જ્ઞાન જીવનનું અજવાળું છે અને આ અજવાળું જીવનના અંધારાને ઉલેચી નાખે છે. શિક્ષક એટલે જીવનનું શિક્ષણ આપનાર, જીવતા શીખવાડનાર ગુરુ. જીવનપથ પર પદ-પદ માર્ગદર્શન આપનાર એટલે ગુરુ કે શિક્ષક. ભારત બહુરત્ના વસુંધરા છે. ભારતના રત્નરૂપી ઈતિહાસ પુરુષોના જીવનને પહેલ પાડીને જ્ઞાનજ્યોતિથી ચમકાવનારા શિક્ષકોથી ભારતનો ઈતિહાસ ભરેલો પડયો છે.
ભગવાન શ્રીરામને પણ વસિષ્ઠ અને વિશ્વામિત્ર જેવા ઋષિઓએ શિક્ષિત અને દિક્ષિત કર્યા હતા. ભગવાન શ્રીકૃષ્ણને પણ સાંદિપની ઋષિએ શિક્ષણ આપ્યું હતું. સમર્થ બાણાવાળી અર્જૂનને ગુરુશ્રેષ્ઠ દ્રોણાચાર્યે ધનુર્વિદ્યામાં પારંગત કર્યા હતા. તો ગુરુશ્રેષ્ઠ દ્રોણાચાર્યને ગુરુપદે સ્થાપિત કરીને ધનુર્વિદ્યા શિખનાર બાણાવાળી એકલવ્યને પણ દુનિયા યાદ રાખે છે.
દાનવીર મૃત્યુંજય કર્ણને ધનુર્વિદ્યા શિખવનારા પરશુરામનું નામ પણ હંમેશા યાદ રાખવામાં આવે છે. આધુનિક સમયમાં ગુરુ કે શિક્ષક અને શિષ્યની જોડીની વાત કરીએ, ચાણક્ય-ચંદ્રગુપ્ત મૌર્ય, છત્રપતિ શિવાજી મહારાજ-સમર્થ ગુરુ રામદાસ, ગોપાલકૃષ્ણ ગોખલે-મહાત્મા ગાંધી જેવી ગુરુ-શિષ્યની જોડીઓને ભારતના ઈતિહાસે યાદ રાખી છે.
શિક્ષક ક્યારેય સાધારણ હોતો નથી. સાધારણને અસધારણમાં ફેરવવાની ક્ષમતા શિક્ષકની અંદર મૂળભૂત રીતે કેળવાયેલી છે. શિક્ષક વિદ્યાદાન કરીને સામાજિક કર્તવ્યનું પણ નિર્વહન કરતો રહે છે. પણ તેની સાથે આજે એક એવા અસાધારણ શિક્ષકની વાત કરીએ અને તેમને શિક્ષક દિને યાદ કરીએ કે જે શિક્ષકોના આદર્શ હોઈ શકે છે.
જ્ઞાન સાધનાના પથ પર સાધારણમાંથી અસાધારણ બનેલા અને અસાધરણ જીદ માટે સાધારણ બાળકને ભારતના સમ્રાટ બનાવનારા એક શિક્ષકની અસાધારણતાને ભારત આજે પણ યાદ કરે છે.
એક અસાધારણ શિક્ષક વિષ્ણુગુપ્ત ચાણક્યે ભારતને અખંડ અને વિરાટ સામ્રાજ્ય બનાવવાનું સપનું જોયું હતું. વિશ્વવિજેતા બનવાની ખેવના સાથે મેસિડોનિયાથી નીકળેલા એલેક્ઝાન્ડર ઉર્ફે સિકંદરને ભારતમાં હિંસાચાર કરતો રોકવા માટે તક્ષશિલા વિશ્વવિદ્યાલયના અસાધારણ શિક્ષકે તત્કાલિન મગધ સામ્રાજ્યના સમ્રાટ ધનનંદ સમક્ષ અખંડ ભારતની ભિક્ષા માંગી હતી.
સમ્રાટ ધનનંદે શિક્ષકની જ્ઞાનજ્યોતિના પ્રકાશમાં ભારતનું ભવિષ્ય જોવાનો ઈન્કાર કર્યો હતો. સમ્રાટના ઈન્કારથી વિચલિત થયા વગર ચાણક્યે શિક્ષક તરીકેના અસાધારણ કર્તવ્યનું નિર્વહન કરતા સમ્રાટ ધનનંદને કહ્યુ હતુ કે શિક્ષક સાધારણ હોતો નથી, પ્રલય અને નિર્માણ તેના ખોળામાં રમતા હોય છે. મારા જ્ઞાનમાં શક્તિ હશે, તો મારું પાલન કરનારા સમ્રાટોનું હું નિર્માણ કરી લઈશ.
