નવી દિલ્હી: કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે ગુરુવારે ભૂતપૂર્વ વડાપ્રધાન ડૉ. મનમોહનસિંહ સાથે મુલાકાત કરી છે. માનવામાં આવે છે કે બંને નેતાઓ વચ્ચે બજેટને લઈને ચર્ચા થઈ છે. નાણાં પ્રધાન બન્યા બાદ નિર્મલા સીતારમણ આગામી પાંચમી જુલાઈએ પોતાના કાર્યકાળનું પ્રથમ બજેટ રજૂ કરશે. આ પહેલા નિર્મલા સીતારમણ તમામ સેક્ટરના એક્સપર્ટ્સને મળી રહ્યા છે અને તેમના સૂચનો લઈ રહ્યા છે.
બજેટ પહેલા બંને નેતાઓની આ મુલાકાત મહત્વની માનવામાં આવે છે. ગત સપ્તાહે નિર્મલા સીતારમણે રાજ્યોના નાણાં પ્રધાનોની સાથે એક બેઠક કરી હતી. આ બેઠકમાં કેન્દ્રીય નાણાં પ્રધાને દેશના આર્થિક વિકાસમાં રાજ્યોનો સહયોગ માંગ્યો હતો. બેઠકમાં નિર્મલા સીતારમણે કહ્યુ હતુ કે જો રાજ્ય અને કેન્દ્ર સરકાર સાથે મળીને કામ નહીં કરે, તો કોઈપણ લક્ષ્ય પ્રાપ્ત કરી શકાશે નહીં. કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે એમ પણ કહ્યુ હતુ કે કેન્દ્રની જવાબારી, આર્થિક વિકાસની દિશાને નિર્ધારીત કરવાની છે. જ્યારે આ ક્ષેત્રમાં લાગુ કરવાની રાજ્યોની જવાબદારી છે.
આ સિવાય નિર્મલા સીતારમણે એ પણ જણાવ્યુ છે કે કેન્દ્રમાંથી રાજ્યો માટે ફંડ ડીવેલ્યુએશનમાં અભૂતપૂર્વ વૃદ્ધિ થઈ છે. આ પહેલા 8,29,344 કરોડ રૂપિયા હતું અને હવે તે વધીને 12,38,274 કરોડ રૂપિયા પહોંચી ગયું છે. તેની સાથે જ કેન્દ્રીય નાણાં પ્રધાને તમામ રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોને મોટા પ્રમાણમાં લોકોની આકાંક્ષાઓને પૂર્ણ કરવા અને વાંછિત લક્ષ્યોને પ્રાપ્ત કરવામાં તેના તરફથી સહયોગની અપીલ કરી છે.
નાણાં પ્રધાન નિર્મલા સીતારમણે કૃષિ અને ગ્રામીણ વિકાસના પ્રતિનિધિઓની સાથે બજેટ પૂર્વ પરામર્શ બેઠકો કરી છે. આ બેઠકમાં ખેડૂતો માટે લોન, છૂટ, ખાતર પર ટેક્સ સહીતના ઘણાં મુદ્દાઓ પર પણ ચર્ચા કરવામાં આવી છે.