સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશ રંજન ગોગોઈએ મંગળવારે અલ્હાબાદ હાઈકોર્ટના જસ્ટિસ એસ. એન. શુક્લા વિરુદ્ધ સીબીઆઈને એફઆઈઆર નોંધવાની મંજૂરી આપી છે. જસ્ટિસ શુક્લા પર ખાનગી મેડિકલ કોલેજોની તરફદારી કરવાનો આરોપ છે. સીબીઆઈએ લખનૌ ખંડપીઠના જસ્ટિસ શુક્લાની વિરુદ્ધ ભ્રષ્ટાચાર નિવારણ કાયદા હેઠળ મામલો નોંધ્યો છે.
આ પહેલી ઘટના છે કે જ્યારે કોઈ સિટિંગ જજની વિરુદ્ધ સીબીઆઈ તપાસ કરશે. સુપ્રીમ કોર્ટના મુખ્ય ન્યાયાધીશની મંજૂરી વગર કાર્યરત ન્યાયાધીશ વિરુદ્ધ મામલો નોંધી શકાતો નથી.
ભૂતપૂર્વ મુખ્ય ન્યાયાધીશ જસ્ટિસ દીપક મિશ્રા દ્વારા તપાસ માટે બનાવવામાં આવેલી આંતરીક સમિતિએ જસ્ટિસ શુક્લાને ખાનગી મેડિકલ કોલેજોને લાભ આપવાના દોષિત હોવાનું તારવ્યું હતું. આ રિપોર્ટ પ્રમાણે, જસ્ટિસ શુક્લાએ એમબીબીએસમાં વિદ્યાર્થોના પ્રવેશને લઈને નક્કી કરવામાં આવેલી સમયમર્યાદાને આગળ વધારી હતી.
રિપોર્ટ પ્રમાણે, તપાસ એજન્સીઓએ સીજેઆઈ ગોગોઈને પત્ર લખ્યો હતો. તેમા જસ્ટિસ શુક્લા વિરુદ્ધ તપાસને આગળ વધારવાની મંજૂરી માંગવામાં આવી હતી. આ સંદર્ભે ગત મહીને સીજેઆઈએ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને પત્ર લખ્યો હતો. તેમણે કહ્યુ હતુ કે સંસદમાં જસ્ટિસ શુક્લાને હટાવવાને લઈને પ્રસ્તાવ લાવવામાં આવે.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે ભૂતપૂર્વ સીજેઆઈ દીપક મિશ્રાએ જસ્ટિસ શુક્લાને તે સમયે રાજીનામું આપવા અથવા સમયથી પહેલા રિટાયર થવાનું જણાવ્યું હતું. પરંતુ જસ્ટિસ શુક્લાએ આ વાતનો ઈન્કાર કર્યો હતો. 2018માં તેમની પાસેથી કાયદાકીય કામકાજ પાછું લેવામાં આવ્યું હતું.