શિક્ષકની આ ખુમારીએ, શિક્ષકની આવી અસાધારણ જીદે અખંડ ભારત સ્વરૂપે સિકંદરના વિશ્વવિજેતા તરીકેના અભિયાનમાં ભારતમાં વધુ આગળ વધવાના સ્થાને પાછા ફર્યા બાદ વિશાળ જનસામ્રાજ્ય સ્થાપિત કર્યું અને એક સાધારણ બાળકને વિશાળ અને વિરાટ ભારતના અસાધારણ સમ્રાટ ચંદ્રગુપ્ત મૌર્ય બનાવી દીધો.
શિક્ષક ચાણક્ય, જે રાજનીતિથી દૂર પોતાનું જીવન શાંતિથી વ્યતીત કરતા હતા, જે ભારતને એક વિશાળ સામ્રાજ્યના રૂપમાં જોવા ચાહતા હતા. તેમની નજરોને હંમેશાથી તલાશ હતી, એક એવા યુવાનની જે ભારતનો નવો ઈતિહાસ લખી શકે. એક એવા સામાન્ય શિષ્યની જે ખાસ બનવાનું કદ ધરાવતા હોય.
ગ્રીક હુમલાખોર એલેક્ઝાન્ડર ઉર્ફે સિકંદરના આક્રમણ સામે ભારતની અખંડિતતાની આકાંક્ષા સાથે ચાણક્ય મગધના સમ્રાટ પાસે ગયા હતા. અહીં ચાણક્યની વિનંતી માનવાનો મહાપદ્મનંદે ઈન્કાર કરી દીધો હતો અને અખંડ ભારતને જોવાના સ્થાને તેમણે ચાણક્યનો કાળો રંગ જોઈને તેમના પ્રત્યે અણગમો વ્યક્ત કર્યો હતો. ચાણક્ય પાટલિપુત્રના રાજા મહાપદ્મનંદને ત્યાં એક યજ્ઞમાં ગયા અને ભોજન વખતે એક મુખ્ય આસાન પર બેઠા હતા. રાજાએ ચાણક્યનો કાળો રંગ જોઈને તેમને આસન પરથી ઉઠી જવાની આજ્ઞા આપી હતી. અપમાનિત થઈને ચાણક્ય ભોજન કર્યા વગર ત્યાંથી ગુસ્સે થઈને નીકળી ગયા અને તેમણે પ્રતિજ્ઞા કરી હતી કે જ્યાં સુધી આ નંદવંશનો નાશ કરી નહીં લે, ત્યાં સુધી પોતાની શિખા બાંધશે નહીં.
આ પ્રતિજ્ઞા કરીને જ્યારે ચાણક્ય રાજમહેલની બહાર નીકળ્યા ત્યારે તેમને પોતાના અખંડ ભારત અને નંદવંશના નાશ માટેના લક્ષ્ય માટે એક બાળક ચંદ્રગુપ્ત પર નજર પડી હતી. આ બાળક ચંદ્રગુપ્ત રમત રમતી વખતે સમવયસ્ક બાળકોનું નેતૃત્વ કરી રહ્યો હતો. ચાણક્યને પહેલી જ નજરમાં ભારતનો ભાવિ સમ્રાટ મળી ગયો હતો. તેઓ આ બાળકને પોતાની સાથે લઈ આવ્યા અને તેને શિક્ષિત કરવાનું શરૂ કર્યું હતું.
ચાણક્ય જેવા સમર્થ શિક્ષક અને ચંદ્રગુપ્ત જેવો શિષ્ય. ચાણક્યે જેવી કલ્પના કરી હતી, ચંદ્રગુપ્ત આ કલ્પના પર શત-પ્રતિશત ખરો ઉતર્યો અને ચાકડા પર અનુભવી કુંભારના હાથે માટી જેમ પોતાનો આકાર લે છે, તેવી રીતે ચંદ્રગુપ્તે પણ આકાર લીધો હતો. યુવાન ચંદ્રગુપ્તે નાના-નાના રાજાઓની મદદથી પાટલિપુત્ર પર ચઢાઈ કરી અને નંદોને યુદ્ધમાં પરાસ્ત કરીને તેમનો ખાત્મો કર્યો હતો.
નંદવંશના વિનાશ બાદ ચંદ્રગુપ્ત મૌર્ય મગધની ગાદી પર આસિન થયા. તેમને પરાક્રમી બનાવવા અને મૌર્ય સામ્રાજ્યના વિસ્તરણના ઉદેશ્યથી ગુરુ ચાણક્યે વ્યવહારીક રાજનીતિમાં પ્રવેશ કરતા સમ્રાટના મહાઅમાત્ય બન્યા હતા. ચાણક્યનું આગામી લક્ષ્ય ભારતને એક વિશાળ સામ્રાજ્યનું સ્વરૂપ આપીને બાહ્ય આક્રમણોના પ્રતિકાર માટે સક્ષમ બનાવવાનું હતું.
