પશ્ચિમ બંગાળમાં ફરી હિંસા: બીજેપીની વિજયરેલીમાં ફેંકવામાં આવ્યો બોમ્બ, TMC સમર્થકો પર છે આરોપ
પશ્ચિમ બંગાળમાં લોકસભા ચૂંટણી દરમિયાન ચાલુ થયેલી હિંસા હજુ પણ થંભી નથી. ચૂંટણી પરિણામો આવ્યા પછીથી બે બીજેપી કાર્યકર્તાઓની હત્યા બાદ હવે પાર્ટીની એક રેલીમાં સમર્થકો ઉપર બોમ્બ ફેંકવાનો મામલો સામે આવ્યો છે. જોકે, પોલીસે દાવો કર્યો છે કે આ ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી.
ઉલ્લેખનીય છે કે પશ્ચિમ બંગાળમાં બીજેપી કાર્યકર્તાઓનાં મોતથી ભૂકંપ મચી ગયો છે. રવિવારે રાતે ઉત્તર 24 પરગણા જિલ્લામાં એક બીજેપી કાર્યકર્તાને અજાણ્યા લોકોએ ગોળી મારી દીધી. આ પહેલા ચકદહામાં એક કાર્યકર્તાની ગોળી મારીને હત્યા કરી દેવામાં આવી હતી. બંને હત્યાઓ પછી રાજ્યમાં તણાવ ઘણો વધી ગયો હતો. હવે આ નવા મામલાથી તણાવમાં વધારો થઈ ગયો છે.
મળતી માહિતી પ્રમાણે, સોમવારે બીજેપી સમર્થકો તરફથી બીરભૂમમાં કાઢવામાં આવેલી વિજય રેલી દરમિયાન બોમ્બ ફેંકવામાં આવ્યો. બીજેપીએ સત્તામાં રહેલી તૃણમૂલ કોંગ્રેસ પર તેનો આરોપ લગાવ્યો છે. ઉલ્લેખનીય છે કે આ પહેલા પણ બીજેપી કાર્યકર્તાઓની હત્યા વખતે પણ પાર્ટીએ તૃણમૂલ કોંગ્રેસને જ જવાબદાર ઠેરવી હતી. જોકે, પોલીસનું કહેવું હતું કે પ્રાથમિક તપાસમાં કોઈ રાજકીય કારણ મળ્યું નથી.