કેફે કોફી ડે એટલે કે સીસીડીના માલિક વીજી સિદ્ધાર્થ મંગળવારે સવારથી અચાનક ગાયબ થઈ ગયા છે. તેઓ સોમવારે મંગલુરુ આવ્યા હતા, બાદમાં સાંજે સાડા છ વાગ્યે ગાડીમાંથી ઉતર્યા બાદ ગાયબ થયા હતા અને હજી સુધી તેમનો અત્તોપત્તો મળ્યો નથી. પોલીસ મામલાની તપાસ કરી રહી છે. રાજ્યના મોટા નેતા સતત તેમના સસરા અને ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન એસ. એમ. કૃષ્ણાની સાથે મુલાકાત કરી રહ્યા છે. જણાવવામાં આવે છે કે સીસીડી પર સાત હજાર કરોડથી વધારેનું કર્જ હતું.
સૂત્રોનું માનીએ તો વીજી સિદ્ધાર્થે આખરી વખત પોતાની કંપનીના સીએફઓ સાથે 56 સેકન્ડ માટે વાત કરી હતી. તેમાં તેમણે પોતાના સીએફઓને કંપનીનો ખ્યાલ રાખવા માટે જણાવ્યું હતું. સીએફઓ સાથે ફોન પર વાત કરતી વખતે તેઓ ઘણાં નિરાશ હતા. સીએફઓ સાથે વાત કર્યા બાદ તેમમે પોતાનો ફોન સ્વિચઓફ કરી દીધો હતો.
પોલીસ તેમની તપાસ કરી રહી છે. ડોગ સ્ક્વોર્ડની મદદ લેવાઈ રહી છે. જે પુલ પરથી તેઓ ગાયબ થયા છે, તેની 600 મીટરના અંતરે સમુદ્ર પણ છે અને સોમવારે રાત્રે હાઈટાઈડ પણ આવી હતી.
જ્યારે વીજી સિદ્ધાર્થના ગાયબ થવાની વાત સામે આવી છે, ત્યારથી એસ. એમ. કૃષ્ણા સહીત આખો પરિવાર પરેશાન છે. ગાયબ સિદ્ધાર્થની તલાશ માટે દક્ષિણ કન્નડ પોલીસ કામગીરી કરી રહી છે. સિદ્ધાર્થ જે સ્થાન પરથી ગાયબ થયા છે, ત્યાં એક નદી છે, અહીં પણ પોલીસ સર્ચ ઓપરેશન ચલાવી રહી છે.
આ મામલામાં ડ્રાઈવર બસવરાજ પટેલે કહ્યુ છે કે હું સિદ્ધાર્થ માટે ત્રણ વર્ષથી ડ્રાઈવિંગ કરી રહ્યો છું. સવારે આઠ વાગ્યે હું બેંગલુરુ તેમના ઘરે ગયો, પહેલા વિઠ્ઠલ માલ્યા ઓફિસ ગયા અને બાદમાં બપોરે 12-30 વાગ્યે તેમણે સકલેશપુર લઈ જવાનું કહ્યું હતું. અમે ઈનોવામાં જઈ રહ્યા હતા, પરંતુ તેમણે ફરી મેંગલુરુ જવા માટે કહ્યુ. ડ્રાઈવરે જણાવ્યુ કે કેરળ હાઈવે પાસે જ્યારે અમે ત્રણથી ચાર કિલોમીટર અંદર ગયા હતા, તો તેમમે પુલની પાસે ગાડી રોકવાનું કહ્યું હતું.
ડ્રાઈવરના નિવેદન પ્રમાણે, તેમણે મને ત્યાં જ થોભવાનું કહ્યું અને જણાવ્યું કે તેઓ થોડું ફરીને આવી રહ્યા છે. બાદમાં જ્યારે રાત્રે આઠ વાગ્યે મે તેમને ફોન કર્યો, તો તેમનો ફોન બંધ હતો. બાદમાં મે તેમના પુત્રને ફોન કરીને જણાવ્યું અને તેમણે ફરિયાદ દાખલ કરાવી.