અમદાવાદઃ ઉત્તર ગુજરાતના શામળાજી નજીક આવેલા દેવનીમોરી ખાતે મેશ્વો જૂથ પાણી પુરવઠા યોજનાના શુદ્ધીકરણ પ્લાન્ટમાં ક્લોરીન ગેસની બોટલ લીકેજ થતા તંત્ર દોડતું થઈ ગયું હતું. 900 કિલો બોટલમાંથી 800 કિલો ક્લોરીન લીકેજ થતા આસપાસના બે ગામના લોકોને સામાન્ય અસર થઈ હતી. એટલું જ નહીં આ અંગેની જાણ થતા સ્થળ પર દોડી ગયેલી ફાયરબ્રિગેડનો એક કર્મચારી પણ બેભાન થઈ જતા તેને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો.
પ્રાપ્ત માહિતી અનુસાર દેવનીમોરી ખાતે મેશ્વો જૂથ પાણી પુરવઠા દ્વારા આસપાસના 146 ગામોને પાણી પહોંચાડવા માટે પાણી પુરવઠા યોજના બનાવી છે. જેમાં પાણીને ક્લોરીનેશન કરી ગામડાઓમાં પહોંચાડવાની વ્યવસ્થા કરવામાં આવી છે. દરમિયાન રાત્રિના સમયે આ પ્લાન્ટ ઉપર ક્લોરીન ગેસ લીકેજ થયો હતો. 900 કિલોની બોટલમાં 100 કિલો જેટલો ગેસ બચ્યો હતો. ગેસ લીકેજ થતા જ કર્મચારીઓ પ્લાન્ટથી દૂર ખસી ગયા હતા. જો કે, દેવનીમોરી તેમજ હિંમતપુર ગામના લોકોને ખાંસી તેમજ શ્વાસ રુંધાવાની સમસ્યા સર્જાઈ હતી.
આ બનાવની જાણ થતા ફાયરબ્રિગેડની ટીમ પણ તાત્કાલિક સ્થળ પર દોડી ગઈ હતી. દરમિયાન ફાયર ફાઈટરના ચાલક આસીફ સુથારને ગેસ ગળતરની અસર થતા બેભાન થઇ ગયો હતો. જેને 108 મારફતે શામળાજી રેફરલ હોસ્પિટલ ખાતે સારવાર માટે લાવ્યો હતો. તાલુકા મામલતદાર તેમજ પાણી પુરવઠાના અધિકારીઓ પણ સ્થળ પર દોડી ગયા હતા. તેમજ ગેસ લીકેજને રીપેર કરવાની કાર્યવાહી હાથ ધરી હતી. વહેલી સવાર સુધી ગેસ ગળતરની તીવ્રતા ઘટતા અધિકારીઓએ રાહતનો શ્વાસ લીધો હતો.