નંદ વંશ બાદ આખા ભારત પર નિયંત્રણ મેળવીને ચંદ્રગુપ્ત સત્તાના કેન્દ્ર પર આસિન થયા અને તેમની વિજયી સેનાએ વિશ્વવિજેતા બનવા નિકળેલા સિકંદરના મહાન ગણાતા સેનાપતિ સેલ્યુકસને હરાવીને અહીંથી ભગાડી મૂક્યો હતો અને તેનું વિશ્વવિજેતા બનવાનું સપનું ચકનાચૂર કરી દીધું હતું.
ચંદ્રગુપ્તે મૌર્ય વંશની સ્થાપના કરી અને ભારતનું વિશાળ સામ્રાજ્ય સ્થાપિત કર્યું. આવી રીતે તેમણે પોતાના શિક્ષક ચાણક્યના સપનાને પુરું કરીને અસાધારણ શિષ્ય સાબિત થઈને પોતાના શિક્ષકને પણ અસાધારણ હોવાનો નક્કર પુરાવો આખા વિશ્વને આપ્યો.
આચાર્ય વિષ્ણુગુપ્ત ચાણક્ય એક મહાન રાજનીતિજ્ઞ, કૂટનીતિજ્ઞ હોવા ઉપરાંત એક મહાન રાષ્ટ્રભક્ત શિક્ષકનો દરજ્જો પામેલા છે. ચાણક્યની મહાન નીતિઓ આજે પણ રાજનીતિ, કૂટનીતિ, સમાજનીતિમાં પથપ્રદર્શક છે.
ચાણક્યની ગેરહાજરીમાં ચાણક્ય નીતિ પણ ચંદ્રગુપ્ત બનવાની ક્ષમતા ધરાવનારાઓ માટે માર્ગદર્શક છે
ચાણક્ય નીતિના નીતિસૂત્ર-
ચાણક્ય નીતિ કહે છે કે સફળ તે છે કે જેને ખબર રહે કે સમય કેવો ચાલી રહ્યો છે. જો સુખના દિવસો છે તો સારા કામ કરતા રહો અને જો દુખના દિવસો છે તો સારા કામ સાથે ધીરજ જાળવી રાખવી જોઈએ.
ચાણક્ય પ્રમાણે વ્યક્તિને હંમેશા પોતાની શક્તિની ઓળખ હોવી જોઈએ. આપણને ખબર હોવી જોઈએ કે આપણે શું કરી શકીએ છીએ. જો શક્તિથી વધારે કામ કરવાની આપણે કોશિશ કરીશું તો અસફળ થવું નિશ્ચિત છે.
એ વાતની આપણને ખબર હોવી જોઈએ કે આપણું સાચું મિત્ર કોણ છે અને કોણ શત્રુ છે. આપણને મિત્રોના વેશમાં છૂપાયેલા શત્રુઓની ઓળખ હોવી જોઈએ. તેની સાથે એ વાતનું પણ ધ્યાન રાખવું જોઈએ કે સાચું મિત્ર કોણ છે, કારણ કે સાચા મિત્રોની સહાયતાથી તમને સફળતા મળી શકે છે.
આપણે જ્યાં કામ કરી રહ્યા છીએ, તે સ્થાન સંદર્ભે આપણને સંપૂર્ણ જાણકારી હોવી જોઈએ. તેની સાથે જ એ વાત પર પણ ધ્યાન આપવું જોઈએ કે આપણો પ્રબંધક, કંપની, સંસ્થા અથવા બોસ આપણી પાસે શું ઈચ્છે છે. આપણે તે કામ કરવું જોઈએ કે જેનાથી સંસ્થાને લાભ મળતો હોય.
વ્યક્તિને એ વાતની પણ જાણકારી હોવી જોઈએ કે જ્યાં તે કામ કરી રહ્યો છે, તે જગ્યા કેવી છે, ત્યાંની સ્થિતિ કેવી છે. કાર્યસ્થળ પર કામ કરનારા લોકો કેવા છે. એ વાતનું ધ્યાન રાખવું જરૂરી છે.
વ્યક્તિને પોતાની આવક અને ખર્ચની ખબર હોવી જોઈએ. જે લોકો આવકથી વધારે ખર્ચ કરે છે, તે હંમેશા મુશ્કેલીઓથી ઘેરાયેલા રહે છે. જે ધન સંબંધિત સુખ મેળવવા ચાહે છે, તેણે આવકથી વધારે ખર્ચ કરવો જોઈએ નહીં.
હંમેશા બીજાની ભૂલોમાંથી શીખવું જોઈએ, કારણ કે તેણે પોતાની ઉપર પ્રયોગ કરવાથી પોતાની ઉંમર ઓછી પડશે.