપ્ત થઈ ગયું હતું. ચૂંટણીના કારણે અને દેશવ્યાપી વિરોધ બાદ તેને પાછું લેવામાં આવ્યું. જો આ માપદંડ ત્યારે ખોટો હતો, તો સંયુક્ત સચિવની નિયુક્તિ માટે ઠીક કેવી રીતે છે?
અહેવાલ મુજબ, કેન્દ્ર સરકાર સંયુક્ત સચિવો સાથે ઉપ-સચિવ અને નિદેશક સ્તરના ઘણાં પદો પર પણ ખાનગી ક્ષેત્રના વિશેષજ્ઞોની નિયુક્તિ કરવાની યોજના બનાવી રહી છે.
સામાન્ય રીતે યુપીએસસી દ્વારા આયોજીત થનારી સિવિલ સેવાની પરીક્ષા,વન સેવા પરીક્ષા અથવા કેટલાક અન્ય કેન્દ્રીય સેવાઓની પરીક્ષામાં પસંદ થયેલા અધિકારીઓને કારકિર્દીમાં લાંબો અનુભવ પ્રાપ્ત કર્યા બાદ સંયુક્ત સચિવના પદ પર તાત કરવામાં આવે છે.
જેડીયુના પ્રવક્તા કે. સી. ત્યાગીએ કહ્યુ છે કે સારી પ્રતિભાઓને સરકારમાં સામેલ થવું જોઈએ. પરંતુ જો આ બંધારણીય અધિકારોને તાક પર રાખીને કરવામા આવે છે, તો આ દુર્ભાગ્યપૂર્ણ છે. તેમણે કહ્યુ હતુ કે બંધારણ એસસી, એસટી, ઓબીસી અને શૈક્ષણિક રીતે પછાત લોકોને કેટલાક અધિકારો અને વિશેષાધિકારોની ગેરેન્ટી આપે છે. તેને અનામત પર હુમલો માનવામાં આવશે.