પ્રોટેમ સ્પીકર તરીકે ભાજપના સાંસદ ડૉ. વિરેન્દ્ર કુમારે લીધા શપથ, નવનિર્વાચિત સાંસદોને અપાવશે સોગંદ
નવી દિલ્હી: 17મી લોકસભાનું પહેલું સત્ર 17મી જૂનથી શરૂ થઈ રહ્યું છે અને ભાજપના સાંસદ ડૉ. વિરેન્દ્ર કુમારે લોકસભાના પ્રોટેમ સ્પીકર તરીકે શપથ લીધા છે.
વિરેન્દ્ર કુમાર હવે ગૃહમાં તમામ નવનિર્વાચિત સાંસદોને શપથ અપાવડાવશે. મહત્વપૂર્ણ છે કે આના પહેલા ભૂતપૂર્વ કેન્દ્રીય પ્રધાન સંતોષ ગંગવારનું નામ પ્રોટેમ સ્પીકરની રેસમાં હતું. પરંતુ તેમના પ્રધાન બનવાની સાથે જ તેઓ આ ચર્ચામાંથી બહાર થઈ ગયા હતા.
બાદમાં ભાજપના સાંસદ ડૉ. વિરેન્દ્ર કુમારનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. વિરેન્દ્ર કુમાર મધ્યપ્રદેશની ટીકમગઢ લોકસભા બેઠક પરથી ભાજપના સાંસદ છે. પ્રોટેમ સ્પીકરની પસંદગી રાષ્ટ્રપતિ કરે છે અને પ્રોટેમ સ્પીકર ગૃહમાં નવનિર્વાચિત સાંસદોને શપથ ગ્રહણ કરાવડાવે છે. ત્યાર બાદ ગૃહના સ્પીકરની ચૂંટણી થાય છે. પ્રોટેમ સ્પીકરની નિયુક્તિ સામાન્ય રીતે ત્યાં સુધી હોય છે કે જ્યાં સુધી લોકસભા અથવા વિધાનસભા પોતાના સ્થાયી સ્પીકરને ચૂંટી લેતા નથી.
મહત્વપૂર્ણ છે કે સંસદનું બજેટ સત્ર 17 જૂનથી શરૂ થશે અને તેનું સમાપન 26 જુલાઈ સુધીનું હશે. સંસદના પહેલા સત્રની તારીખનું એલાન મોદી સરકારની પહેલી કેબિનેટ બેઠકમાં કરવામાં આવ્યું હતું.
બજેટ પાંચમી જુલાઈએ રજૂ કરવામાં આવશે. આના પહેલા વર્ષ 2019-20નું વચગાળાનું બજેટ તત્કાલિન નાણાં પ્રધાન તરીકે પિયૂષ ગોયલે 1 ફેબ્રુઆરી-2019ના રોજ રજૂ કર્યું હતું. 17 જૂને સંસદીય સત્રના પહેલા દિવસે રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ બંને ગૃહોને સંબોધિત કરવાના છે.
લોકસભાના સ્થાયી સ્પીકરની નિયુક્તિ 19 જૂન બાદ કરવામાં આવશે. પ્રોટેમ સ્પીકર દ્વારા તમામ નવનિર્વાચિત સાંસદોને શપથ દેવડાવવામાં આવશે. સ્પીકરની નિયુક્તિ બાદ બંને ગૃહ પ્રસ્તાવ પર ધન્યવાદ રજૂ કરશે અને બાદમાં પીએમ મોદી આનો જવાબ આપશે.