દિલ્હીઃ પશ્ચિમ બંગાળમાં આગામી દિવસોમાં વિધાનસભાની ચૂંટણી યોજાશે. આ ચૂંટણીમાં ભાજપ અને મમતા બેનર્જી વચ્ચે સીધી ટક્કર થશે. ભાજપ દ્વારા અત્યારથી જ વિધાનસભાની ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. ‘હવે વધારે અન્યાય નહીં’ કાર્યક્રમ હેઠળ ભાજપ તા. 5મી ડિસેમ્બરના રોજ એક કરોડ પરિવાર સુધી પહોંચશે.
બંગાળના ભાજપના અધ્યક્ષ દિલીપ ઘોષના જણાવ્યા અનુસાર મનતા બેનર્જી સરકાર દ્વારા ચલાવાતા દુઆરે સરકાર કાર્યક્રમની સામે ભાજપ દ્વારા પણ ‘હવે વધારે અન્યાય નહીં’ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જે અંતર્ગત ભાજપના કાર્યકરો 5મી ડિસેમ્બરના રોજ 1 કરોડ પરિવાર સુધી પહોંચશે. ભાજપના કાર્યકરો ટીએમસી સરકારના ભ્રષ્ટાચાર લોકો સુધી પહોંચાવડા માટે ઘરે-ઘરે જશે. તેમજ કેવી રીતે કેન્દ્ર સરકારની વિવિધ યોજનાઓથી બાકાત રાખવામાં આવ્યાં તેની માહિતી આપવામાં આવશે.
ભાજપના નેતાએ જણાવ્યું હતું કે, હવે અન્યાય નહીં કાર્યક્રમનો આ બીજો તબક્કો છે. પ્રથમ તબક્કો આ વર્ષના આરંભમાં લોન્ચ કરવામાં આવ્યો હતો. કેન્દ્રીય મંત્રી અમિત શાહ માર્ચમાં બંગાળ ગયા હતા ત્યારે કાર્યક્રમનો શુભારંભ કરવામાં આવ્યો હતો. ભાજપના ટોપના નેતાઓએ આ અભિયાનને લઈને બેઠકનો દોર શરૂ કરી દીધો છે. 5 ડિસેમ્બરના રોજ ભાજપના કાર્યકરો સમગ્ર રાજ્યમાં એક સાથે બપોરના 12 કલાક પહેલા એક કરોડ પરિવાર સુધી પહોંચશે.
મમતા બેનર્જી સરકાર દ્વારા ચૂંટણીની તૈયારીઓ શરૂ કરી દેવામાં આવી છે. લોકો સુધી પહોંચવા માટે આઉટરીચ કાર્યક્રમ શરૂ કરવામાં આવ્યો છે. જેમાં 1 ડિસેમ્બરથી 28 જાન્યુઆરી સુધી રાજ્યના વિવિધ ગામ અને શહેરોમાં ઓછામાં ઓછી ચાર શિબિર કરવામાં આવશે. અધિકારીઓ લોકોને મનરેગા જોબ કાર્ડ, સ્વાસ્થ્ય કાર્ડ, જાતિ પ્રમાણપત્ર, રેશનકાર્ડ સહિતની વિવિધ સરકારી સુવિધાઓ પુરી પાડવામાં મદદ કરશે.